લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ
January, 2005
લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ (જ. 22 એપ્રિલ 1870, સિમ્બિકર્સ, રશિયા; અ. 21 જાન્યુઆરી 1924, ગૉર્કી મૉસ્કો) : માર્કસવાદી વિચારસરણીને વરેલા વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા, સોવિયેત સંઘના પ્રથમ સમાજવાદી શાસક, રશિયાના બોલ્શેવિક (સામ્યવાદી) પક્ષના સંસ્થાપક તથા માર્કસવાદી-લેનિનવાદી વિચારસરણીના પ્રવર્તક. રશિયાની પોલીસને થાપ આપવા મૂકવા માટે 1901માં તેમણે લેનિન નામ ધારણ કર્યું અને ત્યારબાદ એ જ નામથી તેઓ ખ્યાતિ પામ્યા. પિતા ઇલ્યા નિકોલાયેવિચ ઇલિયાનૉવ (1841-86) શરૂઆતમાં શિક્ષક અને પાછળથી નાગરિક પ્રશાસક હતા. માતા મારિયા અલેક્ઝાંડ્રૉવના બ્લૅન્ક (1835-1916) ડૉક્ટરની પુત્રી હોવા ઉપરાંત પોતે શિક્ષિત મહિલા હતાં. તેમના બે પુત્રો અને ત્રણ પુત્રીઓમાંથી એક પુત્રી બાદ કરતાં બાકીનાં ચારેય સંતાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય હતાં. રશિયાના તે વખતના શાસક અલેક્ઝાંડર ત્રીજાના શાસન સામે બળવો કરવાનું કાવતરું ઘડી કાઢવાના આરોપસર લેનિનના મોટા ભાઈ અલેક્ઝાંડર ઇલિયાનૉવને 1857માં ફાંસીના માચડે ચડાવવામાં આવેલા અને ત્યારથી લેનિન પોતે ઉદ્દામવાદી ક્રાંતિકારી બન્યા. તે જ વર્ષે (1887) લેનિને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું (1879-87). તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હોવાથી પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ એક વાર તેમણે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. 1887માં તેઓ કઝાન યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની વિદ્યાશાખામાં સ્નાતક પદવી પ્રાપ્ત કરવાના ઇરાદાથી દાખલ થયા, પરંતુ યુનિવર્સિટીના સંચાલકોની રીતિનીતિની સખત ટીકા કરવા બદલ પ્રવેશ મળ્યા પછી માત્ર ત્રણ જ માસ બાદ તેમને યુનિવર્સિટીમાંથી બરતરફ કરવામાં આવ્યા. 1890માં તેઓ ઉચ્ચ અભ્યાસ માટે સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં દાખલ થયા ખરા, પરંતુ તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કારણે તેમના માટે વર્ગો ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અલબત્ત, તેમને પરીક્ષામાં બેસવાની છૂટ આપવામાં આવી હતી. આ રીતે 1891માં તેમણે કાયદાશાસ્ત્રની સ્નાતક-પદવી પ્રાપ્ત કરી અને થોડોક સમય વકીલાત કર્યા બાદ તેમાં ઝાઝો રસ ન પડવાથી તેમણે પોતાનો સઘળો સમય કાર્લ માર્કસ(1818-83)ની વિચારસરણીના અધ્યયન માટે ફાળવવાનો નિર્ધાર કર્યો. તેના જ પરિણામ-સ્વરૂપ સેન્ટ પીટર્સબર્ગના શ્રમજીવીઓની સમસ્યાઓના નિરાકરણની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય બન્યા. તેમની આ પ્રવૃત્તિઓ રશિયાના તે વખતના શાસકોને ગમી ન હતી જેને લીધે 1887માં તેમની સાઇબેરિયામાં હકાલપટ્ટી કરવામાં આવી (1887-1900). આ તેર વર્ષનો સજાનો ગાળો પૂરો થતાં તેમણે સ્વેચ્છાથી દેશવટો સ્વીકાર્યો અને યુરોપના અન્ય દેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હાથ ધરી. તેમાં માર્કસવાદને વરેલા એક વૃત્તપત્ર ‘ઇસ્ક્રા’(spark)ના સંપાદનનું કાર્ય પણ સામેલ હતું. દરમિયાન 1894માં સાઇબેરિયામાં યોજાયેલ ક્રાંતિકારીઓની એક બેઠકમાં તેમની નાદેઝદા કૃપસ્કાયા નામની ક્રાંતિકારી મહિલા સાથે મુલાકાત થઈ, જે 1898માં લગ્નમાં પરિણમી.
ક્રાંતિકારી હોવા ઉપરાંત માર્કસવાદી વિચારસરણીના સૈદ્ધાંતિક વિશ્ર્લેષણ માટે પણ તે અરસામાં લેનિનની ખ્યાતિ સર્વત્ર પ્રસરી હતી. વીસમી સદીની શરૂઆતમાં પ્રકાશિત તેમની એક પુસ્તિકા ‘વૉટ ઇઝ ટુ બી ડન ?’માં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર શિસ્તબદ્ધ વ્યાવસાયિક ક્રાંતિકારીઓ(professional revolutinaries)નો બનેલો રાજકીય પક્ષ જ દેશમાં સમાજવાદી ક્રાંતિ આણી શકશે.
1903માં લંડન ખાતે યોજાયેલ રશિયન સોશિયલ ડેમોક્રૅટિક લેબર પાર્ટીની પરિષદમાં પક્ષમાં ભંગાણ પડ્યું અને તે વિભાજન દ્વારા ઉદ્દામવાદીઓના એક જૂથને ‘બૉલ્શેવિક’ (બહુમતી) નામ પ્રાપ્ત થયું, જેનું નેતૃત્વ લેનિને સ્વીકાર્યું અને લેનિનની વિચારસરણીની સરખામણીમાં જે નેતાઓ મવાળ વિચારસરણીને વરેલા હતા તેમના જૂથને ‘મેન્શેવિક’ (લઘુમતી) નામ આપવામાં આવ્યું, જેનું નેતૃત્વ ટ્રૉટસ્કીએ સંભાળ્યું.
1905માં રશિયામાં રાજકીય વિદ્રોહ ફાટી નીકળતાં લેનિન સ્વદેશ પાછા ફર્યા અને ત્યાં ગુપ્ત રાહે રાજકીય પ્રવૃત્તિઓનું સંચાલન કરવા લાગ્યા. રશિયાની બીજી સંસદ(Second Duma)ની કાર્યવાહીમાં બૉલ્શેવિક પક્ષે સક્રિય ભાગ લેવો જોઈએ એવો મત લેનિને 1907માં વ્યક્ત કર્યો. જેના પર તેમના નેજા હેઠળના રાજકીય પક્ષે એટલે કે બૉલ્શેવિક પક્ષે સ્વીકૃતિની મહોર મારી. તે જ વર્ષે (1907) લેનિન ફરી પરદેશ ગયા, જ્યાં ચાલતા સૈદ્ધાંતિક અને વૈચારિક સંઘર્ષમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી. 1914માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે લેનિન સ્વિટ્ઝર્લૅન્ડમાં હતા. આ મહાયુદ્ધ મૂડીવાદીઓની એક સંગઠિત ચાલ છે, યુદ્ધ દ્વારા મૂડીવાદીઓ વિશ્વભરમાં પોતાનો વિસ્તાર વધારવા માગે છે અને તેથી સમાજવાદને વરેલા વિશ્વના શ્રમજીવી વર્ગે આ યુદ્ધનો વિરોધ કરવો જોઈએ એવો મત લેનિને વ્યક્ત કર્યો. સાથોસાથ સામ્રાજ્યવાદ એ મૂડીવાદનો અંતિમ તબક્કો છે, મૂડીવાદ હવે મરણશૈયા પર પડેલી આર્થિક વ્યવસ્થા છે અને તેથી યુદ્ધની પરિસ્થિતિમાં શ્રમજીવી વર્ગ સમાજવાદી ક્રાંતિ આણવા માટે ઊજળી તક ધરાવે છે એવો અભિપ્રાય પણ લેનિને રજૂ કર્યો.
ફેબ્રુઆરી 1917માં રશિયામાં ફરી સશસ્ત્ર વિદ્રોહ ફાટી નીકળ્યો. આ વિદ્રોહ સફળ ન થાય તેવી તે સમયના જર્મન શાસકોની ઇચ્છા હતી અને તેથી આ ક્રાંતિમાં વિક્ષેપ પાડવાના ઇરાદાથી જર્મન સરકારે લેનિનને ગુપ્ત રાહે રશિયા મોકલવાનું કાવતરું ઘડી કાઢ્યું. તેમણે લેનિનને રેલવેના એક બંધ ડબ્બામાં સ્વિટ્ઝરલૅન્ડથી જર્મની, જર્મનીથી સ્વીડન અને સ્વીડનથી રશિયા જવાની તજવીજ કરી આપી. તે અરસામાં રશિયામાં જે સરકાર સત્તા પર હતી તે રૂઢિચુસ્ત (બુર્ઝવા) વર્ગનું પ્રતિનિધિત્વ કરતી હતી, નહિ કે કામદારો કે ખેડૂતોનું. અને તેથી તેને ઉથલાવવા માટે શ્રમજીવી વર્ગે સશસ્ત્ર વિદ્રોહનો રાહ લેવો જોઈએ એવો મત લેનિને વ્યક્ત કર્યો. લેનિનની એવી દૃઢ માન્યતા હતી કે ક્રાંતિકારી ઉઠાવ કરવા માટે રશિયાની તત્કાલીન આંતરિક પરિસ્થિતિ સંપૂર્ણપણે પરિપક્વ છે. આવી વિચારસરણીને વરેલા લેનિને જુલાઈ 1917માં ગુપ્ત રાહે રશિયામાં પ્રવેશ કર્યો અને તેમણે પેટ્રોગ્રાડમાં સશસ્ત્ર વિદ્રોહની આગ ચાંપી; પરંતુ લેનિનનો ક્રાંતિ માટેનો ઉપર્યુક્ત પ્રયાસ નિષ્ફળ નીવડ્યો, જેને પરિણામે તેમને ફિનલૅન્ડ નાસી જવું પડ્યું. ઑક્ટોબર 1917માં ફરીવાર, લેનિનના નેતૃત્વ હેઠળ રશિયામાં સશસ્ત્ર ક્રાંતિ થઈ, જે સફળ થતાં દેશ પર સત્તા ધરાવતી કૅરેન્સ્કીની સરકારનું પતન થયું અને તેના સ્થાને પીપલ્સ કમીસાર્સના નેતૃત્વ હેઠળ નવી સરકારની રચના થઈ. આ ક્રાંતિ દ્વારા વિશ્વમાં સૌપ્રથમ વાર શ્રમજીવી વર્ગનું પ્રતિનિધિત્વ કરતી સરકાર અસ્તિત્વમાં આવી. ઑક્ટોબર 1917ની આ ક્રાંતિ વિશ્વના ઇતિહાસમાં ‘બૉલ્શેવિક ક્રાંતિ’ના નામથી ઓળખાય છે.
ઑક્ટોબર ક્રાંતિની સફળતાના પગલે પગલે રશિયામાં જે નવી સરકાર રચાઈ તેનું નેતૃત્વ લેનિનને સોંપવામાં આવ્યું. લેનિન કાઉન્સિલ ઑવ્ મિનિસ્ટર્સના ચૅરમૅન બન્યા. આ પદ ગ્રહણ કરવાની સાથે જ લેનિન સોવિયત સંઘના સર્વસત્તાધીશ પણ બન્યા. નવી સરકારમાં લેનિન પછીના ઊતરતા ક્રમે ટ્રૉટસ્કી, સ્ટૅલિન અને રિકૉવને સ્થાન આપવામાં આવ્યું હતું.
રશિયાની એટલે કે સોવિયેત સંઘની નવી સરકારે તાત્કાલિક જે પગલાં લીધાં તેમાં જર્મની સાથે સુલેહશાંતિનો કરાર, ખેડાણ હેઠળની જમીન પરની ખાનગી માલિકીની નાબૂદી તથા ખેડૂત વર્ગમાં જમીનમાલિકીનું વિતરણ, બૅંકોનું રાષ્ટ્રીકરણ જેવાં ઉદ્દામવાદી પગલાં સામેલ હતાં. આ અરસામાં લેનિને રશિયાના વિકાસ માટે એક અગત્યનું સૂત્ર ઉચ્ચાર્યું હતું : ‘જે શ્રમ કરશે નહિ તેને ખાવા પણ મળશે નહિ.’ (‘The one who shall not work, neither shall he eat.’) આ પગલાંઓ દ્વારા સોવિયત સંઘમાં શ્રમજીવી વર્ગની સરમુખત્યારશાહી(dictatorship of the proletariat)નાં મંડાણ થશે એવી શ્રદ્ધા દેશના સામ્યવાદી (બૉલ્શેવિક) પક્ષના નેતાઓ ધરાવતા હતા. દેશના અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે એક સર્વોચ્ચ સમિતિ(supreme council)ની રચના કરવામાં આવી અને તેના આદેશ મુજબ દેશના ઔદ્યોગિક એકમો પર શ્રમિકોનું નિયંત્રણ દાખલ કરવામાં આવ્યું, કૃષિના સામૂહિકીકરણ માટેનાં પ્રાથમિક પગલાંઓ ભરવામાં આવ્યાં તથા અંધશ્રદ્ધા પર આધારિત આસ્તિકવાદને સ્થાને રાજ્યપ્રેરિત નાસ્તિકવાદને પ્રોત્સાહન આપવાની નીતિ અખત્યાર કરવામાં આવી. પરંતુ આવા અંતિમવાદી, ઉદ્દામવાદી પગલાની સફળતા માટે દેશમાં જે પ્રકારનું વાતાવરણ હોવું જોઈતું હતું તેવું વાતાવરણ ઉપસ્થિત હતું નહિ, જેને લીધે દેશમાં સર્વત્ર અવ્યવસ્થા અને અશાંતિ ફેલાઈ, દેશના જુદા જુદા વિસ્તારોમાં આંતરિક સંઘર્ષ પણ ફાટી નીકળ્યો. અધૂરામાં પૂરું, સોવિયેત સંઘ અને પોલૅન્ડ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. 1918માં લેનિનની હત્યા કરવાનો પ્રયાસ પણ થયો. 1917-21નો આ સમયગાળો સોવિયેત સંઘના ઇતિહાસમાં ‘યુદ્ધ સામ્યવાદ’(War Communism)ના નામથી ઓળખાય છે.
ઉપર્યુક્ત અવ્યવસ્થા અને અશાંતિને ખાળવા માટે લેનિને 1921માં ‘નવી આર્થિક નીતિ’ (New Economic Policy) દાખલ કરી, જેના દ્વારા અગાઉ લેવામાં આવેલાં ઉદ્દામવાદી પગલાંઓમાં છૂટછાટો આપવામાં આવી, ઔદ્યોગિક ક્ષેત્રમાં ખાનગી પહેલને ફરી સ્થાન આપવામાં આવ્યું, સમાન વેતનના સ્થાને કામદારોને તેમના કામ અને ઉત્પાદકતાના ધોરણે વેતન ચૂકવવાની પદ્ધતિ દાખલ કરવામાં આવી, ખેડૂતોને સામૂહિક ખેતીના સ્થાને વ્યક્તિગત ખેડાણનો વિકલ્પ આપવામાં આવ્યો, જમીન પર વ્યક્તિગત માલિકીનો સિદ્ધાંત ફરી સ્વીકારવામાં આવ્યો, અધિશેષ ઊપજ(surplus produce)નું મુક્ત બજારમાં વેચાણ કરવાનો હક ખેડૂતોને આપવામાં આવ્યો તથા કૃષિ-ઊપજ પર અનાજના જથ્થાની ફરજિયાત ઉઘરાણી(grain quota)ને સ્થાને અનાજ-કર (grain tax) દાખલ કરવામાં આવ્યો. ‘ગ્લાવકી’ (glavki) નામથી ઓળખાતી કેન્દ્રીય પુરવઠા-વ્યવસ્થાને સ્થાને વિકેન્દ્રિત પુરવઠા-વ્યવસ્થા દાખલ કરવામાં આવી તથા ‘ગ્લાવકી’ની નાબૂદી સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્વાયત્ત ટ્રસ્ટોની રચનાને સ્વીકૃતિ આપવામાં આવી.
નવી આર્થિક નીતિ હેઠળ લેવામાં આવેલાં ઉપર્યુક્ત પગલાંઓને કારણે દેશમાં એકંદરે પરિસ્થિતિ થાળે પડવા લાગી એટલું જ નહિ, પરંતુ પક્ષમાં લેનિન સામે અગાઉ જે વિરોધ ફેલાયો હતો તે 1922 સુધી આવતાં લગભગ લુપ્ત થવા લાગ્યો.
દરમિયાન વિશ્વસ્તર પર સમાજવાદી ક્રાંતિને પ્રોત્સાહન આપવાના હેતુથી 1919માં લેનિને ‘કોમિન્ટર્ન’ નામથી ઓળખાતા સંગઠનની સ્થાપના કરી હતી.
1901-23ના ગાળામાં લેનિને ઑક્ટોબર-ક્રાંતિ પહેલાં (1901-17) અને ઑક્ટોબર ક્રાંતિ બાદ સરકારમાં રહીને (1917-23) જે અથાગ પરિશ્રમ કર્યો તેને પરિણામે તેમની તબિયત ક્રમશ: લથડતી ગઈ. 1923માં તેમના પર હૃદયરોગનો જબરદસ્ત હુમલો થયો જેને કારણે તેમણે વાચા ગુમાવવી પડી. અંતે ચોપન વર્ષની વયે તેમનું અવસાન થયું.
વિશ્વના ઇતિહાસમાં લેનિનનું નામ એક મહાન ક્રાંતિકારી અને શ્રમજીવીઓના રાહબર તરીકે તો નોંધવામાં આવ્યું છે જ, પરંતુ તે ઉપરાંત તે એક ચતુર રાજકારણી, વિચક્ષણ વ્યૂહરચનાકાર અને માર્કસવાદના જડ સૈદ્ધાંતિક માળખાને પરિસ્થિતિના સંદર્ભમાં નવો ઓપ આપનાર વ્યવહારકુશળ લોકનેતા તરીકે પણ નોંધવામાં આવ્યું છે.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘ધ ડેવલપમેન્ટ ઑવ્ કૅપિટાલિઝમ’ (1899), ‘વૉટ ઇઝ ટુ બી ડન ?’ (1902) તથા ‘ધ સ્ટેટ ઍન્ડ રેવલૂશન’(1917)નો સમાવેશ થાય છે. તેમના આ ત્રણ ગ્રંથોમાં ત્રીજો ગ્રંથ વિશેષ નોંધપાત્ર બન્યો છે. લેનિનની ચિંતનવિચારણા ‘ધ કલેક્ટેડ વકર્સ ઑવ્ લેનિન’માં ગ્રંથસ્થ કરવામાં આવી છે.
હસમુખ પંડ્યા
બાળકૃષ્ણ માધવરાવ મૂળે