ઈથિલીન : રંગવિહીન, ઈથર જેવી આછી વાસવાળો, જ્વલનશીલ, અસંતૃપ્ત હાઇડ્રૉકાર્બન પદાર્થ. સૂત્ર CH2 = CH2. શાસ્ત્રીય નામ ઈથીન. ગ.બિં. -169o સે., ઉ.બિ., -105o સે. ઇથાઇલ આલ્કોહૉલના નિર્જલીકરણ(સલ્ફ્યુરિક/ફૉસ્ફોરિક ઍસિડ અથવા ઍલ્યુમિના-ઉદ્દીપક)થી અને બહોળા પ્રમાણમાં પેટ્રોલિયમ વિભાગોના વિભંજન(cracking)થી મેળવાય છે. ઉત્પાદનની વિપુલતામાં સલ્ફ્યુરિક ઍસિડ અને એમોનિયા પછી ત્રીજું સ્થાન.
પાકાં ટમેટાં અને સફરજનમાંથી અલ્પ પ્રમાણમાં તે બહાર આવે છે. ફળોને પકવવામાં ઉપયોગી. ઈથિલીનમાંથી ઈથિલીન ગ્લાયકોલ (20 %), ઈથિલીન ઑક્સાઇડ (15 %), ઇથેનોલ સ્ટાયરીન (14 %), વાઇનાઇલ એસેટેટ, વાઇનાઇલ ઈથર, વાઇનાઇલ ક્લોરાઇડ (10 %) અને પૉલિઈથિલીન પ્લાસ્ટિક (40 %) બનાવવામાં આવે છે. (કૌંસમાંના આંકડા ઈથિલીનના વપરાશના ટકા દર્શાવે છે.) ઝીગ્લર ઉદ્દીપકની શોધ પછી નીચા દબાણે ઈથિલીનનું બહુલીકરણ (polymerisation) શક્ય બનતાં ઈથિલીનના ઉત્પાદનમાં ઘણો વધારો થયો હતો.
પ્રવીણસાગર સત્યપંથી