ઈથિયોપિયા

દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. આશરે 2oથી 18o ઉ. અક્ષાંશવૃત્ત અને 33oથી 48o પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલા આ દેશનું કુલ ક્ષેત્રફળ લગભગ 12,21,905 ચોકિમી. જેટલું છે. તેને પશ્ચિમમાં સુદાન, પૂર્વમાં સોમાલી અને દક્ષિણમાં કેન્યાની સીમાઓ સ્પર્શે છે, જ્યારે તેની ઉત્તરની સીમા પર જીબુટી નામનો નાનકડો દેશ તથા રાતો સમુદ્ર આવેલા છે. વિવિધ જાતિજૂથો, ધર્મો, ભાષાઓ તથા પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ ધરાવતો આ દેશ સદીઓથી રાજાશાહી શાસન ભોગવતો હતો.

આજના યુગમાં જોવા મળે છે તેવી વિકસિત પરિવહન-સેવાઓનો ભૂતકાળમાં તદ્દન અભાવ હતો. એ સમયમાં માત્ર કાચા માર્ગો દ્વારા જ પગપાળા અથવા તો ઊંટ, ઘોડા કે ખચ્ચર પર સવારી કરીને આ દેશનો સંપર્ક સાધી શકાતો હતો. તેની ઉત્તરનાં અને સુદાનની સરહદ પરનાં ગરમ અને શુષ્ક મેદાનોને પાર કરવાનું કાર્ય એટલું બધું સહેલું નહોતું. વળી પહાડી પ્રદેશના ઊંચા અને સીધા ઢોળાવો પર માનવી અને પશુઓ માટે ચડવાનું કાર્ય પણ ઘણું જ કપરું હતું. આ કારણને લીધે ઈથિયોપિયા ખાસ કોઈ વિદેશી આક્રમણખોરોનો ભોગ બન્યું નથી; તેમ છતાં માત્ર છેલ્લી સદીના અંતભાગમાં તેના કિનારાના વિસ્તારો પર બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલીએ કબજો જમાવ્યો હતો. 1896માં આ દેશ પર ઇટાલીએ આક્રમણ કર્યું, પણ તેમાં તે સફળ થયું નહિ. ત્યારપછી 1936માં વિમાનો અને બીજાં આધુનિક શસ્ત્રાસ્ત્રો વડે ઇટાલીએ ફરીથી તેના પર આક્રમણ કર્યું અને કબજો મેળવ્યો; પણ ટૂંક સમયમાં જ એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ લશ્કરની સહાયથી ઇટાલિયનોને અહીંથી હાંકી કાઢવામાં આવ્યા. આમ, 1941માં ઈથિયોપિયાએ તેના સમ્રાટની રાહબરી હેઠળ સ્વાતંત્ર્ય મેળવ્યું. રાતા સમુદ્રના કિનારા પરનો અગાઉ ઈથિયોપિયાના ભાગરૂપ ઈરિટ્રિયા (Eritrea) પ્રાન્ત જે ઇટાલીના કબજા હેઠળ હતો તે પણ 1952માં સ્વતંત્ર થયો અને 1962માં ઈથિયોપિયામાં ભળી ગયો. ઈથિયોપિયામાં લશ્કરી શાસન હતું તે પછી દેશ રાજકીય વ્યવસ્થામાં આગળ વધ્યો છે.

ઈથિયોપિયા

પ્રાકૃતિક રચના : ‘એબિસીનિયાના ઉચ્ચપ્રદેશ’ તરીકે ઓળખાતો ઈથિયોપિયાનો મોટા ભાગનો વિસ્તાર સમુદ્રસપાટીથી સરેરાશ 3,000 મીટરની ઊંચાઈ ધરાવે છે. અત્યંત અસમતળ ભૂપૃષ્ઠ ધરાવતા આ પહાડી ક્ષેત્રની ભૂસ્તરીય રચના ભૂતકાળમાં થયેલ જ્વાળામુખી પ્રસ્ફોટન અને સ્તરભંગ જેવી ભૂગર્ભિક ક્રિયાઓને આભારી છે. તેનાથી જ્વાળામુખી શિખરો, ફાટખીણો, ગોળાકાર પહાડો, ડુંગરધારો (ridges), સરોવરો, ઊંડાં કોતરો વગેરે ભૂમિસ્વરૂપોની રચના થઈ છે. ભૂમિસ્વરૂપોના ઘડતરમાં ધોવાણનાં પરિબળોનો પણ ફાળો રહેલો છે; જેમ કે, બ્લૂ નાઇલ નદી સામાન્ય સપાટીથી 1,500 મીટર ઊંડાં કોતરોમાં થઈને વહે છે. આ પહાડી પ્રદેશમાં લગભગ 4,000 મીટરની ઊંચાઈનાં અનેક જ્વાળામુખી શિખરો આવેલાં છે. તે પૈકીનું સર્વોચ્ચ શિખર ‘રાસ દશન’ (Ras Dashan) 4,620 મીટરની ઊંચાઈ ધરાવે છે.

‘પૂર્વ આફ્રિકાની મહાન ફાટખીણ’નો ઉત્તરનો છેડો આ ઊંચા પહાડી ક્ષેત્રના લગભગ મધ્ય ભાગમાં થઈને દક્ષિણ પશ્ચિમથી ઉત્તર-પૂર્વ દિશામાં લંબાયેલો છે. સ્તરભંગક્રિયાને લીધે ફાટખીણનો આ લાંબો વિસ્તાર એકદમ તીવ્ર ઢોળાવોમાં કપાઈને નીચો બની ગયો છે, જેથી પહાડી ક્ષેત્ર પૂર્વ અને પશ્ચિમ – એવા બે વિશાળ વિભાગોમાં વહેંચાઈ ગયું છે. આ ફાટખીણનો તળવિસ્તાર સમુદ્રસપાટીથી સામાન્ય રીતે 1,500 મીટરની ઊંડાઈએ આવેલો છે. તળવિસ્તારમાં અનેક સરોવરો અને ગરમ પાણીના ઝરા જોવા મળે છે. અહીં બહારની સપાટી પર ભૂરસ ઠરી જતાં બનેલા બૅસાલ્ટ (basalt) ખડકોનું પ્રમાણ વધારે છે. ઉત્તર-પૂર્વ તરફ આગળ જતાં આ ફાટખીણ, અવાશ નદીનાં મેદાનો અને દાનાકીલનાં મેદાનોમાં પ્રવેશે છે, જે વધુ આગળ પશ્ચિમ તરફ જતાં ‘રાતા સમુદ્રની ફાટખીણ’ને અને પૂર્વ તરફ જતાં ‘એડનના અખાતની ફાટખીણ’ને સાંકળે છે.

ઉત્તરનાં અસમતળ અને ત્રિકોણાકાર નીચાં મેદાનો પણ ફાટખીણનો જ એક ભાગ છે, જેથી અહીં ઘણી જગ્યાએ ઊંડા અને પહોળા ગર્ત-વિસ્તારો (depressions) જોવા મળે છે. હકીકતે તે મૃત જ્વાળામુખી છે. તેમાં કાદવકીચડ કે સરોવરોની રચનાઓ થઈ છે. દાનાકીલ ગર્ત સમુદ્રસપાટીથી 102 મીટર ઊંડું છે.

જળપરિવાહ : પહાડી પ્રદેશમાં સારો વરસાદ પડે છે, જેથી ત્યાંથી અનેક નદીનાળાં ઉદભવ્યાં છે. પશ્ચિમના પહાડી પ્રદેશમાંથી બ્લૂ નાઇલ, સોબત, અત્બારા વગેરે અગત્યની નદીઓ નીકળે છે. તાના સરોવરમાંથી ઉદભવતી બ્લૂ નાઇલ નદી ઊંડાં કોતરોમાં ચક્રાકારે વહીને છેવટે શ્વેત નાઇલ નદીને મળે છે. અત્બારા નદી પણ નાઇલને મળે છે. પૂર્વના પહાડી પ્રદેશમાંથી જુબા અને વેબી શેબેલી નદીઓ નીકળે છે, જે દક્ષિણ તરફ વહીને હિન્દી મહાસાગરને મળે છે. ફાટખીણના ઉત્તર-પૂર્વ છેડેથી ઉદભવતી અવાશ નદી, ઉત્તરનાં મેદાનોમાં વહીને કિનારાનાં સરોવરોને મળે છે. પહાડી પ્રદેશમાં તેના સરોવર ઉપરાંત રુડૉલ્ફ (તુર્કાના) સરોવરનો ઉત્તરનો ખૂબ થોડો ભાગ આ દેશમાં આવેલો છે, જ્યારે તેનો બાકીનો મોટો ભાગ કેન્યામાં આવેલો છે.

આબોહવા : આ દેશનો અક્ષાંશીય વ્યાપ (2o ઉ.થી. 17o ઉ. અક્ષાંશ) વધારે છે; એટલું જ નહિ, પણ પહાડી ભૂપૃષ્ઠને લીધે ઊંચાઈના તફાવતો સર્જાય છે. આ બે મુખ્ય કારણો ઈથિયોપિયાની આબોહવાના વૈવિધ્ય માટે જવાબદાર છે. દક્ષિણ-પશ્ચિમ એશિયા અને સહરાના રણપ્રદેશોમાં શિયાળામાં ભારે અને ઉનાળામાં હલકા દબાણનાં કેન્દ્રો ઉત્પન્ન થતાં ઋતુ પ્રમાણે પવનોની દિશા પલટાય છે, જે ઈથિયોપિયાની આબોહવા પર અસર કરે છે.

સહરાના રણના ભાગો તથા એશિયા ભૂમિખંડમાં શિયાળાની ઋતુ(ઑક્ટોબરથી ફેબ્રુઆરી/માર્ચ)માં ઠંડીને લીધે ઉત્પન્ન થયેલાં ભારે દબાણનાં કેન્દ્રોમાંથી ઈથિયોપિયાના દક્ષિણ ભાગમાં આવેલાં વિષુવવૃત્ત પરનાં હલકા દબાણનાં કેન્દ્રો તરફ પવનો ફૂંકાય છે. આ પવનો ભૂમિપ્રદેશ પરથી આવતા હોવાથી લગભગ ભેજ વિનાના હોય છે, એટલે ખાસ વરસાદ લાવતા નથી. માત્ર રાતા સમુદ્રના કિનારાની સાંકડી પટ્ટી પર થોડોક (75 મિમી. સુધીનો) વરસાદ થાય છે.

સહરાના રણના ભાગો તથા એશિયા ભૂમિખંડમાં ઉનાળા(જૂનથી ઑક્ટોબર)માં પડતી પુષ્કળ ગરમીને લીધે હલકા દબાણનાં કેન્દ્રો ઉદભવે છે. અંશત: આટલાન્ટિક અને અંશત: હિન્દી મહાસાગર પરના ભારે દબાણના વિસ્તારો પરના ભેજવાળા પવનો આ હલકા દબાણનાં કેન્દ્રો તરફ ફૂંકાય છે, જેને લીધે ઈથિયોપિયાના દક્ષિણના ઊંચા પહાડી ભાગો સારો વરસાદ મેળવે છે; પણ ઉત્તર તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટે છે. આમ તેનો દક્ષિણ ભાગ વાર્ષિક સરેરાશ 1,778 મિમી. અને અદિસ અબાબા 1,270 મિમી. વરસાદ મેળવે છે. વધુ ઉત્તર તરફ આવેલાં મેદાનો ‘વર્ષાછાયાના પ્રદેશ’ની અસર હેઠળ આવતાં હોઈ તે ફક્ત 20 મિમી. જેટલો વરસાદ મેળવે છે. આમ ઉત્તરના મેદાનપ્રદેશો શિયાળામાં લગભગ 40થી 45 મિમી. અને ઉનાળામાં લગભગ 20 મિમી. – એમ બંને ઋતુમાં વરસાદ મેળવે છે. આ ભાગો રણપ્રકારની ગરમ શુષ્ક આબોહવા ધરાવે છે.

ઈથિયોપિયાનું એક ગામ

ઈથિયોપિયામાં તાપમાનનું પ્રમાણ ભૂપૃષ્ઠની અસરો પર આધાર રાખે છે. રાતા સમુદ્રના કિનારાનાં મેદાનોની આબોહવા અત્યંત ગરમ અને શુષ્ક હોય છે. આવી રણપ્રકારની આબોહવા માનવ-વસવાટ માટે પ્રતિકૂળ છે. આ ભાગ દુનિયાનું એક અતિશય ગરમ સ્થળ ગણાય છે. અહીંનું ઉનાળાનું વધુમાં વધુ તાપમાન 55o સે. નોંધાયું છે. કિનારાના ભાગોમાં વર્ષના ચાર માસ (જૂન-સપ્ટે.) દરમિયાન સરેરાશ તાપમાન 32o સે.થી ઊંચે જાય છે. પહાડી પ્રદેશ પર ઊંચાઈને લીધે તાપમાનમાં ઘટાડો નોંધાય છે; તેમ છતાં શિયાળામાં અહીં બરફ પડતો નથી. અદિસ અબાબાનો વર્ષનો ઠંડામાં ઠંડો માસ જુલાઈ છે. ઘટાટોપ વાદળો અને વરસાદને લીધે આ માસનું તાપમાન નીચું રહે છે. આ માસના તાપમાનનો સરેરાશ આંક 14o સે. રહે છે જ્યારે માર્ચ માસ એ વર્ષનો ગરમ માસ છે. આ માસનું સરેરાશ તાપમાન 18o સે. હોય છે. વળી તાપમાનનો વાર્ષિક ગાળો ઓછો હોય છે, જે પહાડી પ્રદેશના તાપમાનની લાક્ષણિકતા સૂચવે છે.

આબોહવાકીય વિભાગો : ઊંચાઈને આધારે ઈથિયોપિયાને સામાન્ય રીતે ત્રણ આબોહવાકીય વિભાગોમાં વહેંચવામાં આવે છે.

(1) કોલા (Kolla) : આ વિભાગની ઊંચાઈ સમુદ્રસપાટીથી આશરે 1,800 મી. સુધીની છે. આ વિભાગમાં દાનાકીલનાં મેદાનો, અવાશ નદીની ખીણ તથા પૂર્વ અને દક્ષિણના પહાડી પ્રદેશના નીચા ઢોળાવોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે 26o સે. વાર્ષિક તાપમાન અને 500 મિમી. સુધીનો વાર્ષિક વરસાદ ધરાવતા આ વિભાગની ઉત્તર અને પશ્ચિમ બાજુએ કાંટાળાં ઝાંખરાં તથા સવાના પ્રકારની વનસ્પતિ જોવા મળે છે, જ્યારે પૂર્વ અને દક્ષિણના પહાડી ઢોળાવો પર ઉષ્ણકટિબંધીય જંગલો છવાયેલાં છે. અહીં વસ્તી ઓછી છે અને સ્થળાંતર કરતા માલધારીઓ ઘેટાં તથા ઊંટ પાળે છે. કપાસ, શેરડી, કૉફી, દ્રાક્ષ તથા ધાન્ય પાકોની ખેતી થાય છે.

(2) વોઈના ડેગા : ઉચ્ચપ્રદેશના મોટાભાગને આવરતો આ વિભાગ આશરે 1,800થી 2,500 મીટર વચ્ચેની ઊંચાઈએ આવેલો છે. આ વિભાગની ઉપોષ્ણીય (subtropical) આબોહવા ખુશનુમા અને આરોગ્યપ્રદ વાતાવરણ ધરાવે છે. અહીં સરેરાશ 22o સે. તાપમાન રહે છે અને 500થી 1,500 મિમી. જેટલો વરસાદ પડે છે. અહીં વૃક્ષોનું પ્રમાણ સારું છે. ઠેર ઠેર નીલગિરિનાં વૃક્ષો ઉગાડવામાં આવેલાં છે. પૂરતા વરસાદને લીધે કૉફી, કપાસ, ધાન્યો, તેલીબિયાં વગેરેના પાકો ઉપરાંત ભૂમધ્ય સમુદ્ર પ્રકારની આબોહવામાં થતાં ફળો (દ્રાક્ષ, અંજીર, એપ્રિકૉટ વગેરે) તથા ઑલિવની ખેતી પણ થાય છે. દેશનો આ અગત્યનો વિસ્તાર હોવાથી સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે. ગોચરવિસ્તારોમાં ઢોર તથા ઘેટાંબકરાંનો ઉછેર કરવામાં આવે છે.

(3) ડેગા : આ વિભાગ 2,500 મીટરથી વધુ ઊંચાઈએ આવેલો છે. આ વિભાગનું સરેરાશ તાપમાન 16o સે. અને વરસાદનું પ્રમાણ 1,250થી 1,750 મિમી.ની વચ્ચે છે. અહીંની આબોહવા ભેજવાળી છે. વૃક્ષોનું પ્રમાણ ઓછું છે. મુખ્યત્વે ઘાસ અને તેની સાથે સાથે ઊગતા છોડવા, એ પશુઓ માટેનો ઉપયોગી ચારો છે. કઠોળ તથા સમશીતોષ્ણ પ્રદેશમાં થતાં ફળફળાદિ ઉપરાંત કેટલેક સ્થળે ઘઉં અને જવની ખેતી થાય છે. 4,300 મીટરથી વધુ ઊંચા ભાગોમાં મુખ્યત્વે ઘાસ છવાયેલું છે.

ખેતી : ઈથિયોપિયામાં વ્યક્તિગત જમીન-માલિકી ધરાવતા લોકો અલ્પ પ્રમાણમાં છે. મોટા ભાગની જમીનો રાજા અને તેના કુટુંબ, ચર્ચ અથવા દૂર વસતા સામંતોને હસ્તક છે. અહીં ગણોતિયા ખેડૂતોનું પ્રમાણ વધારે છે. જોકે પછીથી હમણાં હમણાં આ પ્રકારની જમીનપ્રથાનાં ઘણાં દૂષણોને દૂર કરવામાં આવ્યાં છે.

દેશની 9/10 ભાગની વસ્તી ખેતી અને તેને આનુષંગિક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે. દેશનું અર્થતંત્ર રોકડિયા પાકોની નિકાસ પર આધારિત છે; તેમ છતાં દેશના માત્ર 9 % ભૂમિવિસ્તારમાં જ ખેતી કરવામાં આવે છે, જ્યારે 30 % ભાગની જમીન ગોચરો હેઠળ છે. ઈથિયોપિયાના પહાડી પ્રદેશમાં ખાસ કરીને પ્રાથમિક અને સ્વાવલંબી ખેતી થાય છે. આ ઉપરાંત મિશ્રખેતીપદ્ધતિ પણ અપનાવાય છે. પૂર્વ અને ઉત્તરનાં અર્ધશુષ્ક અને શુષ્ક મેદાનોમાં થતી ખેતી સિંચાઈ પર આધારિત છે. આ દેશમાં ખેતી હજુ પણ જૂની પદ્ધતિથી થાય છે. એમાં વપરાતાં ઓજારો જૂનાં અને અણઘડ હોય છે. તેમાં પૈડાંવાળાં વાહનોનો લગભગ અભાવ હોય છે તેમજ મુખ્યત્વે ભારવાહક પ્રાણીઓ અને બળદોનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આધુનિકીકરણને વેગ મળે તેવા શિક્ષણનો પ્રસાર થતાં ખેતી પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાયો છે અને ખેતીપદ્ધતિમાં ધીમે ધીમે પરિવર્તન આવતું જાય છે.

અહીં ઉત્પન્ન થતું મુખ્ય ધાન્ય ટેફ (teff) (એક પ્રકારનું ઝીણું અનાજ) છે. તે અહીંના લોકોનો મુખ્ય ખોરાક છે. આ સિવાય જુવાર અને અન્ય હલકાં ધાન્યો પણ ઉગાડવામાં આવે છે. વળી ઘઉં, જવ અને મકાઈ ઉપરાંત શેરડી તેમજ સાનુકૂળ આબોહવા ધરાવતી કાળી જમીનોમાં કપાસની ખેતી થાય છે. રોકડિયા પાકોમાં કૉફીનું સ્થાન મોખરે છે. કૉફીના છોડનું મૂળ વતન છે કાફા. તે પ્રાંતમાં કૉફીના જંગલી છોડ ઊગે છે અને મોટા ભાગની કૉફી આવાં ‘કૉફીનાં જંગલો’માંથી મેળવાય છે. આમ છતાં, દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં તેની બાગાયતો પણ આવેલી છે. આ દેશની કુલ નિકાસમાં કૉફીનો ફાળો 55થી 65 ટકા જેટલો છે. અહીં ઉત્પન્ન થતાં વિવિધ પ્રકારનાં તેલીબિયાં (તલ, અળશી, સૂર્યમુખી, કપાસિયા વગેરે) એ અહીંની બીજી અગત્યની નિકાસ છે. વળી આશરે 1,800થી 2,500 મીટરની ઊંચાઈએ મુખ્યત્વે દ્રાક્ષ અને અન્ય ખાટા રસવાળાં ફળો ઉગાડવામાં આવે છે. રાતા સમુદ્રના કિનારા પરનાં વિશિષ્ટ ફાર્મોમાં સિંચાઈની મદદથી શાકભાજી અને ફળોની ખેતી કરવામાં આવે છે. અહીં દ્રાક્ષના બગીચાનું પ્રમાણ વધારે છે.

સામાન્ય રીતે ખેતી સાથે પશુપાલનપ્રવૃત્તિ સંકળાયેલી છે, તેમ છતાં એકલી આ પ્રવૃત્તિ કરતા પશુપાલકો પોતાનાં ઢોરઢાંખર લઈને મેદાની વિસ્તારોમાં અથવા પહાડોની તળેટીના ઢોળાવો પર નિવાસ કરે છે. સારી સંખ્યામાં ઢોર, ઘેટાંબકરાં અને ઊંટના ઉછેર ઉપરાંત ઘોડા, ગધેડાં, ખચ્ચર વગેરેનું પણ પાલન કરવામાં આવે છે. પણ દર વર્ષે રોગચાળાથી લાખો ઢોર મરણ પામે છે. અહીંનાં ઢોરોની ઓલાદો ઓછું દૂધ આપે છે; એટલું જ નહિ, પણ તેમનું માંસ એટલું બધું સારું ગણાતું નથી; તેથી યુરોપના તેમજ કેટલાક મધ્યપૂર્વના દેશો ઈથિયોપિયાનું માંસ ખરીદ કરતા નથી. ઢોરોનાં ચામડાં, એ ત્રીજો ક્રમ ધરાવતી દેશની મોટી નિકાસ છે. યુ.એસ., જર્મની અને ઇટાલી તેની મોટા પાયા પર આયાત કરે છે.

આ દેશ ખાસ કોઈ ખનિજ-સંપત્તિ ધરાવતો ન હોવા છતાં થોડાક પ્રમાણમાં સોનું, પ્લૅટિનમ, પોટાશ અને મીઠું ઉત્પન્ન કરે છે. ઉત્તરનાં શુષ્ક મેદાનોમાં આવેલા ગર્તવિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં પોટાશની અનામતો આવેલી છે. અસ્મારા વિસ્તારમાં તાંબું, જસત અને અન્ય ખનિજોનું સારું પ્રમાણ હોવાનું જણાયું છે.

અસમાન ભૂપૃષ્ઠ ધરાવતા આ દેશમાં સારો વરસાદ પડે છે. કાયમી પાણીપુરવઠો ધરાવતાં અનેક નદીનાળાં અને સરોવરો સંભાવ્ય જળવિદ્યુતશક્તિના સ્રોતો છે, પણ તેમાં ખૂબ થોડો વિકાસ સધાયો છે. દેસ્સ્યે અને અવાશ શહેરની નજીકમાં જળવિદ્યુતમથકો સ્થાપવામાં આવ્યાં છે, જેમાંથી કેટલોક વિદ્યુત-પુરવઠો બહરદર નામના નવા શહેરની કાપડ-મિલોમાં આપવામાં આવે છે. અદિસ અબાબાથી લગભગ 150 કિમી. દૂર પશ્ચિમમાં ફિન્ચા નદી પર નવું વિદ્યુતમથક સ્થાપવામાં આવ્યું છે. અદિસ અબાબા નગર કોકા બંધમાંથી જળવિદ્યુત મેળવે છે.

બ્લૂ નાઇલ પરનો ધોધ

દેશમાં આધુનિક યંત્ર-ઉદ્યોગો દ્વારા થતું મોટા પાયા પરનું ઉત્પાદન કે ઉત્પાદિત માલની નિકાસનો અભાવ છે; આમ છતાં લગભગ બધે જ ગૃહ-ઉદ્યોગોનો સારો વિકાસ થયો છે. તેમાં હાથસાળ કાપડવણાટ, વસ્ત્રઉત્પાદન તથા ગૃહ-ઉપયોગી વાસણો બનાવવાના ઉદ્યોગો અગત્યના છે. હાલમાં કારખાનાં ધરાવતા મધ્યમ કદના ઉદ્યોગો મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે. પહાડી પ્રદેશમાં જળવિદ્યુતશક્તિ દ્વારા ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત થઈ ચૂકી છે. કાગળ અને કાગળનો માવો બનાવતું કારખાનું તેમજ વૉન્જી અને શોઆ ખાતેની ખાંડની મિલો તેનાં ર્દષ્ટાન્તો છે. અદિસ અબાબા અને અસ્મારામાં ખાદ્યચીજોનું પ્રક્રમણ કરનારા તેમજ જીવનજરૂરી સામાન્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરનારા નાના ઔદ્યોગિક એકમો છે. તેનું સંચાલન મુખ્યત્વે ગ્રીક અને આર્મેનિયન લોકો કરે છે. અદિસ અબાબામાં કૉફી પ્રોસેસિંગ ઉદ્યોગ, ચર્મોદ્યોગ, વનસ્પતિ-તેલનો મિલ-ઉદ્યોગ, કાપડ-ઉદ્યોગ તેમજ અનાજ દળવાના, સિમેન્ટ, સિગારેટ, પીણાં, છાપકામ અને પગરખાંને લગતા ઉદ્યોગો છે. અસ્મારામાં માંસ-પ્રોસેસિંગ, દારૂ બનાવવો અને ડેરીપેદાશો વગેરેના ઉદ્યોગો ઉપરાંત સિમેન્ટ, સાબુ, સિગારેટ, કાપડ અને દીવાસળી બનાવવાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. આ દેશમાં પ્રવાસન-ઉદ્યોગનું ભાવિ ઊજળું જણાય છે.

પહાડી ભૂપૃષ્ઠને લીધે ભૂમિમાર્ગોનો મર્યાદિત પ્રમાણમાં વિકાસ થયો છે. ઊંટ અને ખચ્ચરનો વ્યાપક ઉપયોગ થાય છે. ઇટાલિયન સત્તાકાળ દરમિયાન સડકમાર્ગોનું બાંધકામ થયું હતું; પણ તેમની જાળવણી પ્રત્યે દુર્લક્ષ સેવાય છે. આ દેશ આજે લગભગ 33,300 કિમી. લંબાઈના સડકમાર્ગો ધરાવે છે. અદિસ અબાબા સડકમાર્ગોનું કેન્દ્ર છે. અહીં છૂટા-છવાયા રેલમાર્ગોની કુલ લંબાઈ 1,207 કિમી.ની છે. તે પૈકી અદિસ અબાબા અને જીબુટી બંદરને સાંકળતો રેલમાર્ગ 458 કિમી. લાંબો છે. તેના પર દિરેદાવા અને અવાશ એ બે અગત્યનાં શહેરી મથકો આવેલાં છે. રાતા સમુદ્ર પર આવેલું મસાવા બંદર પણ અસ્મારા અને અગોરદત સાથે નાનકડા રેલમાર્ગે સંકળાયેલું છે.

આ પહાડી પ્રદેશમાં હવે હવાઈ મુસાફરી વ્યાપક બની છે. દેશમાં લગભગ 68 જેટલાં હવાઈ મથકો છે. તે પૈકી 43 આંતરરાષ્ટ્રીય અને 25 આંતરિક છે. અદિસ અબાબા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. રાતા સમુદ્રકિનારે મસાવા અને અસાબ અગત્યનાં બંદરો છે.

આ દેશનો દરિયાઈ વ્યાપાર દેશનાં બંદરો ઉપરાંત દક્ષિણ-પૂર્વમાં જુબા નદીના માર્ગે સોમાલીના બંદર કિસ્માયુ તેમજ રાતા સમુદ્ર પરનાં હરાર (Harar) તથા બર્બરા બંદરો મારફત ચાલે છે. ઈથિયોપિયા મુખ્યત્વે યુ.એસ., યુરોપના તેમજ મધ્ય-પૂર્વના દેશો સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે. ખાસ કરીને તે યંત્રો, વાહનો, કાપડ, ખાદ્યચીજો, બળતણ અને રસાયણોની આયાત કરે છે; જ્યારે કૉફી, તેલીબિયાં, ચામડાં, ફળફળાદિ અને શાકભાજી તથા માંસની નિકાસ કરે છે.

અનેક ભાષાઓ ધરાવતી અને વિવિધ ધર્મો પાળતી આજની ઈથિયોપિયન પ્રજા, અનેક જાતિજૂથોના મિશ્રણમાંથી ઊતરી આવેલી છે. તેમનામાં હેમિટિક, સેમિટિક અને નિગ્રો જાતિતત્વનાં લક્ષણો મોજૂદ છે. જાતિ અને ભાષાની ર્દષ્ટિએ જોઈએ તો ઈથિયોપિયામાં અમ્હેરા અને ગાલ્લા નામનાં બે જાતિજૂથો આગળ પડતાં છે. અમ્હેરા લોકો દેશના ઉત્તર અને ઉત્તરમધ્ય પહાડી ભાગોમાં કેન્દ્રિત થયેલા છે તેમજ તેઓ સેમિટિક જાતિકુળમાંથી ઊતરી આવેલા છે. દેશની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 25 % જેટલું છે. સામાન્ય રીતે દેશનો વહીવટ આ લોકોના હાથમાં છે. ઈથિયોપિયાની વહીવટી ભાષા અમ્હેરિક છે તથા દ્વિતીય ભાષા અંગ્રેજી છે. ‘ઈથિયોપિયન ઑર્થોડૉક્સ કૉપ્ટિક ખ્રિસ્તી ધર્મ’ એ રાજધર્મ છે. સામાન્ય રીતે દેશના દક્ષિણના પર્વતીય તળેટીના ભાગોમાં વસવાટ કરતા હેમિટિક જાતિકુળના ગાલ્લા લોકો, જાતિગત રીતે સોમાલી લોકો સાથે ઘણીબધી રીતે મળતા આવે છે. તેઓ ખ્રિસ્તી, ઇસ્લામ કે અન્ય ધર્મ પાળે છે. દેશની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 33 % છે. કેટલાક લોકો ઉત્તરના પહાડી વિસ્તારોમાં પણ સ્થિર થયેલા છે. આ ઉપરાંત દેશનાં બીજાં અનેક જાતિજૂથો પૈકી ટાઈગ્રે, વલામો, સોમાલી, ગુરેજ, અફારસાહો, સિદામો વગેરે મુખ્ય છે. એમ કહેવાય છે કે ઈથિયોપિયામાં આજે લગભગ 150 જેટલી વિવિધ ભાષાઓ છે, જે લોકોનાં જાતિજૂથો અને ભાષાની સંકુલ શૈલીને પ્રતિબિંબિત કરે છે. અહીંની લગભગ 90 % વસ્તી નિરક્ષર છે. હવે ધીમે ધીમે શાળાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. આ દેશમાં ચર્ચ અમર્યાદ સત્તા ભોગવે છે. આમ, સાધન-સંપન્ન ચર્ચ અને દેશની ગરીબ પ્રજા વચ્ચે ખૂબ મોટો વિરોધાભાસ જોવા મળે છે.

આ દેશની વસ્તી આશરે 8.7 કરોડ (2010) જેટલી છે. આ પહાડી દેશમાં ઊંચાઈ અનુસાર વસ્તીગીચતા અને વિતરણમાં તફાવતો જોવા મળે છે. સૌથી વધુ ગીચ વસ્તી, 1,800થી 2,500 મીટરની ઊંચાઈ વચ્ચેના વોઈના ડેગા નામના આબોહવાકીય વિભાગમાં આવેલી છે. અહીંના ખુશનુમા અને આરોગ્યપ્રદ વાતાવરણમાં ખેતી અને પશુપાલન પર નભતી મોટા ભાગની ગ્રામીણ વસ્તી વસવાટ કરે છે. પાટનગર અદિસ અબાબા તથા અન્ય નગરો પણ અહીં વસેલાં છે. જ્યારે તેનાથી ઊલટું રણપ્રકારની આબોહવા ધરાવતાં કિનારાનાં ગરમ અને શુષ્ક મેદાનોમાં વસ્તીગીચતાનું પ્રમાણ તદ્દન ઓછું છે.

અગત્યનાં નગરો

અદિસ અબાબા : દેશનું પાટનગર અને પ્રાચીન નગર અદિસ અબાબા, પશ્ચિમના પહાડી પ્રદેશમાં લગભગ 2,450 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તેના નામનો અર્થ ‘નવું પુષ્પ’ એવો થાય છે. ખુશનુમા આબોહવા ધરાવતું આ નગર અંશત: આધુનિક, સર્વદેશીય અને પચરંગી વસ્તીવાળું છે. તે રેલમાર્ગે જીબુટી સાથે તેમજ સડકમાર્ગે અને હવાઈ માર્ગે દેશનાં અગત્યનાં કેન્દ્રો સાથે સંકળાયેલું છે. કોકા બંધમાંથી મળતા વિપુલ જળવિદ્યુત-પુરવઠાને લીધે તે હળવા અને મધ્યમ પ્રકારના ઉદ્યોગોનું કેન્દ્ર બન્યું છે. આ શહેર લગભગ 50,05,524 (2021) જેટલી વસ્તી ધરાવે છે.

અસ્મારા : પહેલાં અસ્મારા એ ઇટાલીના તાબા હેઠળના ઇરીટ્રિયા પ્રાન્તનું વહીવટી મથક હતું. દેશના ઉત્તર ભાગમાં તે સમુદ્રસપાટીથી આશરે 2,440 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તે રેલમાર્ગે રાતા સમુદ્રકાંઠાના મસાવા બંદર અને સડકમાર્ગે પાટનગર અદિસ અબાબા સાથે સંકળાયેલું છે. અહીં હળવા અને મધ્યમ કદના ઉદ્યોગોનો સારો વિકાસ થયો છે. આ શહેરની વસ્તી 6,49,000 (2009) જેટલી છે. ઇટાલિયન રંગે રંગાયેલા વાતાવરણવાળા આ શહેરમાં હજુ પણ ઇટાલિયનોની વસ્તી સારા પ્રમાણમાં છે.

ગોંડર ખાતેનો ઐતિહાસિક કિલ્લો (17મી સદી)

હરાર : કિલ્લેબંધીવાળું આ જૂનું નગર, પૂર્વના પહાડી પ્રદેશમાં ગાલ્લા અને સોમાલીના પ્રદેશની સીમા પર લગભગ 1,830 મીટરની ઊંચાઈએ આવેલું છે. તે મુખ્યત્વે મુસ્લિમોની વસ્તી ધરાવે છે અને આફ્રિકાના આ વિભાગનું ઇસ્લામ ધર્મનું વડું મથક છે. તેની વસ્તી આશરે 1,51,977 (2012) જેટલી છે.

ઇતિહાસ : ઈ. સ. પૂ. બીજા સહસ્રાવધિમાં દેશના ઉત્તર તથા મધ્ય વિસ્તાર પર હેમિટો-સેમિટિક ભાષા બોલતા કુશાઇટ્ર લોકોએ કબજો જમાવ્યો હોય તેવા સંકેત સાંપડે છે. ઇજિપ્તની ચિત્રલિપિઓ પરથી જાણવા મળે છે કે ઈથિયોપિયામાં પ્રાચીન સંસ્કૃતિની શરૂઆત ઈ. સ. પૂ. બીજા સહસ્રાવધિમાં થઈ હતી. તે ચિત્રલિપિઓમાં ત્યાંના નિવાસીઓનો હબાશાટ નામથી ઉલ્લેખ થયો છે. તેના પરથી ઍબિસીનિયા નામ પડ્યું છે. ઈ. સ. પૂ. છઠ્ઠા શતકથી ઈ. સ.ના પહેલા શતક સુધી દક્ષિણ અરેબિયાના સેબિયન્સ લોકોએ ઈથિયોપિયાની સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, ધર્મો તથા કળાઓ પર પ્રભાવ પાડ્યો હતો. બીજા શતકમાં પહેલા મેનેલિકના વંશજ ગણાતા અશ્યુમાઇટ રાજ્યનો ઉદય થયો. લોકવાયકા મુજબ પહેલો મેનેલિક યહૂદી રાજા સોલોમન તથા રાણી સિબાનો પુત્ર હતો. એઝના રાજાના શાસનકાળ દરમિયાન ઈથિયોપિયા યહૂદી પ્રભાવમાંથી મુક્ત થયું અને ત્યાં ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ વધ્યો. ઇજિપ્ત તથા નુબિયા પર મુસલમાનોનો કબજો થવાથી 675માં ઈથિયોપિયાના અન્ય ખ્રિસ્તી જગત સાથેના સંબંધ તૂટી પડ્યા. અગિયારમી સદીમાં ઝાગ્ને વંશના રાજ્યકર્તાઓએ તેના પર પોતાની સત્તા જમાવી. પંદરમી સદીના મધ્યમાં ખ્રિસ્તી જગત સાથેના તેના સંબંધો પુન: સ્થાપિત થયા. સોળમી સદીમાં પોર્ટુગીઝોની મદદથી ઈથિયોપિયાના શાસકોએ સોમાલિસના સુલતાનને દેશમાંથી હાંકી કાઢ્યો હતો. 1633થી 1855નો ગાળો ગોંડરકાળ તરીકે ઓળખાય છે. આ સમય દરમિયાન ભારતીય તથા પોર્ટુગીઝ સંસ્કૃતિઓની અસર હેઠળ ત્યાં સાંસ્કૃતિક પુનરુત્થાન થયું. બીજા ટેવેડ્રોસ(1855-68)ના શાસનકાળ દરમિયાન આધુનિક ઈથિયોપિયાના એકીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને બીજા મેનેલિક(1889-1913)ના શાસનકાળ દરમિયાન તે પૂરી થઈ. 1923માં તેને રાષ્ટ્રસંઘનું સભ્યપદ તથા સ્વતંત્રતાની બાંયધરી પ્રાપ્ત થયાં. વીસમી સદીના ત્રીજા દાયકાની શરૂઆતથી જ સમ્રાટ હેલ સેલાસી  પ્રથમ (1930-74) દ્વારા દેશના આધુનિકીકરણનો કાર્યક્રમ હાથ ધરાયો. 1935માં આક્રમણ દ્વારા ઇટાલીએ તેના પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું (1935-41). તેમાંથી મુક્ત થયા પછી ત્યાં આધુનિકીકરણની પ્રક્રિયા વધુ વેગવંતી બની.

આ દેશમાં સદીઓથી દાખલ કરવામાં આવેલ રાજાશાહી શાસનવ્યવસ્થા તથા સામંતશાહી સમાજવ્યવસ્થા સમ્રાટ હેલ સેલાસીના શાસનકાળ દરમિયાન ચાલુ રહી હતી. 1955ના નવા બંધારણ હેઠળ સમ્રાટની આપખુદ સત્તામાં તથા પ્રજાના રાજકીય કે નાગરિક અધિકારોમાં કોઈ ફેર પડ્યો ન હતો. રાજકીય પક્ષ, સ્વતંત્ર અખબાર, સ્થાનિક પ્રશાસન કે મુક્ત રાજકીય પ્રવૃત્તિઓને દેશમાં કોઈ અવકાશ ન હતો. પ્રધાનમંત્રી તથા અન્ય મંત્રીઓની નિમણૂકો સમ્રાટ દ્વારા કરવામાં આવતી. આ પ્રકારની શાસનવ્યવસ્થા સામે પ્રજામાં ધીમે ધીમે અસંતોષ વધતો ગયો. સામાજિક તથા આર્થિક પરિવર્તનો સાથે નવાં સામાજિક જૂથો ઊભાં થવા લાગ્યાં, જેમને સમ્રાટની આપખુદ શાસનવ્યવસ્થા સ્વીકાર્ય ન હતી. શિક્ષણના વિકાસ સાથે આર્થિક વૃદ્ધિની ધીમી ગતિ, વ્યાપક ગરીબી અને બેકારી, વધતો ફુગાવો જેવી બાબતોને લઈને પ્રજાનો અસંતોષ વધુ ને વધુ તીવ્ર થતો ગયો. સામંતશાહી અર્થવ્યવસ્થાને લીધે ખેડૂતવર્ગમાં તથા વિદેશી મૂડી દ્વારા થતા શોષણને લીધે ઔદ્યોગિક કામદારોમાં વિપ્લવની ભાવના જાગ્રત થવા લાગી. ઇસ્લામ ધર્મને રાજ્યાશ્રય ન મળવાથી તથા ઉચ્ચ હોદ્દાઓથી મુસલમાનોને બાકાત રાખવામાં આવતા હોવાથી તેમનામાં પણ અસંતોષ ફેલાતો ગયો. આ પરિસ્થિતિ પરાકાષ્ઠાએ પહોંચતાં સપ્ટેમ્બર, 1974માં સમ્રાટ હેલ સેલાસીની સામે લશ્કરે બળવો કર્યો. તેમને પદભ્રષ્ટ કરી તેમની ધરપકડ કરવામાં આવી તથા કામચલાઉ લશ્કરી વહીવટી સમિતિ (Provisional Military Administrative Council – PMAC) જે ડર્ગ (Dergue) નામથી પ્રચલિત છે તેને સત્તા સોંપવામાં આવી. આ સમિતિએ જે ઉદ્દામવાદી તથા ક્રાંતિકારી અભિગમ સ્વીકાર્યો તે ‘ઈથિયોપિયાનો સમાજવાદ’ નામથી ઓળખાય છે. આ કાર્યક્રમ હેઠળ અર્થતંત્રનાં મહત્વનાં ક્ષેત્રોનું તથા શિક્ષણનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે તથા શિક્ષણના વિષયવસ્તુમાં પાયાના ફેરફાર દાખલ કરવામાં આવ્યા છે.

ગૃહ-ઉદ્યોગમાં વ્યસ્ત ઈથિયોપિયાની મહિલાઓ

લશ્કરી બળવા પછી ફેબ્રુઆરી, 1977માં લેફ્ટ. કર્નલ મગિસ્ટુ હેલ મરિયમ લશ્કરી વહીવટી સમિતિના પ્રમુખ બન્યા. પોતાના શાસનને દેશમાં વ્યાપક ભૂમિકા આપવાના હેતુથી આ શાસકોએ સપ્ટેમ્બર, 1984માં ‘વર્કર્સ પાર્ટી ઑવ્ ઈથિયોપિયા’ની રચનાની જાહેરાત કરી. મૅંગિસ્ટુ હેલ મરિયમને હોદ્દા પરથી ખસેડી ઈથિયોપિયા પીપલ્સ રેવૉલ્યુશનરી ડેમૉક્રૅટિક ફ્રન્ટે (EPRDF) મેલેસ ઝેનાવી(Meles Zenawi)ને પ્રમુખ નીમ્યા. જુલાઈ, 1991માં 24 રાજકીય જૂથો દ્વારા સંક્રાંતિકાલીન સરકારની રચના કરવામાં આવી, જેમાં વાંશિક જૂથોને આત્મનિર્ણયનો હક્ક તથા અભિવ્યક્તિનું અને સંગઠન રચવાનું સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું. દરમિયાનમાં 87 સભ્યોની બનેલી કાઉન્સિલ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્સની રચના થઈ. આ કાઉન્સિલે સર્વાનુમતિથી મેલેસ ઝેનાવીને પ્રમુખ ચૂંટ્યા. 1962માં જોડાયેલ ઇરિટ્રિયા 1993માં ઈથિયોપિયાથી સ્વતંત્ર બન્યું. જૂન, 1994માં 547 સભ્યોની બંધારણ સભા ચૂંટવામાં આવી. ઈથિયોપિયન પીપલ્સ રેવૉલ્યુશનરી ડેમૉક્રૅટિક ફ્રન્ટ(EPRDF)ને 484 બેઠકો મળી અને ડિસેમ્બર, 1994માં આ સભાએ ઘડેલું નવું સમવાયતંત્ર બંધારણ સ્વીકાર્યું. આ બંધારણ અનુસાર સમવાયતંત્રમાં વાંશિક ધોરણે નવ પ્રદેશો રચવામાં આવ્યા તેમજ આ પ્રદેશોને પ્રજામત (referendum) લીધા બાદ કેંદ્રથી સ્વતંત્ર બનવાનો અધિકાર આપવામાં આવ્યો. 1995માં 548 ચૂંટાયેલા સભ્યો દ્વારા ફેડરલ ઍસેમ્બલી નામની સંસદની રચના થઈ અને ઈથિયોપિયા ડેમૉક્રૅટિક ફેડરલ રિપબ્લિક બન્યું.

અટકાયત દરમિયાન ભૂતપૂર્વ સમ્રાટ હેલ સેલાસીનું ઑગસ્ટ 1975માં અવસાન થયું હતું.

દેશના પાટનગર અદિસ અબાબા ખાતે ‘આફ્રિકન એકતા સંગઠન’ (Organization of African Unity) તથા સંયુક્ત રાષ્ટ્રસંઘનું આર્થિક કમિશન (United Nations Economic Commission for Africa) – એ બંનેની મધ્યસ્થ કચેરીઓ આવેલી છે.

1985 પછીનાં વર્ષોમાં આ દેશમાં અવારનવાર દુકાળની સ્થિતિ ચાલુ રહેલી. તેને લીધે જાનમાલની હાનિ થયેલી. દેશની અર્થવ્યવસ્થા પર પણ તેની અસર પહોંચેલી. રાષ્ટ્રસંઘ અને વિશ્વની અન્ય સંસ્થાઓએ વ્યાપક પ્રમાણમાં આર્થિક સહાય પૂરી પાડેલી.

મે અને જૂન, 1995માં ઈથિયોપિયામાં પ્રથમ વાર બહુપક્ષી ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજાઈ. 1997માં આ દેશમાં નેગાસો ગીદદા પ્રમુખ હતો. ફેબ્રુઆરી, 2001માં ઇરિટ્રિયાના પ્રદેશમાંથી ઈથિયોપિયાના લશ્કરે પીછેહઠ કરી અને તેની યુનાઇટેડ નૅશન્સના શાંતિરક્ષકોએ દેખરેખ રાખી હતી. માર્ચ, 2004માં ઈથિયોપિયાના પાટનગર અદિસ અબાબામાં પાન–આફ્રિકન પાર્લમેન્ટ મળી હતી. આફ્રિકા ખંડના દેશો આ રીતે એકતા સાધતા હતા. તેમાં 53 દેશો જોડાયા હતા. તે રાજકીય અને આર્થિક બાબતોનું મંડળ હતું. 2001થી 2008 સુધી ઈથિયોપિયાના પ્રમુખ તરીકે ગીર્મા વોલ્ડી જીઓર્ગીસ હતો. જૂન, 2005માં પાટનગર અદિસ અબાબામાં વિરોધી દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ. નવેમ્બરમાં ફરીથી અથડામણ થઈ. 2005માં ત્યાં ચૂંટણી યોજવામાં આવી હતી. ડિસેમ્બર, 2008માં એક રાજકીય વિરોધ પક્ષની મહિલા નેતા બીર્ટુકન મિડેક્સાની ધરપકડ કરવામાં આવી. 2009ના વર્ષમાં ત્યાંના આર્થિક વિકાસદરની 6.5 %ની અપેક્ષા હતી. તેની મુખ્ય નિકાસ કૉફી, ચા, મસાલાની ખેતપેદાશો વગેરે હતી.

8 ડિસેમ્બર, 1994માં સર્વસંમતિથી આ દેશે નવું બંધારણ સ્વીકાર્યું. 22 ઑગસ્ટ, 1995થી તેના નવા સમવાયી બંધારણનો અમલ શરૂ થયો. નવ પ્રદેશોથી બનેલું આ સમવાયતંત્ર તેના રાજ્યનો અલગ થવાનો અધિકાર (જે સામાન્ય રીતે આપવામાં આવતો નથી.) આપે છે. અલબત્ત, આ માટે પ્રાદેશિક રાજ્ય રેફરન્ડમ (લોકપૃચ્છા) યોજ્યા પછી જ નિર્ણય લઈ શકે છે. પ્રમુખ દેશના ઔપચારિક વડા છે. તેની ધારાસભા બે ગૃહો ધરાવે છે. તેનું નીચલું ગૃહ કાઉન્સિલ ઑવ્ પીપલ્સ રેપ્રિઝન્ટેટિવ્સ તરીકે અને ઉપલું ગૃહ ફેડરલ કાઉન્સિલ તરીકે ઓળખાય છે. પ્રાદેશિક અદાલતો ઉપરાંત અદિસ અબાબા ખાતે દેશની સર્વોચ્ચ અદાલત કામ કરે છે.

ગિરમા વૉલ્ડેગિયોરગિસ (Girma Woldegiorgis) તેના 2012ના વર્તમાન પ્રમુખ છે અને મેલેસ ઝેનાવી તેના 2012થી વડાપ્રધાન છે.

બીજલ પરમાર

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જયકુમાર ર. શુક્લ

રક્ષા મ. વ્યાસ