ઈથિલીન બ્રોમાઇડ

January, 2002

ઈથિલીન બ્રોમાઇડ (અથવા 1, 2-ડાયબ્રોમોઈથેન) : ઈથિલીન અને બ્રોમીન વચ્ચેની પ્રક્રિયાથી બનતું રંગવિહીન, મીઠી વાસવાળું, ન સળગે તેવું પ્રવાહી. ઉ. બિં. 131.4o; ગ.બિં. 9.8o; ઘનતા 1.5379. પાણીમાં અદ્રાવ્ય. ત્વચાને સ્પર્શ થતાં ખંજવાળ પેદા કરે છે. લાંબો સમય શ્વાસમાં લેવાતાં યકૃત અને મૂત્રપિંડને નુકસાન કરે છે. જમીન અને અનાજના ધૂમક (fumigant) તરીકે અને ઍન્ટિનોક ગૅસોલિનમાંના સીસાને, લેડબ્રોમાઇડ તરીકે દૂર કરવા માટે ગૅસોલિનમાં ઉમેરવામાં આવે છે.

C2H4 + Br2 → BrCH2CH2Br

પ્રવીણસાગર સત્યપંથી