મૌખરી વંશ : એક પ્રાચીન વંશ કે પરિવાર. બિહારના ગયામાંથી આ વંશની, મૌર્ય યુગની માટીની મુદ્રાઓ મળી આવી છે. રાજસ્થાનના કોટા રાજ્યમાંથી મળી આવેલા ઈ. સ. 239ના અભિલેખમાં મૌખરી સેનાપતિનો ઉલ્લેખ મળ્યો છે. આ પ્રદેશમાં ત્રીજી સદીમાં ઘણા મૌખરી પરિવારો હતા એમ અભિલેખો પરથી જાણવા મળે છે. મહાભારતમાં ઉલ્લેખ કરાયેલ મધ્ય પંજાબમાંના મદ્ર રાજ્યના રાજા અશ્વપતિના વંશજો હોવાનો તેમણે દાવો કર્યો છે. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ગયા નજીક મૌખરી વંશનું રાજ્ય હતું. ગયા જિલ્લાના નાગાર્જુની હિલ્સમાંથી મળેલા ત્રણ અભિલેખોમાંથી આ વંશના યજ્ઞવર્મન, તેના પુત્ર શાર્દૂલવર્મન તથા તેમના પુત્ર અનંતવર્મનની માહિતી મળે છે. આ રાજાઓ છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. ગુપ્ત સામ્રાજ્યની પડતીના સમયે અનંતવર્મનની સત્તા હેઠળના પ્રદેશો વધ્યા હતા.

મૌખરીઓની બીજી શાખા વધુ સત્તાધીશ હતી. તેની માહિતી ઉત્તર પ્રદેશમાંથી મળેલાં અભિલેખો તથા મુદ્રાઓમાંથી મળે છે. રાજાઓની મુદ્રાઓમાંથી નીચેની વંશાવળી મળે છે : મહારાજા હરિવર્મન, મહારાજા આદિત્યવર્મન, મહારાજા ઈશ્વરવર્મન, મહારાજાધિરાજ ઈશાનવર્મન, મહારાજાધિરાજ સર્વવર્મન. તેમનું રાજ્ય ઉત્તર પ્રદેશમાં હશે. ઈશાનવર્મન ઈ. સ. 554માં થયો હતો. ગુપ્તવંશના રાજા બુધગુપ્તના સમયથી દક્ષિણ બિહાર તથા ઉત્તર પ્રદેશમાં છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં, મૌખરીઓ રાજ્ય કરતા હતા. ગુપ્ત રાજાઓની પડતી થવાથી તેઓને સ્વતંત્ર થઈ રાજ્યવિસ્તાર કરવાની તક મળી હતી.

ઈશાનવર્મને આંધ્રો, શુલિકાઓ, બંગાળના ગૌડો અને ત્યાંના અન્ય રાજાઓને હરાવીને ‘મહારાજાધિરાજ’નો ખિતાબ ધારણ કરીને પોતાના સિક્કા પડાવ્યા હતા. તેને ગુપ્ત સમ્રાટો સાથે સંઘર્ષો થયા અને કુમારગુપ્ત તથા દામોદરગુપ્તે તેને હરાવ્યો હતો. તેના પછીના બે રાજા સર્વવર્મન તથા અવંતીવર્મનની સત્તા હેઠળ મગધના કેટલાક પ્રદેશો હતા. સાતમી સદીની શરૂઆત સુધી મૌખરી વંશના રાજા વિશાળ સત્તા તથા પ્રતિષ્ઠા ભોગવતા હતા. સંસ્કૃતના કવિ બાણે ‘હર્ષચરિત’ અને ‘કાદંબરી’માં મૌખરી રાજાઓની પ્રશંસા કરી છે. ઈશાનવર્મન કે તેના પુત્ર સર્વવર્મને હૂણોને હરાવીને સ્વદેશનું રક્ષણ કર્યું હતું. સર્વવર્મન અને અવંતીવર્મન બંને પ્રતાપી રાજા હતા અને વિશાળ પ્રદેશ પર સત્તા ભોગવતા હતા. મૌખરી રાજ્યનું પાટનગર કનોજ હતું. ઉત્તર ભારતના થાણેશ્વરની રાજકુમારી રાજ્યશ્રીને મૌખરી વંશના રાજા ગૃહવર્મન સાથે પરણાવવામાં આવી હતી. તેની માહિતી કવિ બાણની રચનામાંથી પ્રાપ્ત થાય છે.

જયકુમાર ર. શુક્લ