મૌજી ગીત (1935) : સિંધી બાલગીત-સંગ્રહ. કિશનચંદ બેવસનાં 14 અને હરિ દિલગીરનાં 4 એ રીતે બંને કવિઓ દ્વારા રચાયેલાં 18 બાલગીતો આમાં છે.

કવિ કિશનચંદ ‘બેવસ’ (1885–1947) પહેલાં અનેક કવિઓએ બાળકો માટે કાવ્યો લખ્યાં હતાં; પરંતુ રચયિતાઓનો મુખ્ય હેતુ શૈક્ષણિક હતો અને તે પાઠ્યપુસ્તકોને ધ્યાનમાં રાખીને લખાયાં હતાં.  આવાં કાવ્યોમાં બાળકોને મોટેભાગે શિખામણ આપવામાં આવતી. બાલમનના તરંગો તથા તેમની કલ્પનાઓને સંતોષી શકે એવાં તત્વો એમાં જોવા મળતાં નહોતાં. કવિ બેવસે બાલકાવ્યોને એક અલગ દિશા આપી. બેવસને બાળકો સાથે સ્નેહસંબંધ હતો. તેઓ શિક્ષક હતા અને બાલકન-જી-બારી સાથે સંકળાયેલ હતા. એમનાં ઘણાં બાલગીતો તે વખતના ખૂબ જ લોકપ્રિય બાલસામયિક ‘ગુલિસ્તાન’માં પ્રસિદ્ધ થતાં હતાં. બેવસે લખેલાં અનેક બાલગીતોમાંથી પસંદ કરીને ફક્ત 14 ગીતો આ સંગ્રહમાં પ્રકાશિત થયાં છે. આ ગીતો બેવસે બાળકો સાથે રમતાં રમતાં રચ્યાં હતાં. તેથી બાળકોને તે પ્રિય થઈ પડ્યાં છે. તેમાં બાળકોની દુનિયા ઊભી કરવામાં આવી છે. ફૂલો, તારલા, ચાંદો, કાગળની હોડી, રેલગાડી, હીંચકા, ફુગ્ગા જેવા બાળકોની દુનિયાના વિષયો પર લખાયેલાં આ બાલગીતો બાળકો હોંશે હોંશે ગાઈ શકે એવાં છે. માત્ર આનંદના ઉદ્દેશથી લખાયેલાં આ બાલગીતોનો ભાવપક્ષ તેમજ કલાપક્ષ સબળ છે. બધી રચનાઓની ભાષા સાદી, સરળ અને સુંદર છે.

હરિ દિલગીર (જ. 1916) પણ સિંધીના લબ્ધપ્રતિષ્ઠ કવિ છે. બેવસના સાંનિધ્યમાં રહીને એમણે પણ સુંદર બાલગીતો રચી, સિંધી બાલસાહિત્યમાં મોટું પ્રદાન આપ્યું છે. આ સંગ્રહમાં તો એમનાં માત્ર 4 જ બાલગીતો છે; પરંતુ એમનાં રચેલાં અન્ય બાલગીતો એમના ‘મઝેદાર ગીત’ (1983), ‘ગીત ગુલાબી’ (1988) અને ‘પિરોલિયૂ’ (1991) સંગ્રહોમાં ઉપલબ્ધ છે.

હુંદરાજ બલવાણી