મોગાદિશુ : પૂર્વ આફ્રિકાના સોમાલિયા દેશનું પાટનગર, સૌથી મોટું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 2° 04´ ઉ. અ. અને 45° 22´ પૂ. રે. તેનું અરબી નામ મકદિશુ, સ્થાનિક નામ મુગદિશો અને ઇટાલિયન નામ મોગાદિશિયો છે. તે સોમાલિયાના અગ્નિ કિનારા પર, હિન્દી મહાસાગરને કાંઠે, વિષુવવૃત્તથી ઉત્તરે આશરે 225 કિમી.ને અંતરે તેમજ ઇથિયોપિયાના એડિસ અબાબાથી અગ્નિકોણમાં 1078 કિમી.ને અંતરે આવેલું છે. આ શહેરની વસ્તી 2011 મુજબ આશરે 15,54,000 લાખ જેટલી છે.
આબોહવા : આ શહેરનું સરેરાશ વાર્ષિક તાપમાન વધુમાં વધુ 31° સે.થી ઓછામાં ઓછું 24° સે.ની વચ્ચે રહે છે તથા સરેરાશ વાર્ષિક વરસાદ 430 મિમી. જેટલો પડે છે.
આધુનિક સુવિધાવાળા તેના બારા પરથી કેળાં, ચામડાં, ઢોર વગેરેની નિકાસ થાય છે. આ શહેરનો મુખ્ય ઉદ્યોગ ખાદ્યપ્રક્રમણનો છે. અહીં દૂધ અને માછલીઓમાંથી ખાદ્ય ચીજો બનાવાય છે. આ ઉપરાંત, સૌંદર્ય-પ્રસાધનો, મીઠાઈ અને પીણાંનું ઉત્પાદન લેવાય છે. ખાંડના શુદ્ધીકરણ માટેનું કારખાનું તેમજ કપાસના જિનિંગ એકમો પણ અહીં આવેલા છે.
મોગાદિશુમાં ઇસ્લામી, અરબી તેમજ પશ્ચિમી સ્થાપત્ય-શૈલીની મિશ્ર ઇમારતો જોવા મળે છે. 1954માં અહીં સોમાલિયા નૅશનલ યુનિવર્સિટી સ્થાપવામાં આવેલી છે અને 1959થી તેને સત્તાવાર રીતે યુનિવર્સિટીનો દરજ્જો મળેલો છે. અહીંની હૉસ્પિટલ પણ મિશ્ર સ્થાપત્ય-શૈલીની છે. આ શહેરમાં ઇસ્લામી કાયદાની, શિક્ષણ-તાલીમની, જાહેર સ્વાસ્થ્યની, પશુચિકિત્સા-વિજ્ઞાનની તથા ઔદ્યોગિક તાલીમની સંસ્થાઓ પણ આવેલી છે. ઝાંઝીબારના સુલતાનના અહીંના જૂના મહેલમાં હવે નૅશનલ મ્યુઝિયમ રાખવામાં આવેલું છે. આ શહેરથી પશ્ચિમ તરફ 8 કિમી.ને અંતરે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સુવિધા પણ છે.
ઇતિહાસકારોના મંતવ્ય મુજબ આરબોએ દસમી સદીમાં આ સ્થળની સ્થાપના કરેલી હોવાનું મનાય છે. પૂર્વ આફ્રિકાના કિનારા પર સર્વપ્રથમ અરબી વસાહત મોગાદિશુની સ્થપાઈ હોવાનું કહેવાય છે. આરબ સુલતાનોએ અહીં સદીઓ સુધી શાસન કરેલું. આરબ રાજ્યો સાથેના વિસ્તૃત વેપારના ગાળા પછી સોળમી સદીમાં તેનું મહત્ત્વ ઘટી ગયેલું; 1871માં ઝાંઝીબારના સુલતાનના કબજામાં તે આવ્યું ત્યાં સુધી તો પૉર્ટુગીઝો અને મસ્કતના ઇમામો સાથે તેના વાણિજ્ય-વ્યવહારો રહેલા. 1889માં ઇટાલીએ આ શહેરનો કબજો લીધેલો અને તેણે તે પછીથી ઇટાલિયન સોમાલિલૅન્ડની વસાહતોનું પાટનગર બનાવેલું. ઇટાલિયનોએ આ શહેરનો મધ્યભાગ બાંધેલો. 1892માં ઇટાલિયનોએ અહીંના બંદરનો પરવાનો મેળવેલો, પરંતુ પછીથી બ્રિટિશ દબાણ હેઠળ આવી જવાથી 1905માં આ બંદર બ્રિટિશ લોકોને વેચી દીધેલું. બ્રિટિશ લોકોએ ઝાંઝીબારની સલ્તનત પર દબાણ લાવીને આ સ્થળને રક્ષિત પ્રદેશ તરીકે સ્થાપેલું. તે પછીથી તે ઇટાલિયન સોમાલિલૅન્ડ અને ઇટાલિયન સોમાલિયા ટ્રસ્ટ ટેરિટરીનું રાજધાનીનું સ્થળ બનેલું. 1960માં ઇટાલિયન સોમાલિલૅન્ડ અને બ્રિટિશ સોમાલિલૅન્ડ સોમાલિયા નામથી સ્વતંત્ર બન્યું અને મોગાદિશુને તેનું પાટનગર બનાવ્યું. 1991માં મોગાદિશુમાં સરકારી દળો અને બળવાખોરો વચ્ચે મોટા પાયા પર આંતરસંઘર્ષ થયેલો. પ્રમુખ બેરેને ઉથલાવવા માટે થયેલા 1991–92ના આંતરસંઘર્ષ દરમિયાન આ શહેરની ઘણી તારાજી થયેલી અને હજારો લોકો મરાયેલા. 1992માં યુ.એસ.નાં નૌકાદળો સહિત યુ.એન.નાં શાંતિદળો આ શહેરમાં શાંતિ સ્થાપવા આવીને રહેલાં. 1993માં યુ.એન.નાં દળો અને બળવાખોરો વચ્ચે પણ સંઘર્ષ થયેલો, છેવટે 1994માં આ દળો પાછાં ગયેલાં.
ગિરીશભાઈ પંડ્યા