મોગા : પંજાબ રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 48´ ઉ. અ. અને 75° 10´ પૂ. રે.ની આજુબાજુનો 1672 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફિરોજપુર, પૂર્વમાં લુધિયાણા, અગ્નિ તરફ સંગરુર, દક્ષિણે બથિંડા તથા પશ્ચિમે ફરીદકોટ અને ફિરોજપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક મોગા જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ સતલજ-ઘગ્ગરનાં કાંપનાં મેદાનોથી બનેલું છે. જમીનો સૂકી ગોરાડુથી ભારે ગોરાડુ પ્રકારની ખૂબ જ ફળદ્રૂપ છે. થોડાં નાનાં નાળાં સિવાય અહીં કોઈ નદી વહેતી નથી. ભારે વરસાદ પડે ત્યારે નાળાં ભરાઈને છલકાય છે. આ પૈકીનું મોગા નાળું અગત્યનું છે. અહીં નહેરોની ગૂંથણી સારી રીતે ફેલાયેલી છે.

ખેતી–પશુપાલન : ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. જિલ્લાની કુલ ભૂમિનો 90 %થી વધુ ભાગ ખેડાણ હેઠળ છે. ઘઉં, ડાંગર, મકાઈ, જવ, બાજરો, કપાસ, તેલીબિયાં અને બટાટા અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત આ જિલ્લો શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં પણ મોખરે છે. ખેતીની સમૃદ્ધિ મુખ્યત્વે નહેર-સિંચાઈ અને વીજ-પુરવઠાને આભારી છે. આખલા, બળદ, ભેંસો, ઘોડા, ટટ્ટુ, ખચ્ચર, ગધેડાં અને ઘેટાંબકરાં અહીંનાં મુખ્ય પશુઓ છે. મરઘાં-પાલન પણ અહીં સારા પ્રમાણમાં થાય છે. પશુઓના સ્વાસ્થ્ય માટે અહીં પશુદવાખાનાં, ચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો ઊભાં કરવામાં આવેલાં છે.

મોગા

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાં કૃષિઓજારો, મોટરગાડીઓના છૂટા ભાગો, ઑઇલ એંજિનો, પગરખાં, સરસિયું, કૉફી અને ઠારેલા દૂધનું ઉત્પાદન થાય છે. અહીંથી ઘઉં, ચોખા, કૃષિ-ઓજારો, ઠારેલું દૂધ, કૉફી, સ્વયંસંચાલિત વાહનોના છૂટા ભાગો, સ્ક્રૂ-ચાકીઓની પરદેશો ખાતે નિકાસ થાય છે; જ્યારે વનસ્પતિ-ઘી, જરૂરી ખાદ્યસામગ્રી, ખાંડ, લોખંડ વગેરેની આયાત થાય છે. મોગા ખાતે દેશનું અગ્રિમ અનાજપીઠું આવેલું છે. ત્યાં ઘઉં, ચોખા, કઠોળ, તેલીબિયાં, કપાસ વગેરે બહારથી વેચાણ અર્થે આવે છે અને તેમનો વેપાર થાય છે. મોગા ખાતે આવેલો ફૂડ સ્પેશિયાલિટિઝ લિ. જિલ્લાનો અગત્યનો ઉદ્યોગ છે.

પરિવહન–પ્રવાસન : આ જિલ્લો એક તરફ ફિરોજપુર અને બીજી તરફ લુધિયાણા સાથે રેલમાર્ગથી જોડાયેલો છે. જિલ્લાના ઉત્તર ભાગમાંથી આ બ્રૉડગેજ રેલમાર્ગ પસાર થાય છે. રાજ્યના ધોરી માર્ગો SH 16 અને SH 18 આ જિલ્લામાંથી પસાર થાય છે. જિલ્લાનાં બધાં જ મહત્વનાં મથકો બસો મારફતે સંકળાયેલાં રહે છે. માર્ગો દ્વારા સારી રીતે થતી હેરફેર અને અવરજવરથી આ જિલ્લાનાં વેપાર-વાણિજ્ય વિકસ્યાં છે.

આ જિલ્લાનાં ગામડાંઓમાં ઘણાં ગુરુદ્વારા આવેલાં છે. દીના ગામ ખાતે ગુરુ ગોવિંદસિંહની યાદમાં ઝફરનામા દીવાનની ઉજવણી થાય છે. દાગ્રુ અને સદા સિંઘાવાલા ગામોની મુલાકાત ગુરુ ગોવિંદસિંહે તથા ગુરુ હરરાયજીએ લીધેલી હોવાથી તે બંને ગામોનું ધાર્મિક ર્દષ્ટિએ ઘણું મહત્વ અંકાય છે. ગુરુ નાનક અને ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતી-સંવત્સરીના દિવસો તથા ગુરુ તેગબહાદુર અને ગુરુ અર્જુનદેવની શહાદતના દિવસો ધાર્મિક રીતે ઊજવાય છે. આ ઉપરાંત, જિલ્લામાં ગુગ્ગા નવમી, રામનવમી, શિવરાત્રિ, અક્ષયતૃતીયા, વસંત, લોહરી, હોળી, હોલા મોહલ્લા અને જન્માષ્ટમીના તહેવારો ધામધૂમથી ઊજવાય છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 9,92,289 જેટલી છે. તે પૈકી 53 % પુરુષો અને 47 % સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. અહીં શીખો, હિન્દુઓ અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે, જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈનની વસ્તી ઓછી છે. જિલ્લામાં પંજાબી ભાષા બોલાય છે. જિલ્લાનાં મુખ્ય નગરો ખાતે શિક્ષણના જુદા જુદા તબક્કાઓની સંસ્થાઓની સગવડ છે. મોગા ખાતે 4 કૉલેજો આવેલી છે. તેનાં મુખ્ય નગરોમાં હૉસ્પિટલો, ચિકિત્સાલયો, કુટુંબ-નિયોજન-કેન્દ્રો, પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો અને આયુર્વેદિક દવાખાનાંની સુવિધા પણ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 2 તાલુકાઓ અને 4 સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 3 મુખ્ય નગરો અને 180 (4 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. 1996માં ફરીદકોટ જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરેલી છે.

ગિરીશભાઈ પંડ્યા