મોગ્ગલિપુત્ર તિસ્સ

February, 2002

મોગ્ગલિપુત્ર તિસ્સ : બૌદ્ધ ભિક્ષુસંઘના ત્રીજી સંગીતિના અધ્યક્ષ તરીકે નામાંકિત થેર (સ્થવિર). એ પાટલિપુત્રના બ્રાહ્મણ મોગ્ગલિના પુત્ર રૂપે જન્મેલા. એમને બૌદ્ધ ધર્મનો ઉપદેશ ગ્રહણ કરાવવા સિગ્ગવ પહેલેથી સતત યત્નશીલ હતા. તિસ્સ ઉમરલાયક થતાં વેદોમાં પારંગત થયા હતા, પરંતુ સિગ્ગવે એમને ‘ચિત્તયમક’માંથી એક પ્રશ્ર્ન પૂછ્યો, ત્યારે તેઓ એનો ઉત્તર આપી શક્યા નહિ. આથી તિસ્સે બુદ્ધના ઉપદેશથી માહિતગાર થવા સિગ્ગવ પાસે દીક્ષા લઈ સંઘમાં પ્રવેશ કર્યો. ત્રિપિટકોનું અધ્યયન કરી તિસ્સ અર્હતપદ પામ્યા ને પાટલિપુત્રના ભિક્ષુસંઘના અધ્યક્ષ બન્યા.

તિસ્સની પ્રેરણાથી રાજા અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને દીક્ષા અપાવી. રાજાના પ્રોત્સાહનથી છકી જતાં ભિક્ષુસંઘમાં શિથિલાચાર પ્રવેશ્યો, ત્યારે તિસ્સ ભિક્ષુસંઘનો હવાલો મહેન્દ્રને સોંપી સાત વર્ષ એકાંતવાસમાં રહ્યા. આખરે એમની તીવ્ર જરૂર પડતાં રાજાના આગ્રહથી મોગ્ગલિપુત્ર તિસ્સ પાટલિપુત્ર પાછા ફર્યા. રાજા અશોકે અશોકારામમાં સર્વ ભિક્ષુઓને એકત્ર કર્યા ને મોગ્ગલિપુત્રની હાજરીમાં તેમને વિવિધ સિદ્ધાંતો વિશે પ્રશ્ન પૂછ્યા. મોગ્ગલિપુત્રે એમાં અંતે વિભજ્જવાહ જ બુદ્ધના ઉપદેશને અનુસરે છે એમ પ્રતિપાદિત કર્યું.

આગળ જતાં એક હજાર અર્હતોના સાથમાં મોગ્ગલિપુત્ર તિસ્સે પોતાની અધ્યક્ષતા નીચે પાટલિપુત્રના અશોકારામમાં ત્રીજી સંગીતિ ભરી. નવ મહિને સંગીતિ સમાપ્ત થતાં એમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર તથા પ્રસાર કરવા કેટલાક સ્થવિરોને જુદા જુદા દેશોમાં મોકલ્યા : કાશ્મીર અને ગંધારમાં મજ્ઝન્તિકને, મહિષમંડલમાં મહાદેવને, વનવાસીમાં રક્ખિતને, અપરાન્તકમાં યોનધર્મરક્ખિતને, મહારાષ્ટ્રમાં મહાધમ્મરક્ખિતને, યોન દેશમાં મહારક્ખિતને, સુવર્ણભૂમિ-(બ્રહ્મદેશ)માં સોણ અને ઉત્તર અને લંકાદ્વીપમાં મહેન્દ્રાદિ પાંચ સ્થવિરોને.

મોગ્ગલિપુત્રે ચંદ્રગુપ્તના રાજ્યકાલના બીજા વર્ષે દીક્ષા લીધેલી, એમણે અશોકના રાજ્યકાલના છઠ્ઠા વર્ષે મહેન્દ્રને દીક્ષા આપેલી ને એ અશોકના રાજ્યકાલના 26મા વર્ષે 80 વર્ષની વયે નિર્વાણ પામ્યા.

એ પહેલાં 72 વર્ષની વયે મોગ્ગલિપુત્ર તિસ્સે અભિધમ્મપિટકમાં તે ‘કથાવત્થુપ્પકરણ’ લખ્યું હતું, જેમાં કલ્યાણપ્રદ ચિત્તથી કાયકર્મ અને વાકકર્મ કરવાથી જડ શરીર પર થતું પરિણામ કલ્યાણપ્રદ છે કે કેમ એ વિશે પ્રશ્નોત્તરી કરી. અંતે એ કલ્યાણપ્રદ હોવાનું પ્રતિપાદિત કરાયું છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી