મૈસૂર : કર્ણાટક રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 30´થી 12° 18´ ઉ. અ. અને 76° 39´ પૂ. રે.ની આજુબાજુના 6,854 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હસન અને માંડ્યા જિલ્લા, પૂર્વમાં ચામરાજનગર જિલ્લો, દક્ષિણમાં કેરળ રાજ્યની સીમા તથા પશ્ચિમે રાજ્યનો કોડાગુ જિલ્લો આવેલા છે. જિલ્લા મથક મૈસૂર જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ–જંગલો–જળપરિવાહ : આ જિલ્લો ભારતના દ્વીપકલ્પનો દક્ષિણ ભાગ રચે છે. જિલ્લાનું ભૂપૃષ્ઠ મેજ આકારના અસમતળ ઉચ્ચસપાટ પ્રદેશથી બનેલું છે, તેમાં અમુક અમુક અંતરે ગ્રૅનાઇટની છૂટી છૂટી ટેકરીઓ નજરે પડે છે. આ પૈકી પૂર્વ તરફ ચેલન્દુર તાલુકાનું બીલીગિરિરંગન બેટ્ટા (ઊંચાઈ 1,967 મીટર) ટેકરીજૂથ અને કોલેગલ તાલુકાનું મહાદેશ્વર ટેકરીજૂથ વિશેષ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત, દક્ષિણ તરફ ગોપાલસ્વામી ટેકરીઓ, વાયવ્ય તરફ બેટ્ટાડાપુરુ ટેકરીઓ અને મૈસૂરની ચામુંડી ટેકરીઓ પણ મહત્વનાં ભૂપૃષ્ઠલક્ષણો છે. પશ્ચિમ ભાગ પશ્ચિમ ઘાટની ઊંચી પર્વતમાળાથી બનેલો છે. છેક દક્ષિણ અને નૈર્ઋત્યના ભાગોમાં ગાઢ જંગલો આવેલાં છે. તે જિલ્લાની આાશરે 27 % ભૂમિમાં પથરાયેલાં છે. જંગલસંપત્તિના સંદર્ભમાં જોતાં, મૈસૂર જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે આવે છે. કાગળ, દીવાસળીઓ, રેયૉન, સુખડનાં લાકડાં, બાંધકામ-નિર્માણસામગ્રી માટેનો જરૂરી કાચો માલ જંગલોમાંથી મળી રહેતો હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રે સહાયરૂપ બની રહે છે. વરસાદ અને માફકસરની આબોહવા માટે પણ આ જંગલોનું ઘણું મહત્ત્વ છે. અહીંનાં મુખ્ય વૃક્ષોમાં ચંદન, રોઝવુડ, નીલગિરિ અને સાગનો સમાવેશ થાય છે. અહીંનો પહાડી પ્રદેશ સદાહરિત રહે છે. જોકે અમુક ભાગોમાં ક્ષુદ્ર છોડવાઓ પણ છે. જિલ્લાનો જળપરિવાહ પૂર્વ તરફનો છે. કાવેરી અહીંની મુખ્ય નદી છે. આ ઉપરાંત, કબિની, લક્ષ્મણતીર્થ અને સુવર્ણવતી કાવેરીની સહાયક નદીઓ છે. માંડ્યા જિલ્લાની સરહદ પર કાવેરી નદી પરની કૃષ્ણરાજ સાગર જળાશય યોજના, કબિની તથા નુગુ નદીયોજનાઓ પરનાં જળાશયો નહેર સિંચાઈ માટે મહત્ત્વનાં છે. વળી અહીં શિવસમુદ્રમ્ જળધોધ પણ આવેલો છે.
ખેતી–પશુપાલન : જિલ્લાના કુલ ભૂમિવિસ્તાર પૈકીની આશરે 39 % જમીન વાવેતર હેઠળ છે, તે પૈકીની 18 % જમીનને સિંચાઈ ઉપલબ્ધ છે. સિંચાઈ મુખ્યત્વે નહેરો, કૂવાઓ અને તળાવોમાંથી મળી રહે છે. 27 % ભૂમિ પર જંગલો છે, બાકી 34 % જમીન પડતર છે. 17 % જમીનમાં વર્ષમાં એક વાર વાવેતર થાય છે, બાકીની જમીનના અમુક ભાગોમાં વર્ષમાં બે વાર વાવેતર થાય છે. ડાંગર, જુવાર, રાગી અને મગફળી અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીંની માફકસરની આબોહવા બાગાયતી પાકો માટે ખૂબ અનુકૂળ આવે છે; કેરી, કેળાં, પપૈયાં, જામફળ તેમજ ખાટાં ફળો તથા બધા જ પ્રકારની શાકભાજીનું ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત, અહીં નાળિયેરી, સોપારી અને મરચાં જેવા આર્થિક લાભ આપતા પાક પણ થાય છે. નીલગિરિ ટેકરીઓના ઢોળાવો પર કૉફી અને એલચી ઉગાડવામાં આવે છે. વળી દ્રાક્ષ અને બટાટાનું પણ વાવેતર શરૂ કરવામાં આવેલું છે. ખેડૂતો બળદો, ગાયો અને ભેંસો રાખે છે. બળદોનું ખેતી અને ભારવહન માટે તથા ગાય-ભેંસોનું દૂધ માટે પાલન કરવામાં આવે છે. જિલ્લાના 11 તાલુકાઓમાં આશરે 90 પશુદવાખાનાં, 13 કૃત્રિમ ગર્ભાધાનકેન્દ્રો-ઉપકેન્દ્રો અને 115 મરઘાંઉછેર-કેન્દ્રો વિકસાવાયાં છે. અહીં દૂધ અને ઈંડાંનું ઉત્પાદન મોટા પાયા પર લેવાય છે. 1964માં અહીં મૈસૂર ડેરીની સ્થાપના કરવામાં આવેલી છે અને 1972માં તેનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના જુદા જુદા ભાગોમાં દૂધનાં શીતાગાર-મથકો સ્થાપ્યાં છે. આ જિલ્લાને દરિયાકિનારો ન હોવાથી મત્સ્યઉછેર નદીઓ અને જળાશયોમાં કરવામાં આવે છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લો કર્ણાટક રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે પછાત છે. અહીં વીજ કે ડીઝલ આધારિત ઊર્જામથકો પણ નથી. ગાર્નેટ, ઍસ્બેસ્ટૉસ, કોરંડમ, ગ્રૅફાઇટ, કંકર, ક્રોમાઇટ, સોપસ્ટોન, મૃદક્ષારો, મૃદસોડા અને ચિનાઈ માટી જેવાં ખનિજો મળતાં હોવા છતાં આર્થિક ર્દષ્ટિએ લાભકારક ન હોવાથી મોટા પાયા પર તેમનું ખનનકાર્ય થતું નથી. જિલ્લાના જુદા જુદા ભાગોમાં નાના પાયા પરના, મધ્યમ અને મોટા પાયા પરના ઉદ્યોગો કાર્યરત છે, તે પૈકીના મોટા ભાગના મૈસૂર ખાતે આવેલા છે. મુખ્ય ઉદ્યોગો ઇજનેરી, રસાયણો અને કાપડ-ઉત્પાદન અંગેના છે. જિલ્લામાં મોટી ઔદ્યોગિક વસાહતો પણ છે. તે પૈકી સરકારને હસ્તક સુખડના તેલનું કારખાનું, રેશમ-વણાટનું કારખાનું, લાખ અને રંગનું કારખાનું મુખ્ય છે; જ્યારે ખાનગી ક્ષેત્ર હેઠળ શ્રી કૃષ્ણરાજેન્દ્ર મિલ્સ, સાઉથ ઇન્ડિયા પેપર મિલ્સ, ગજાનન રાઇસ ઍન્ડ ઑઇલ મિલ્સ, મૈસૂર ચીપ બૉર્ડ્ઝ, સુનંદા ઍરોમતી ઇન્ડસ્ટ્રિઝ, સુજાતા ટેક્સટાઇલ્સ, હંસુર પ્લાયવુડ વર્ક્સ અને આઇડિયલ જાવા લિ. વગેરેનો સમાવેશ થાય છે.
બન્નારી અમ્માન શુગર્સ લિ., ભોરુકા ઍલ્યુમિનિયમ લિ., કાર્બોસિરૅમિક્સ લિ., કમ્બાઇન્ડ ઇન્ડસ્ટ્રિયલ્સ લિ., કાવેરી પેપર્સ લિ., ફાલ્કન ટાયર્સ લિ., ગૅબ્રિયલ ઇંડિયા લિ., જીપ ઇન્ડસ્ટ્રિયલ સિન્ડિકેટ લિ., કરીમ સિલ્ક ઇન્ટરનેશનલ લિ., ત્રિવેણી એન્જિનિયરિંગ વર્ક્સ લિ. અને વિક્રાન્ત ટાયર્સ લિ. અહીંના મુખ્ય ઉદ્યોગો છે.
આ જિલ્લો કર્ણાટક અને કેરળ સરહદ પર હોવાથી વેપાર-વાણિજ્યક્ષેત્રે મોકાનું સ્થાન ધરાવે છે. અહીંનાં મોટાભાગનાં તાલુકામથકો તેમજ નગરપાલિકાધારક નગરો બૅંકોની સુવિધાવાળાં હોવાથી વેપાર-વાણિજ્યક્ષેત્રે વિકાસ પામ્યાં છે. દરેક તાલુકામાં ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે હેતુથી ખેતીવાડી ઉત્પાદક મંડળીઓ અને તેનાં બજાર વિકસાવાયાં છે. વન્ય પેદાશોનું બજાર પણ મળી રહે છે. વેપારક્ષેત્રે આ જિલ્લો રાજ્યમાં સમૃદ્ધ ગણાય છે.
પરિવહન : જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી સારી રીતે વિકસેલી જોવા મળે છે, તે બધા આજુબાજુના જિલ્લાઓ અને રાજ્યો સાથે સંકળાયેલા હોવાથી રાજ્યભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સડકમાર્ગોની કુલ લંબાઈ 8,855 કિમી. જેટલી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગો અહીંથી પસાર થતા નથી, પરંતુ 581 કિમી. લંબાઈના ચાર રાજ્ય-ધોરી માર્ગો છે. વન્ય પેદાશો મળતી હોવાથી લાકડાંની હેરફેર માટેના માર્ગો પણ વિકસાવવામાં આવેલા છે. જિલ્લામાં 121 કિમી. લંબાઈના મીટરગેજ રેલમાર્ગો પણ છે; પરંતુ રેલ દ્વારા થતી માલની હેરફેર માટે પૂરતી સગવડો ઉપલબ્ધ ન હોવાથી જિલ્લાના અંતરિયાળ ભાગોમાં રેલવિકાસ થઈ શકેલ નથી.
પ્રવાસન (જિલ્લો–શહેર) : મૈસૂર, હંસુર, ગુંડલુપેટ, નંજનગડ, પિરિયાપટનાં તિરુમકુદલ-નરસીપુર અને યેલંદર અહીંનાં જોવાલાયક સ્થળો છે. દક્ષિણની નીલગિરિ ટેકરીઓનાં સ્મરણીય ર્દશ્યો જોઈ શકાય એટલી ઊંચાઈ પર નંદીના સ્મારક સાથેનું ચામુંડી ટેકરી પરનું તીર્થધામ (1064) જોવાલાયક છે. કાવેરી નદી પર મૈસૂરથી વાયવ્યમાં 19 કિમી. અંતરે બંધ બાંધેલો છે. બંધની પાછળ કૃષ્ણરાજસાગર નામનું વિશાળ જળાશય છે. બંધની નીચે સોપાનશ્રેણીઓ ધરાવતો વૃન્દાવન બાગ છે. બાગમાં ગોઠવેલા સંગીતમય ફુવારા તથા તેની સાથે વિવિધરંગી રોશની અને જળપ્રપાત માણવા પ્રવાસીઓ ઊમટી પડે છે. આ ઉપરાંત હોયસળ વંશના રાજવીએ 1268માં બંધાવેલું સોમનાથપુર ખાતેનું મંદિર, બાંદીપુર અભયારણ્ય, વેણુગોપાલ વન્યપ્રાણી પાર્ક (1941), તેમાંનાં ગૌર અને ટપકાંવાળાં હરણ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનાં લક્ષ્યો છે. મૈસૂરના વાઘ તરીકે જાણીતા બનેલા ટિપુ સુલતાનનો મકબરો પણ મૈસૂરમાં જ છે.
વાર-તહેવારે જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોમાં મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે. મૈસૂરનો દશેરાનો ઉત્સવ તેમજ મહાદેશ્વર ટેકરીઓનો મેળો હજારો પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો માટે આકર્ષણરૂપ બની રહેલો છે. જે વર્ષના કાર્તિક માસમાં પાંચ સોમવાર આવતા હોય તે વર્ષે અહીંના તિરુમકુદલ-નરસીપુર ખાતે ‘પંચલિંગ દર્શન’નો લાભ લેવા અનેક લોકો ઊમટી પડે છે.
આ જિલ્લામાં વન્યજીવન અભયારણ્યો પણ આવેલાં છે. (i) અરબીથિટુ ગેઇમ રિઝર્વ : મૈસૂર અને હંસુર વચ્ચે આવેલું, 13.5 ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લેતું આ અભયારણ્ય વિલુપ્ત થવાની અણી પરનાં કાળિયારને રક્ષણ પૂરું પાડે છે. (ii) નુગુ વાઇલ્ડ લાઇફ સેંક્ચુરી : હાથીદાંત મેળવવા મારી નંખાતા હાથીઓને રક્ષણ પૂરું પાડવા આ અભયારણ્ય વિકસાવાયું છે. (iii) વન્યજીવન અભયારણ્ય : પર્ણપાતી તથા સદાહરિત જંગલપટ્ટામાં ગૌર (bison), હાથી, વાઘ અને દીપડાઓના રક્ષણ માટે તે ઊભું કરવામાં આવેલું છે. (iv) બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન : રાજ્યનો આ જૂનામાં જૂનો ઉદ્યાન ગણાય છે. તેને મુખ્યત્વે હાથી અને ચીતળના રક્ષણ માટે ‘રક્ષિત વ્યાઘ્ર’ વિસ્તાર તરીકે જાહેર કરેલો છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 29,94,744 જેટલી છે; તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સમાન છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 70 % અને 30 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને બૌદ્ધોનું પ્રમાણ વિશેષ છે. શીખ, જૈન વગેરે ઓછા છે. જિલ્લામાં કન્નડ, હિન્દી, મલયાળમ, મરાઠી, તમિળ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં શિક્ષિતોનું પ્રમાણ 40 % જેટલું છે. જિલ્લાનાં બધાં જ નગરોમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની સગવડ છે. વસ્તીવાળાં 1,649 (82 %) ગામડાંઓમાં પ્રત્યેકમાં ઓછામાં ઓછી એક પ્રાથમિક શાળા છે. જિલ્લામથક મૈસૂર ખાતે ઇજનેરી કૉલેજો, મેડિકલ કૉલેજો, પૉલિટેકનિક કૉલેજો, જુનિયર કક્ષાની અને સ્નાતક કક્ષાની કૉલેજો આવેલી છે. 1996 મુજબ જિલ્લામાં જુદી જુદી વિદ્યાશાખાઓની મળીને 58 જેટલી ઉચ્ચશિક્ષણ-સંસ્થાઓ છે. જિલ્લામથકે, તાલુકામથકોએ તથા અન્ય કેટલાંક નગરોમાં તબીબી સેવાની સગવડો સારી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 11 તાલુકાઓમાં વહેંચેલો છે. જિલ્લામાં 18 નગરો અને 1,844 (195 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : ઈ. સ. 1399માં વિજયનગર રાજ્યના એક સામંતે મૈસૂર રાજ્યની સ્થાપના કરી હતી. 1617માં રાજા વાડિયારે કાવેરી નદીના કાંઠે શ્રીરંગપટ્ટમમાં તેની રાજધાની સ્થાપી. તેના કાર્યક્ષમ વહીવટને લીધે રાજ્યની સમૃદ્ધિ વધી તથા કલા અને સાહિત્યનો વિકાસ થયો. ત્યારબાદ રાજા ચિક્કદેવરાજ વાડિયારે બૅંગાલુરુ કબજે કર્યું અને રાજ્યની આર્થિક સ્થિતિ સુધારી. હૈદરઅલીએ 1757માં મૈસૂર રાજ્ય જીતી લીધું. હૈદર અને ટિપુ સુલતાને રાજ્યવિસ્તાર કર્યો. તે બંનેએ હૈદરાબાદના નિઝામ, મરાઠા તથા અંગ્રેજોનો સામનો કરવો પડ્યો. અંગ્રેજો સામેની લડાઈમાં 1799માં ટિપુ સુલતાન માર્યો ગયો અને અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય કબજે કર્યું. અંગ્રેજોએ સગીર રાજા કૃષ્ણ વાડિયાર ત્રીજાને ગાદીએ બેસાડી 1811માં તેને વહીવટ સોંપ્યો. તેની અવ્યવસ્થા, નાણાકીય તંગી તથા પ્રજાકીય બળવાનાં બહાનાં હેઠળ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિન્કે 1831માં રાજ્યનો વહીવટ સંભાળી લીધો અને વહીવટી તંત્રમાં સુધારા કર્યા. ઈ. સ. 1881માં બ્રિટિશ સરકારે મહારાજા ચામરાજેન્દ્ર વાડિયારને રાજ્યનો વહીવટ સોંપ્યો. તેમના પછી સર કૃષ્ણરાજ વાડિયારે નોંધપાત્ર વહીવટ કરી રાજ્યની પ્રગતિ કરી. દેશમાં સારો વહીવટ કરનાર રાજ્ય તરીકે મૈસૂરે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. સર કે. શેષાદ્રિ આયર, સર એમ. વિશ્વેશ્વરૈયા અને સર મીરઝા ઇસ્માઇલ જેવા નામાંકિત મહાનુભાવોએ રાજ્યમાં ઉત્તમ વહીવટ કર્યો હતો. ભારત સ્વતંત્ર થયા બાદ આ રાજ્યનું વિલીનીકરણ થયું.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ