મૈસૂર (શહેર) : કર્ણાટક રાજ્યમાં આવેલું ધાર્મિક અને ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતું શહેર. મૈસૂર જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 12° 18´ ઉ. અ. અને 76° 39´ પૂ. રે. પર રાજ્યના દક્ષિણ ભાગમાં (જિલ્લાના ઉત્તર ભાગમાં) આવેલું છે. રાજ્યના પાટનગર બૅંગાલુરુથી નૈર્ઋત્યમાં 130 કિમી. અંતરે ચામુંડી હિલના વાયવ્ય તળેટી ભાગમાં તે વસેલું છે. આઝાદી પૂર્વે મૈસૂરના દેશી રાજ્યની રાજધાનીનું મથક હતું અને મૈસૂરના મહારાજાઓ માટેનું નિવાસસ્થળ ગણાતું હતું.

મૈસૂર શહેર કાવેરી અને કબિની નદીઓની બરાબર મધ્યમાં સમુદ્રસપાટીથી 770 મીટરની ઊંચાઈ પર આવેલું છે. શહેરની આજુબાજુનો ભૂમિવિસ્તાર છીછરા ખાડી સ્વરૂપનો હોવાથી વરસાદની ઋતુ દરમિયાન પાણીથી ભરાયેલો રહે છે.

મહાભારતમાં મળતા ઉલ્લેખ મુજબ આ સ્થળ પ્રાચીન કાળમાં મહિષ્મતી નામથી ઓળખાતું નગર હતું. ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં મૌર્ય રાજ્યકાળમાં તે પુરીગિરિ(Purigere) તરીકે જાણીતું હતું. પછી તે મહિષપુર બનેલું. 1799–1831 દરમિયાન તે મૈસૂર પ્રદેશની રાજધાનીનું વહીવટી મથક રહેલું. તે વખતે તે રાજ્યભરમાં બૅંગાલુરુ પછીના બીજા ક્રમે આવતું મોટામાં મોટું નગર ગણાતું હતું.

મૈસૂરનો સિટી પૅલેસ

શહેરના મધ્યભાગમાં 18મી સદીમાં યુરોપિયન સ્થાપત્યશૈલી મુજબ જીર્ણોદ્ધાર કરીને ફરી બાંધેલો એક પ્રાચીન કિલ્લો આવેલો છે. આ કિલ્લામાં મહારાજાઓનું અધિકૃત નિવાસસ્થાન ગણાતો વિશાળ મહેલ (1897) છે. આ મહેલમાં મુઘલ શહેનશાહ ઔરંગઝેબે ભેટ આપેલું હાથીદાંતમઢ્યું સુવર્ણનું મૂલ્યવાન સિંહાસન છે. આ ઉપરાંત તેમાં ઘણાં મંદિરો, કર્ઝન પાર્ક. સિલ્વર જ્યૂબિલી ક્લૉક ટાવર (1927), ગાંધી ચોક અને મહારાજાઓનાં બે બાવલાં પણ છે. આ મહેલની પશ્ચિમે જગનમોહન નામનો બીજો પણ એક મહેલ છે, જેમાં હવે કલાદીર્ધા (art gallery) ગોઠવવામાં આવેલી છે. શહેરમાં પણ યુરોપિયન સ્થાપત્ય-શૈલીની ઘણી ઇમારતો આવેલી છે. અહીં પશ્ચિમ તરફ ગૉર્ડન પાર્ક નજીક 1805ના અરસાનો બ્રિટિશ આવાસ, ખ્યાતનામ ઑરિયેન્ટલ લાઇબ્રેરી, યુનિવર્સિટીની ઇમારતો, જાહેર કાર્યાલયો, લલિતા મહેલ તેમજ અન્ય ઘણી જાણીતી ઇમારતો છે. 1916માં સ્થપાયેલી મૈસૂર યુનિવર્સિટી તેમજ તેને સંલગ્ન ઘણી કૉલેજો પણ આ શહેરમાં આવેલી છે. કન્નડ સંસ્કૃતિના વિકાસ માટેની ઘણી સંસ્થાઓ પણ અહીં આવેલી છે.

હોયસળ વંશના રાજ્યકાળ દરમિયાન અહીં પૂર્વ તરફ સોમનાથપુરમમાં 1268નું એક મંદિર છે. વેણુગોપાલ વન્યજીવન ઉદ્યાનના એક ભાગરૂપ 754 ચોકિમી. વિસ્તાર ધરાવતું બાંદીપુર અભયારણ્ય આવેલું છે. મૈસૂરથી ત્યાં જઈ શકાય છે, ત્યાં ગૌર (bison) અને ટપકીવાળાં હરણનાં ટોળાં વિચરતાં જોવા મળે છે. અહીં જોવા-ફરવા માટે માર્ગોની સુંદર ગૂંથણી કરેલી છે. વળી અહીંથી નજીકમાં જ તામિલનાડુનું ‘મુદુમલાઈ વન્યજીવન અભયારણ્ય’ પણ આવેલું છે.

વેપાર-વાણિજ્યના મથક તરીકે મૈસૂરનું સ્થાન અગત્યનું છે. સુતરાઉ-રેશમી કાપડનો ઉદ્યોગ, ચોખા અને તેલની મિલો, સુખડના તેલનાં કારખાનાં, રાસાયણિક કારખાનાં તેમજ ચર્મઉદ્યોગ માટે તે મહત્વનું છે. અહીં સેન્ટ્રલ ફૂડ ટૅકનૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેમજ સંખ્યાબંધ ઔદ્યોગિક વસાહતો પણ છે. શહેરના બેલાગુલા પરામાં ક્રોમિયમના રંજકો (dyes) અને રાસાયણિક ખાતરોનું ઉત્પાદન થાય છે. મૈસૂર શહેરના ઉદ્યોગોને પૂર્વ તરફ આવેલા શિવસમુદ્રમ્ ટાપુ નજીકના જળવિદ્યુતમથક દ્વારા વીજઊર્જા મળે છે. અહીં ગૃહઉદ્યોગોમાં કાપડ-વણાટનો, તમાકુ અને કૉફીના પ્રક્રમણનો, તેમજ સિગારેટના ઉત્પાદનનો સમાવેશ થાય છે. મૈસૂર તેના સુખડ અને સુખડનાં તેલ અને સાબુ માટે તેમજ ધાતુ, કાષ્ઠ અને હાથીદાંત પરના કલાત્મક કોતરકામ માટે ભારતભરમાં પ્રખ્યાત છે. અહીંના રેલમથક નજીક ખેતપેદાશોનો કોઠાર બનાવવામાં આવેલો છે. મૈસૂર ખાતે રેલવેજંકશન નજીક ભારતના અન્ય ભાગોમાં અવરજવર કરવા માટે હવાઈ મથકની સુવિધા પણ છે. શહેરની વસ્તી : 8,87,446 (2011).

ગિરીશભાઈ પંડ્યા