રાય, અન્નદાશંકર (જ. 1904, ધેનકૅનાલ, ઓરિસા) : બંગાળી અને ઊડિયા ભાષાના લેખક. કટકની રેવનશો કૉલેજમાંથી ઑનર્સ સાથે અંગ્રેજીમાં બી.એ. થયા. એમ.એ.ના અભ્યાસ દરમિયાન 1927માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં તમામ ભારતીય વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમ મેળવી પાસ થયા. 1951માં પૂરો સમય સાહિત્યસેવામાં ગાળવા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. રાજકીય વિચારસરણી પૂરતા તેઓ ગાંધીવાદી હતા, જ્યારે સાહિત્યક્ષેત્રે તેમના પર રવીન્દ્રનાથનાં પ્રેરણા, પ્રભાવ હતાં.
નાનપણમાં પોતાનાં માતાપિતા દ્વારા તેમણે જયદેવ તથા વિદ્યાપતિનાં વૈષ્ણવ-ભજનોનો પરિચય-આસ્વાદ માણ્યો હતો. પછીની કારકિર્દી દરમિયાન તેમના પર દૉસ્તૉયેવસ્કી, ટૉલ્સ્ટૉય તથા ચેખૉવ જેવા રશિયન લેખકોની અસર પડી હતી. તેઓ નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, પ્રવાસકથાલેખક, કવિ અને બાલગીતકાર તરીકે ઉત્તરોત્તર વિકાસ કરતા રહ્યા. તેમના પ્રથમ પ્રકાશન ‘તારુણ્ય’(1928)થી તેમણે નિબંધકાર તરીકે સંગીન આરંભ કર્યો. પ્રારંભમાં તેઓ બંગાળી તથા ઊડિયા એ બંને ભાષામાં લખતા હતા. 1930માં સામયિકમાં પ્રકાશિત થયેલ ‘અસમપિકા’ તથા ‘અગુ નિયે ખેલ’ (1930) એ તેમની પ્રથમ નવલકથાઓ; જ્યારે 33 કાવ્યોનો સંગ્રહ ‘રાખી’ એક વર્ષ અગાઉ 1929માં પ્રગટ થયો હતો. ‘વસંત’ (1932), ‘કાલેર શાસન’ (1933), ‘કમાન પંચવિંશતિ’ (1934) તથા ‘નૂતન રાધા’ (1943) એ તેમના અન્ય કાવ્યસંગ્રહો છે.
1931માં ‘પથપ્રવાસી’ નામે યુરોપને લગતી બુદ્ધિચાતુર્યભરી પ્રવાસ-ડાયરીના પ્રકાશનથી તેમની કારકિર્દીમાં મહત્ત્વનો વિકાસ-વળાંક આવ્યો. 1927-29 દરમિયાન તે ‘વિચિત્ર’ સામયિકમાં હપતાવાર છપાઈ હતી. ‘યુરોપેર ચિઠ્ઠી’ (1943) નામક બીજી પ્રવાસડાયરી બાળકો માટે છે. ‘દેશ’ સાપ્તાહિકમાં હપતાવાર છપાયેલ (1958) જાપાન વિશેની પ્રવાસડાયરી ‘જાપાને’ને 1965માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
નિબંધકાર તરીકે તેમનામાં નાગરી અને સભ્ય મિજાજનો આવિષ્કાર જોવાય છે. તેમની શૈલીમાં રવીન્દ્રનાથ તથા પ્રમથ ચૌધરી – એમ બે પ્રકારના ગદ્યની લાક્ષણિકતાઓનો સુમેળ છે. તેમના સુખ્યાત નિબંધસંગ્રહોમાં ‘અમરા’ (1937), ‘જીવનશિલ્પી’ (1941), ‘ઇશારા’ (1943), ‘બિનુર બૈ’ (1944), ‘જિયનકથી’ (1949), ‘દેશકાલ-પત્ર’ (1949), ‘પ્રત્યય’ (1951), ‘નૂતન કરે બંચા’ (1953), ‘આધુનિકતા’ (1953) અને ‘દેખાશોના’(1989)નો સમાવેશ થાય છે. 1973માં ‘અમૃતા’ સાપ્તાહિકમાં હપતાવાર પ્રગટ થયેલ ‘બાંગ્લાર રેનેસાં’ પણ એક મહત્ત્વની રચના છે.
કથાસાહિત્યમાં મહાકાવ્યનું સ્વરૂપ અને બૌદ્ધિકતાનો સૂર ધરાવતી 6 ગ્રંથની નવલકથા ‘સત્યાસત્ય’ ખૂબ જાણીતી દળદાર કૃતિ છે. બીજી મહાનવલ તે ‘રત્ન ઓ શ્રીમતી’. તેનો પ્રથમ ભાગ 1957માં ‘દેશ’માં હપતાવાર છપાયો હતો, જ્યારે ત્રીજો ભાગ લાંબા સમયગાળા પછી 1971માં એ જ સામયિકમાં છપાયો હતો. એક અતિ મહત્ત્વની મહાનવલ તે ‘ક્રાંતદર્શી’ 4 ગ્રંથમાં છે. ‘વિચારસરણીની નવલકથા’ તરીકે ઓળખાવાયેલી આ રચનામાં સાંપ્રત ઘટનાઓ રૂપે બીજા વિશ્વયુદ્ધ તથા ગાંધીજીની હત્યા જેવા વિષયોની હૃદયસ્પર્શી છણાવટ છે.
ટૂંકી વાર્તાઓમાં તેઓ કુશળ કસબી નીવડ્યા છે. નાટ્યલેખક થવાની તેમણે ગંભીર કોશિશ કરી નથી; પણ બે-ત્રણ નાટકો પરથી તેમની એ શૈલીની ઝાંખી થાય છે. બાલગીતો, જોડકણાં તથા હાસ્યોત્પાદક અન્-અર્થ રચનાઓના તેઓ બહુ લોકપ્રિય લેખક હતા.
1980માં પશ્ચિમ બંગાળની સરકાર તરફથી તેમને વિદ્યાસાગર સ્મૃતિ ઍવૉર્ડ અપાયો હતો અને 1989માં તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ફેલો નીમવામાં આવ્યા હતા.
મહેશ ચોકસી