રામ્સે, વિલિયમ (સર) (જ. 2 ઑક્ટોબર 1852, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 23 જુલાઈ 1916, હાઇ વાઇકોમ્બે, બકિંગહૅમશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ. ઇજનેરના પુત્ર. તેમને ધર્મશાસ્ત્રી (theologist) બનાવવાના હોવાથી તેમને પ્રણાલિકાગત અભ્યાસ કરવો પડેલો. પણ તેમની એકમાત્ર ઇચ્છા રસાયણશાસ્ત્રમાં કારકિર્દી બનાવવાની હોવાથી ગ્લાસગો યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરી. 1869-71 દરમિયાન તેમણે હાઇડલબર્ગ યુનિવર્સિટીમાં જર્મન રસાયણવિદ રૉબર્ટ બુન્સેનના હાથ નીચે અભ્યાસ કર્યો. 1872માં તેમણે ટોલ્યુઇક અને નાઇટ્રોટોલ્યુઇક ઍસિડો પર સંશોધન કરી યુનિવર્સિટી ઑવ્ ટુબિન્જનની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. થોડો સમય ઍન્ડરસન કૉલેજ, ગ્લાસગોમાં સહાયક તરીકે કામ કર્યા પછી 1874માં તેમને ગ્લાસગો યુનિવર્સિટીમાં બોલાવવામાં આવ્યા. 1880-87 દરમિયાન તેઓ યુનિવર્સિટી ઑવ્ બ્રિસ્ટલ(ઇંગ્લૅન્ડ)માં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક રહ્યા. તેઓ પ્રિન્સિપાલ પણ થયા હતા. છેલ્લે 1887માં તેઓ યુનિવર્સિટી ઑવ્ લંડનમાં આવ્યા અને 1913માં નિવૃત્ત થયા ત્યાં સુધી ત્યાં રહ્યા.
શરૂઆતનું તેમનું કાર્ય કાર્બનિક રસાયણના ક્ષેત્રમાં આલ્કેલૉઇડ તરીકે ઓળખાતાં સંયોજનોની દેહધાર્મિક (physiological) અસરો અંગેનું હતું. આ અભ્યાસ દરમિયાન તેમણે આલ્કેલૉઇડનો પિરિડીન (રાસાયણિક સંરચનાની દૃષ્ટિએ બેન્ઝિનને મળતું આવતું નાઇટ્રોજન ધરાવતું વિષમચક્રીય સંયોજન) સાથેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. 1880ના ગાળામાં બ્રિસ્ટલમાં હતા ત્યારે તેમને અકાર્બનિક અને ભૌતિક રસાયણમાં રસ પડ્યો અને કેટલાક પ્રવાહીઓનાં કદ, વાયુઓની ઘનતા અને ઉત્કલનબિંદુ અંગે અન્વેષણ કર્યું.
1892માં બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી લૉર્ડ રેલેએ રાસાયણિક સંયોજનોમાંથી મળતા અને હવામાં રહેલા નાઇટ્રોજનના પરમાણુભારના તફાવતને સમજાવવા જણાવ્યું. રામસેએ આગાહી કરી કે વાતાવરણમાંથી મળતો સહેજ (0.5 %) ભારે નાઇટ્રોજન અત્યાર સુધી નહિ શોધાયેલા કોઈ અજ્ઞાત ભારે વાયુને લીધે સતત સંદૂષિત થયેલો હોવો જોઈએ. રામ્સે અને રેલેએ સૂકી હવાના નમૂનામાં તણખા ઉત્પન્ન કરી તેમાંનો ઑક્સિજન દૂર કર્યો અને પછી બાકી રહેલા નાઇટ્રોજનને ગરમ મૅગ્નેશિયમ ઉપરથી વારંવાર પસાર કર્યો, જેથી મોટા ભાગનો વાયુ ધીરે ધીરે શોષાતો ગયો.
3 Mg + N2 → Mg3N2
અંતે એક ભારે (denser), એક પારમાણ્વિક વાયુ બાકી રહ્યો. 1894માં તેમણે આની જાહેરાત કરી. આ એક નવું તત્ત્વ હતું, જે રાસાયણિક રીતે નિષ્ક્રિય હતું. આ તત્ત્વોને પાછળથી આર્ગન નામ આપવામાં આવ્યું. હવામાં તે 1 % કરતાં ઓછું હોય છે. આ શોધને લીધે રામ્સેને 1904ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો, જ્યારે રેલેને તે વર્ષનો ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
1895માં કિલવાઇટ ખનિજમાંથી હિલિયમ વાયુ મેળવ્યો અને 1903માં નિરૂપણ કર્યું કે નિષ્ક્રિય વાયુઓ પૈકીનો આ સૌથી હલકો વાયુ રેડિયમના વિકિરણધર્મી (radioactive) ક્ષયને કારણે સતત ઉત્પન્ન થાય છે. નાભિકીય પ્રક્રિયાઓની આધુનિક સમજ માટે આ એક મહત્ત્વની શોધ હતી. (આ અગાઉ સર જૉસેફ નૉર્મન લૉકયર અને સર એડ્વર્ડ ફ્રૅન્કલૅન્ડે સ્પેક્ટ્રોસ્કોપ વડે તેની પરખ કરી હતી.) આવર્તક કોષ્ટકમાં હિલિયમ અને આર્ગનનાં સ્થાનોએ દર્શાવ્યું કે અન્ય ત્રણ નિષ્ક્રિય વાયુઓ પણ અસ્તિત્વમાં હોવા જોઈએ. 1898માં જર્મન કેમિકલ સોસાયટી સમક્ષ એક પ્રવચનમાં રામ્સેએ બ્રિટિશ રસાયણવિદ મૉરિસ ડબ્લ્યૂ. ટ્રેવર્સ સાથે નીચા તાપમાને અને ઊંચા દબાણે મેળવેલી પ્રવાહી હવામાંથી આ ત્રણ વાયુઓ અલગ પાડ્યા હોવાની જાહેરાત કરી. આ નવા વાયુઓને નિયૉન, ક્રિપ્ટૉન અને ઝૅનૉન નામ આપવામાં આવ્યાં. રામ્સેએ સૂચવ્યું કે આવર્તક કોષ્ટકમાં આ શૂન્ય સંયોજકતાવાળાં તત્ત્વો એક નવો સમૂહ બનાવે છે.
1903માં રામ્સેએ શોધ્યું કે આ બધાં તત્ત્વો વિકિરણધર્મી ખનિજોમાં હાજર હોય છે. 1905માં તેમણે રેડિયોથૉરિયમ નામનું એક નવું તત્ત્વ શોધ્યું. 1910માં તેમણે રેડિયમના થોડા જથ્થામાંથી 0.00005 ઘસેમી. જેટલો નિટૉન (હાલ રેડૉન) એકઠો કર્યો. અજોડ એવી પ્રાયોગિક કુશળતા વાપરી રામ્સે અને આર. ડબ્લ્યૂ. ગ્રેએ આ અત્યંત નાના નમૂનાની ઘનતા, પરમાણુભાર અને અન્ય ભૌતિક ગુણધર્મો નક્કી કર્યા. આવર્તક કોષ્ટકમાંના એક સંપૂર્ણ સમૂહનાં તત્ત્વો શોધ્યાં હોય તેવા આ એક જ વિજ્ઞાની છે.
એક કુશળ વૈજ્ઞાનિક હોવા ઉપરાંત રામ્સે એક સારા સંગીતકાર, નિસર્ગદૃદૃશ્યો(landscape)ના ચિત્રકાર અને નીવડેલા ભાષાશાસ્ત્રી હતા. તેઓ એક સરસ વક્તા અને ઉત્સાહી પ્રવાસી પણ હતા. 1900માં તેમણે તાતા કુટુંબ દ્વારા સ્થપાનાર વૈજ્ઞાનિક સંશોધનની શાળા ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ’ના સ્થળની પસંદગી અને વિકાસમાં મદદ કરી હતી.
1888માં તેઓ રૉયલ સોસાયટીના ફેલો ચૂંટાયા હતા, જ્યારે 1902માં તેમને ‘સર’(knight)નો ખિતાબ મળ્યો હતો. અનેક વૈજ્ઞાનિક સોસાયટીના તેઓ પ્રમુખ હતા. તેમનાં લખાણોમાં નીચેનાં ઉલ્લેખનીય છે : (i) એ સિસ્ટિમ ઑવ્ ઇનૉર્ગેનિક કેમિસ્ટ્રી (1891), (ii) ધ ગૅસિઝ ઑવ્ ધી એટમૉસ્ફિયર (1896), (iii) મૉડર્ન કેમિસ્ટ્રી (2 ખંડ) (1900), (iv) ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઑવ્ ફિઝિકલ કેમિસ્ટ્રી (1904) અને (v) એલિમેન્ટ્સ ઍન્ડ ઇલેક્ટ્રૉન્સ (1913).
જ. પો. ત્રિવેદી