મેંદી : દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી (મદયન્તિકા) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lawsonia inermis Linn. syn. L. alba Lam. (સં. મદયન્તિકા, મેદિકા, રંજકા, યવનેષ્ટા; હિં., બં. મેંદી, હિના; મ. ઈસબંધ; તે. ગોરંટમ્; ફા. હિના; ક. મદરંગી; અં. હેના) છે.
બાહ્ય લક્ષણો : તે અરોમિલ (glabrous), 3થી 4 મી. ઊંચો, કોઈ વાર 6.0 મી. જેટલો ઊંચો બહુશાખિત ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને ભૂખરી-બદામી છાલ ધરાવે છે. શાખાઓનો છેડો તીક્ષ્ણ કંટકમાં રૂપાંતર પામેલો હોય છે. પર્ણો સાદાં, સંમુખ, 1.9–3.75 સેમી. લાંબા ઉપાદંડી (subsessile), ઉપવલયાકાર (elliptic) કે પહોળાં ભાલાકાર (lanceolate), અખંડિત, લંબાગ્ર (acuminate) કે કુંઠાગ્ર (obtuse), ઘણી વાર તીક્ષ્ણાગ્ર (mucronulate) અને જરા દળદાર હોય છે. પુષ્પનિર્માણ ઑક્ટોબરનવેમ્બરમાં થાય છે. પુષ્પો અસંખ્ય, નાનાં, સફેદ કે ગુલાબી રંગનાં, સુગંધિત અને મોટા અગ્રસ્થ પિરામિડીય લઘુપુષ્પગુચ્છ (panicled) – સ્વરૂપે પરિમિત (cyme) રીતે ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, ગોળાકાર અને લગભગ વટાણાના કદનું હોય છે. બીજ નાનાં, પિરામિડ આકારનાં અને અસંખ્ય હોય છે.
વિતરણ : મેંદી ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણ-સમશીતોષ્ણ પ્રદેશોમાં વાડ તરીકે ઉગાડવામાં આવે છે. પર્ણોમાંથી રંગ મેળવવા માટે ભારત, ઇજિપ્ત અને સુદાનમાં મોટા પાયા પર અને ઈરાન, માડાગાસ્કર, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયામાં કેટલાક પ્રમાણમાં વાવવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે પંજાબ અને ગુજરાતમાં અને થોડા પ્રમાણમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઉગાડવામાં આવે છે.
ભૂમિ અને કૃષિ : તે હલકી ગોરાડુ(loam)થી માંડી માટીવાળી ગોરાડુ (clayey loam) ભૂમિમાં થાય છે; છતાં ભેજ જાળવી શકતી ભારે ભૂમિમાં સૌથી સારી રીતે વિકાસ પામે છે. તે ભૂમિની અલ્પ અલ્કલીયતા (alkalinity) સહન કરી શકે છે. તેનું પ્રસર્જન બીજ અને કટકારોપણ (cutting) દ્વારા થાય છે. બીજ વાવતાં પહેલાં ક્યારીઓમાં કેટલાક દિવસ પાણી ભરી રાખવામાં આવે છે અને બીજને 20થી 25 દિવસ માટે પલાળી રાખવામાં આવે છે અને સમયાંતરે પાણી બદલવામાં આવે છે. તેનું વાવેતર માર્ચ–એપ્રિલમાં થાય છે. એક એકરમાં વાવવા માટે રોપા તૈયાર કરવા આશરે 1.5થી 2.5 કિગ્રા. બીજની જરૂરિયાત હોય છે. જ્યારે બીજાંકુરો 45થી 60 સેમી. ઊંચા થાય ત્યારે જુલાઈ-ઑગસ્ટમાં તેમનું ખેતરમાં સિંચાઈવાળી ભૂમિમાં 30 સેમી., અને સિંચાઈરહિત ભૂમિમાં 15 સેમી.ના અંતરે પ્રત્યારોપણ કરવામાં આવે છે. શરૂઆતના તબક્કે દરરોજ સિંચાઈ કરવી જરૂરી છે. એક વાર સ્થાપિત થઈ ગયા પછી કેટલાંક વર્ષો સુધી તે પર્ણોનો પાક આપે છે. સતત 100 વર્ષ સુધી ઉત્પાદન આપ્યાના કેટલાક કિસ્સાઓ પણ નોંધાયેલા છે. વાડ બનાવવા માટે કટકારોપણ સુગમતાભર્યું છે. તેને કાપતા રહેવાથી તે ઘટ્ટ બને છે અને કાપ્યા પછી બહુ જલદી ફૂટે છે. તેને કાપીને જુદા જુદા આકારો આપી ખૂબ આકર્ષક બનાવાય છે.
રોગવિજ્ઞાન : Cortium koleroga (Cooke) V. Hoen. દ્વારા મેંદીને ‘કાળો સડો’ (black rot) અને Xanthomonas lawsonicae દ્વારા બૅક્ટેરિયલ પાનનાં ટપકાંનો રોગ લાગુ પડે છે.
ઉત્પાદન : પાકની લણણી એપ્રિલ-મે અને ઑક્ટોબર-નવેમ્બરમાં એમ વર્ષ દરમિયાન બે વાર કરવામાં આવે છે. શરૂઆતમાં 2થી 3 વર્ષ દરમિયાન સૂકાં પર્ણોનું ઉત્પાદન લગભગ 40થી 200 કિગ્રા. પ્રતિએકર અને પછીથી 260થી 400 કિગ્રા. પ્રતિએકર થાય છે. સિંચાઈવાળાં ખેતરોમાં તેનું ઉત્પાદન 500 કિગ્રા./એકર/વર્ષ થાય છે. કુલ વાર્ષિક ઉત્પાદનના 75 %થી 85 % ઉત્પાદન ઑક્ટોબર-નવેમ્બરમાં થાય છે.
રાસાયણિક બંધારણ : પંજાબમાંથી મેળવેલાં વાયુ-શુષ્ક (air dry) પર્ણોના ચૂર્ણનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 8.97 %, ભસ્મ 18.45 % અને ટેનિન 10.21 %; જમ્મુ અને કાશ્મીરમાંથી મેળવેલા નમૂનામાં ટેનિન 4.9 % જેટલું હોય છે. મેંદીમાં 25 % થી 33 % જેટલું જલદ્રાવ્ય દ્રવ્ય હોય છે. તેનાં જલીય દ્રાવણો નારંગી રંગનાં હોય છે અને લીલું પ્રસ્ફુરણ (fluorescence) દર્શાવે છે. મેંદીમાં મુખ્ય રંગીન દ્રવ્ય લોસૉન [2–હાઇડ્રૉક્સિ – 1, 4–નૅફ્થેક્વિનૉન; (C10H6O3) છે. શુષ્ક પર્ણોમાં તેનું પ્રમાણ 1.0–1.4 % હોય છે. મેંદીના નિષ્કર્ષો ઍસિડિક પાણીમાં રંગકામ માટે ઉપયોગી છે. ઍલ્કલી તેના રંગીને તીવ્ર કરે છે. પરંતુ મેંદીનો નિષ્કર્ષ રંગકામના ગુણધર્મો ગુમાવે છે. મેંદીમાંથી લોસૉનના નિષ્કર્ષણની પદ્ધતિ પેટન્ટ કરવામાં આવી છે. તેનું સંશ્લેષણ પણ કરવામાં આવે છે. લોસૉન ઉપરાંત, મેંદીમાં ગૅલિક ઍસિડ, ગ્લુકોઝ, મૅનિટોલ, લિપિડ, રાળ (2 %), શ્લેષ્મ અને અલ્પ પ્રમાણમાં ઍલ્કેલૉઇડ હોય છે.
પર્ણોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં હોય છે. તેઓ પોટૅશિયમ 1.7, કૅલ્શિયમ 1.47 %, મૅગ્નેશિયમ 0.7 % અને સોડિયમ 0.14 %, લોહ 1121, મૅંગેનીઝ 137.5, જસત 40, તાંબુ 22.5 અને સ્ટ્રૉન્શિયમ 38, માઇક્રોગ્રામ/ગ્રા. ધરાવે છે.
પર્ણો ફીનૉલીય ગ્લુકોસાઇડો, લોસોનિસાઇડ (1, 2, 4–ટ્રાઇહાઇડ્રૉક્સિનૅફ્થેલિન–1, 4–ડાઇ– β–D–ગ્લુકોપાયરેનોસાઇડ) અને લેલિયોસાઇડ (2, 3, 4, 6–ટેટ્રાહાઇડ્રૉક્સિ ઍસિટોફોનૉન–2–β–D–ગ્લુકોપાયરેનૉસાઇડ) ધરાવે છે.
પ્રકાંડની છાલ આઇસોપ્લમ્બેજિન (2–મિથાઇલ–8–હાઇડ્રૉક્સિ–1, 4–નૅફ્થેક્વિન્ડૉન, C11H8O3, ગ. બિં. 670–680 સે.) અને 3મિથાઇલ નૉન્એકોસન1ઑલ(C30H62O, ગ. બિં. 73–740 સે.) ધરાવે છે.
મેંદીનાં પુષ્પો તીવ્ર સુગંધ ધરાવે છે. બાષ્પનિસ્યંદન (steam distillation) દ્વારા 0.01 %થી 0.02 % બાષ્પશીલ તેલ (વિ. ગુ. 09423) ઉત્પન્ન થાય છે. તે બદામી કે ઘેરા બદામી રંગનું હોય છે અને ગુલાબની એક જાત (tea rose) અને મિગ્નોનેટ (Reseda odorata Linn.) જેવી તીવ્ર સુગંધી આપે છે. તે મુખ્યત્વે (90 %) α અને β આયોનૉન (ગુણોત્તર 1:4) ધરાવે છે. તેમાં રાળ પણ હોય છે. લખનૌ અને બનારસમાં વ્યાપારી ધોરણે પ્રાચીન કાળથી હિના અત્તર કે મેંદીના તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે.
મેંદીના બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 10.6 %, પ્રોટીન 5 %, તેલ 10–11 %, કાર્બોદિતો 33.62 %, રેસા 33.55 % અને ભસ્મ 4.75 %.
ઉપયોગો : ભારત અને મધ્ય પૂર્વના દેશોમાં મેંદી હાથ-પગના પંજા અને નખ રંગવામાં ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ વાળ, દાઢી અને ભ્રમર અને ત્વચા રંગવામાં કરવામાં આવે છે. તે ઘોડાની પૂંછડી, કેશવાળી અને ચામડું રંગવામાં પણ ઉપયોગી છે. કેરેટિન માટે તે સ્વત: (substantive) રંગ તરીકે કાર્ય કરે છે અને નારંગી લાલ રંગ આપે છે. તે બિનહાનિકારક હોય છે અને ત્વચામાં કોઈ પ્રકોપન (irritation) થતું નથી. મેંદી સાથે ગળી, લૉગવુડ (Hematoxylon campechianum) કે અન્ય કુદરતી વનસ્પતિ રંગદ્રવ્યનું મિશ્રણ સંયોજિત (compounded) હિના બનાવે છે. ‘હિના-રૅંગ’માં એક ભાગ મેંદી અને બે ભાગ ગળી હોય છે; જે બદામી આભા (tint) આપે છે. એક ભાગ મેંદી અને ત્રણ ભાગ ગળી ધરાવતા ‘હિના-રૅંગ’ દ્વારા ઘેરો બદામી રંગ ઉત્પન્ન થાય છે. ‘હિના-રેસ્ટિક’ મેંદી કેટલાક ધાત્વિક ક્ષારો અને એમીનોફીનોલ અને પાયરોગેલોલ જેવાં ફીનોલીય સંયોજનો ધરાવે છે. તે એવી રીતે મિશ્ર કરવામાં આવે છે કે જેથી સોનેરી(blonde)થી માંડી કાળો રંગ મેળવી શકાય છે. આ સંયોજિત હિનામાં કૉપરના ક્ષારો, p-ફીનિલ ઇનેડાઇ એમાઇન અને દગ્ધ ગેરુ રંગની માટી (burnt sienna) હોય છે.
એક સમયે મેંદી રેશમ અને ઊન રંગવા માટે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી હતી. પોટૅશિયમ ડાઇક્રોમેટ, ફેરસ સલ્ફેટ, સ્ટેનસ ક્લોરાઇડ અથવા ઍલમ ધરાવતા ઍસિડ-બાથમાં મેંદી વડે રંગેલા કાપડને ચિકિત્સા આપી તેને વિવિધ રંગો દ્વારા રંગવામાં આવે છે.
કાષ્ઠ : તેનું કાષ્ઠ ભૂખરું, સખત અને સંકુલિત-કણયુક્ત (ર્દઢગઠિત, close-grained) હોય છે. તેનો ઉપયોગ ઓજારોના હાથા અને તંબૂના ખીલાઓ બનાવવામાં થાય છે. ઇંડોનેશિયામાં તેની ડાળીઓ દાંત સ્વચ્છ કરવા માટે વપરાય છે.
મેંદીના પ્રકારો : વ્યાપારિક ર્દષ્ટિએ મેંદીને ત્રણ જાતોમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) દિલ્હી, (2) ગુજરાત (‘બૉમ્બે’ તરીકે પણ તે જાણીતી છે) અને (3) માળવા. ‘દિલ્હી’ જાતનું મુખ્ય વ્યાપારિક કેન્દ્ર ફરીદાબાદમાં છે અને તે ચૂર્ણના સ્વરૂપમાં વેચાય છે. ‘ગુજરાત’ જાતનું એકત્રીકરણ પર્ણો સ્વરૂપે ગુજરાતમાંથી થાય છે અને નિકાસ માટે મુંબઈ મોકલવામાં આવે છે. ‘માળવા’ મેંદી રાજસ્થાનની નીપજ છે અને તે ચૂર્ણ-સ્વરૂપે બજારમાં મળે છે. તેનું મુખ્ય વ્યાપારિક કેન્દ્ર કોટાહ પાસે ભવાની મંડી છે, ‘દિલ્હી’ મેંદી રંગદ્રવ્યની ર્દષ્ટિએ શ્રેષ્ઠ છે, ત્યારપછી અનુક્રમે ‘માળવા’ અને ‘ગુજરાત’ આવે છે. દિલ્હીના બજારમાં તેની પંદરથી વધારે છાપ (brand) છે. ભારતીય મેંદીના મુખ્ય સ્પર્ધકો ઇજિપ્ત અને સુદાન છે. સુદાનીઝ મેંદી શ્રેષ્ઠ અને વધારે સસ્તી છે. ભારતીય મેંદીમાં અશુદ્ધતાની ટકાવારી વધારે હોય છે.
ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો :
મેંદી મધુપ્રમેહરોધી (antidiabetic), પ્રતિરક્ષા-નિયામકી (immunomodulatory), યકૃતસંરક્ષી(hepatoprotective), પ્રતિ-ઉપચાયી (anti-oxidant), ફૂગરોધી(antifungal), પ્રતિવિષાણુક(antiviral), પ્રતિ-ટ્રિપેનોસોમીય (antitrypanosomal), પ્રતિપરોપજીવી (antiparasitic), મૃદુકાયનાશક (molluscicidal), પ્રતિચર્મોદભિદીય (antidermatophytic), ક્ષયસ્તંભક (tuberculostatic), ફળદ્રુપતારોધી (antifertility), વેદનાહર (analgesic), શોથહર (anti-inflammatory), કોષવિષાળુ (cytotoxic), પ્રતિદાત્રન (antisickling), ગર્ભસ્રાવી (abortifacient), સ્મૃતિ અને વર્તણૂક પર પ્રભાવક, કૃમિનાશક (nematicidal), ગંઠનોરોધી (anticoagulant) અને વ્રણવિરોહણ (wound healing) ગુણધર્મો ધરાવે છે.
(1) ગર્ભનિરોધક (contraceptive) ગુણધર્મ : પર્ણોનો રસ (50 ગ્રા.) મોં દ્વારા નિયમિતપણે લેવાથી તે પુરુષ અને સ્ત્રી બંનેમાં ગર્ભનિરોધક તરીકે કાર્ય કરે છે. જો આ ઔષધ લાંબો સમય લેવામાં આવે તો સ્થાયી વંધ્યતા ઉદભવી શકે છે.
(2) પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા : પર્ણોના ક્લોરોફૉર્મ અન ઇથેનૉલ નિષ્કર્ષો shigella અને Vibrio cholerae સામે નોંધપાત્ર પ્રતિજીવાણુક સક્રિયતા દર્શાવે છે. બીજનું તેલ કેટલાક રોગજન્ય (pathogenic) જીવાણુઓ અને ફૂગ સામે સૂક્ષ્મજીવરોધી સક્રિયતા દાખવે છે.
(3) પ્રતિવિષ (antitoxin) ગુણધર્મ : ચૂર્ણિત પર્ણો Aspergillus parasiticus નામની ફૂગ દ્વારા ઉદભવતા ઍફ્લેટૉક્સિન વિષનો પ્રતિરોધ (inhibition) કરે છે.
(4) ફૂગરોધી ગુણધર્મ : મેંદીનાં પર્ણોનો અને લીમડાનો નિષ્કર્ષ તમાકુને ચેપ લગાડતી ફૂગ સામે ફૂગરોધી સક્રિયતા દર્શાવે છે. પર્ણોના નિષ્કર્ષની ફૂગરોધી સક્રિયતા ફીનૉલીય દ્રવ્યની ઉચ્ચ સાંદ્રતા (8.36 મિગ્રા./ગ્રા. શુષ્ક વજન)ને કારણે હોય છે.
(5) પશુઓ માટે જંતુઘ્ન (antiseptic) તરીકે : મેલિકોન V એક સૂક્ષ્મજીવરોધી પશુચિકિત્સીય (veterinary) જંતુઘ્ન ઔષધ છે. આ ઔષધના એક ઘટક તરીકે મેંદીનો જલીય નિષ્કર્ષ પણ હોય છે. તેનો ઉપયોગ પ્રાણીઓમાં વ્રણ (wound), છેદ (cut) અને ત્વચા ઉપર થતી વિક્ષતિ(lesion)ની ચિકિત્સામાં થાય છે.
(6) યકૃતસંરક્ષી ગુણધર્મ : પ્રકાંડની છાલનો જલ-ઇથેનૉલીય (1:1) નિષ્કર્ષ CCl4પ્રેરિત યાકૃત વિષાળુતા સામે યકૃતસંરક્ષી સક્રિયતા દર્શાવે છે.
(7) ફૂગવિષાળુ (fungitoxic) ગુણધર્મ : છાલનો નિષ્કર્ષ દાદરનો ચામડીનો રોગ કરતી ફૂગ Microsporum gypseum અને Trichophyton mentagrophytes સામે નોંધપાત્ર ફૂગવિષાળુ સક્રિયતા દર્શાવે છે.
(8) શોથહર ગુણધર્મ : ઉંદરોમાં કેરેજીનન-પ્રેરિત પંજાના શોથ (સોજો) સામે પ્રકાંડની છાલ અને મૂળ શોથહર સક્રિયતા દાખવે છે; જે સંભવત: આઇસોપ્લમ્બેજિન અને લોસેરિટૉલની હાજરીને કારણે હોઈ શકે છે. આઇસોપ્લમ્બેજિન ફિનાઈલ બ્યુટેઝૉનને સમકક્ષ સક્રિયતા દર્શાવે છે.
(9) પ્રતિકવકતા (antimycotic) સક્રિયતા : હાથ અને પગમાં થતી કવકતા (mycosis)ના રોગની ચિકિત્સામાં મેંદીના રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ સક્રિયતા લોસૉન(નેફ્થેક્વિનૉન)ને કારણે હોય છે. પરંતુ ખુલ્લા વ્રણ ઉપર લગાડતાં તેનાથી સોજો ચઢે છે અને ખંજવાળ આવે છે તથા દાહ જેવી વેદના થાય છે. કેટલાક લોકોમાં દમ જેવું આક્રમણ પણ થઈ શકે છે. બહુ ઓછા કિસ્સાઓમાં તે મૂત્રપિંડ નિષ્ફળતા (renal failure) અને પ્રાણઘાતકતા (fltality) તરફ દોરી જાય છે.
લોકવાનસ્પતિક (ethnobotanical) ઉપયોગો :
મેંદીનો લગભગ 9000 વર્ષથી સૌંદર્યપ્રસાધન અને ઔષધની ર્દષ્ટિએ ઉપયોગ થતો આવ્યો છે. મેંદી ફળદ્રૂપતાનું પ્રતીક છે. ઉનાળાની ગરમીમાં મેંદીની શીતળ અસરને કારણે ભારતમાં તે પ્રસિદ્ધ થઈ છે. તેનાં પર્ણો, પુષ્પો, બીજ, પ્રકાંડની છાલ અને મૂળનો આમવાત–સંધિશોથ, શિરોવેદના, વ્રણ, અતિસાર, કુષ્ઠ, જ્વર, શ્વેતપ્રદર (leucorrhoea), મધુપ્રમેહ, હૃદયરોગ, યકૃતસંરક્ષી (hepatoprotective) અને રંજક પ્રક્રિયક (colouring agent) તરીકે પારંપારિક ઉપયોગ કરવામાં આવે છે.
તેનો કમળો, ત્વચાના અને મૈથુનજન્ય (venereal) રોગો, શીતળા અને વીર્યસ્ખલન(spermatorrloea)માં ઉપયોગ કરવામાં આવે છે. પુષ્પો અત્યંત સુગંધિત હોય છે અને તેમનો ઉપયોગ અત્તર બનાવવામાં થાય છે. તેને ‘હિના’ તરીકે ઓળખાવવામાં આવે છે. પુષ્પોનો આસવ ઉઝરડા (bruises) ઉપર લગાડવામાં આવે છે. પુષ્પોનો ક્વાથ આર્તવજનક (emmenagogue) છે. બીજ ગંધહર (deodorant) હોય છે. ચૂર્ણિત બીજ સાથે શુદ્ધ ઘી લેતાં મરડો મટે છે. બીજનું ચૂર્ણ યકૃતના વિકારોમાં તથા તેમની સાથે સંકળાયેલ સમસ્યાઓમાં ઉપયોગી છે. છાલનો ક્વાથ દાહ (burn) અને દ્રવદાહ (scald) પર લગાડવામાં આવે છે. તેનો આંતરિક રીતે કમળો, બરોળની અતિવૃદ્ધિ, અશ્મરીમાં અને હઠીલાં ત્વચાનાં દર્દોમાં થાય છે. મૂળ પરમિયો (gonorrhoea) અને પરિસર્પ(herpis)ના ચેપમાં વાપરવામાં આવે છે. મૂળ કષાય (astringent) હોવાથી તેની લૂગદી બનાવી નેત્રદાહ (sore eyes) પર લગાડાય છે. કમ્બોડિયાના લોકો તેના ક્વાથનો મૂત્રલ (diuretic) તરીકે ઉપયોગ કરે છે. મૂળનો અને ગળીનો સંયુક્ત રીતે બનાવેલો ક્વાથ ગર્ભસ્રાવી (abortifacient) હોય છે. મૂળનો ઉપયોગ અપસ્માર (hysteria) અને ચેતાતંત્રના વિકારોની ચિકિત્સામાં કરવામાં આવે છે.
મેંદીના આયુર્વેદિક ગુણ આ પ્રમાણે છે :
ગુણ
ગુણ – લઘુ, રુક્ષ રસ – તિક્ત, કષાય
વિપાક – કટુ વીર્ય – શીત
કર્મ
દોષકર્મ તે લઘુ, રુક્ષ અને તિક્તકષાય હોવાથી કફ તથા તિક્તકષાય અને શીત હોવાથી પિત્તનું શમન કરે છે.
બાહ્યકર્મ તે વેદનાસ્થાપન, શોથહર, સ્તંભન, કેશ્ય, વણ્યર્ર્ર્, દાહશામક, કુષ્ઠઘ્ન, વ્રણશોધન અને વ્રણરોપણ હોય છે.
પાચનતંત્ર તેનાં બીજ સ્તંભન અને પર્ણો યકૃદુત્તેજક હોય છે.
રુધિરાભિસરણતંત્ર – પુષ્પ હૃદ્ય અને પર્ણો રક્તપ્રસાદન, રક્તસ્તંભન અને શોથહર હોય છે.
ઉત્સર્જનતંત્ર : તે મૂત્રનિર્માણ કરે છે.
ચેતાતંત્ર : પુષ્પ મેધ્ય અને નિદ્રાજનન હોય છે.
ત્વચા : તે કુષ્ઠઘ્ન હોય છે.
તાપક્રમ : પુષ્પો જ્વરઘ્ન હોય છે.
પ્રયોગ
દોષપ્રયોગ તેનો કફ પિત્તજનક રોગોમાં ઉપયોગ થાય છે.
બાહ્ય પ્રયોગ : શિર:શૂલ, સંધિશોથ અને હાથ-પગના દાહ ઉપર પર્ણોનો લેપ લગાડવામાં આવે છે. ત્વચાનો રંગ સુંદર બનાવવા અને રંગવા સ્ત્રીઓ તેનો પ્રયોગ કરે છે. શોથ અને વ્રણમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. તેથી સોજો ઊતરી જાય છે, લોહી બંધ થાય છે, વેદના શાંત થાય છે અને વ્રણનું શોધન તથા રોપણ થાય છે. કુષ્ઠ અને અન્ય ત્વચાના વિકારોમાં પર્ણોનો લેપ લાભદાયી છે. મોં અને ગળાના રોગોમાં તેનો ક્વાથ આપવામાં આવે છે. વાળ કાળા કરવા તેના અને ગળી(નીલિકા)નાં પર્ણોનો લેપ કરવામાં આવે છે.
પાચનતંત્ર પ્રવાહિકા અને રક્તાતિસારમાં બીજનો કલ્ક અને કમળામાં પર્ણનો સ્વરસ આપવામાં આવે છે. કમળો અને પ્લીહાવૃદ્ધિમાં મેંદીની છાલ ઉપયોગી છે.
રુધિરાભિસરણતંત્ર – હૃદયરોગમાં ફૂલોનો ફાંટ અને રક્તવિકાર તથા રક્તપિત્તમાં પર્ણોનો ક્વાથ કે સ્વરસ આપવામાં આવે છે. શોથમાં પણ સ્વરસ અપાય છે.
ઉત્સર્જનતંત્ર મૂત્રકૃચ્છ્ર, પૂયમેહ વગેરેમાં પત્રસ્વરસની સાથે ખાંડ ઉમેરી આપવામાં આવે છે. તેથી પેશાબ સાફ થાય છે. તેની બળતરા ઓછી થાય છે અને મૂત્રમાર્ગનું સ્નેહન થાય છે. પથરીમાં મેંદીની છાલનો ઉપયોગ કરવામાં આવે છે.
ચેતાતંત્ર મગજનું દૌર્બલ્ય અને અનિદ્રામાં પુષ્પોનો ફાંટ આપવામાં આવે છે.
ત્વચા કુષ્ઠ, ઉપદંશ વગેરેમાં પર્ણોનો ક્વાથ આપવામાં આવે છે. છાલનો ક્વાથ દાઝવાથી થયેલા જખમને રુઝવવા માટે સારો છે.
તાપક્રમ તાવમાં પુષ્પોનો ફાંટ અપાય છે. તેનાથી માથાનો દુ:ખાવો અને દાહ શાંત થાય છે અને તાવ ઓછો થાય છે.
પ્રયોજ્ય અંગ છાલ, પર્ણો, પુષ્પ અને બીજ.
માત્રા : સ્વરસ 5–10 મિલી. બીજચૂર્ણ 13 ગ્રા.
વિશિષ્ટ યોગ : મદયન્ત્યાદિ ચૂર્ણ
વિશેષ પ્રયોગો – (1) ગરમીની ગાંઠ ઉપર મેંદીનાં પર્ણો પાણીમાં વાટી ગાંઠ ઉપર જાડો લેપ કરવામાં આવે છે. (2) તાપમાં ખુલ્લા પગે ચાલવાથી તળિયે થતા દાહ ઉપર મેંદીનાં તાજાં પર્ણો પાણીમાં બારીક વાટી તેમાં લીંબુનો રસ ઉમેરી પગના તળિયે જાડો લેપ કરવાથી બળતરા મટે છે. (3) રક્તતિસાર ઉપર મેંદીનાં બીજનું ચૂર્ણ પાણી કે ઘી અને સાકાર સાથે ચટાડવામાં આવે છે. (4) ગરમીથી થતી શરદી ઉપર મેંદીનાં પર્ણોનો 30–40 ગ્રા. રસ તેટલું જ ગાયનું દૂધ ઉમેરી પિવડાવવામાં આવે છે. જો ગરમી વધારે હોય તેમાં સાકર અને જીરું ઉમેરવામાં આવે છે. (5) સર્વ પ્રકારના ઉષ્ણ પ્રમેહ કે તંતુપ્રમેહ ઉપર મેંદીનાં પર્ણોના રસમાં સાકર ઉમેરી દરરોજ દિવસમાં બે વાર એમ સાત દિવસ પિવડાવાય છે. અથવા મેંદીના રસમાં દૂધ નાખી પિવડાવવામાં આવે છે. (6) ગરમીથી થતા માથાના દુ:ખાવા ઉપર મેંદીનાં પર્ણોમાંથી બનાવેલ કેશતેલ માથામાં ચોળવાથી અને નાકમાં નસ્ય દેવાથી માથાનો દુ:ખાવો મટે છે. (7) ખોડા (શિરોવલ્ક) ઉપર મેંદીનાં પર્ણોના ચૂર્ણનો જાડો લેપ ખોડા ઉપર કરવામાં આવે છે. 12 કલાક પછી તે લેપ ધોઈ તલના તેલમાં નાળિયેરના છોતરાંની રાખ કાલવી ચોપડવામાં આવે છે.
मदयन्ती लघु रूक्षा कषाया तिक्तशीतला ।
कफपितप्रशमनी कुष्ठघ्नी सा प्रकीर्तिता ।।
निहन्ति ज्वरकण्डूतिदाहासृकपितकामलाः ।
रक्तातीसारहृद्रोग मूत्रकृ छभ्रमळळान् ।।
आचार्य प्रियव्रत शर्मा
કડવી મેંદી તરીકે જાણીતી વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Clerodendrum inerme (L.) Gaertn. છે. તેનાં પર્ણોમાં થોડી કડવાશ હોય છે. આ વનસ્પતિનો વાડ તરીકે ઉપયોગ થાય છે. તેને કાપીને વિવિધ આકારો આપી શકાય છે. તેને ઢોર ખાસ ખાતાં નથી. દરિયાકિનારે અથવા ખારાશ ધરાવતી ભૂમિમાં સામાન્ય મેંદી કરતાં કડવી મેંદી સરળતાથી થાય છે. આ મેંદીનાં પર્ણો સામાન્ય મેંદી કરતાં મોટાં અને ઘેરાં લીલાં હોય છે અને તે રંગ આપતાં નથી.
બળદેવભાઈ પટેલ
મ. ઝ. શાહ
ભાલચન્દ્ર હાથી