મેંદિયો પિદ્દો (Stone Chat) : યુરોપ, મધ્ય એશિયા, તુર્કસ્તાન તથા ભારતમાં પણ વસતું પંખી. આ છે પિદ્દા(pied bush chat)નો ભાઈ, પણ રંગમાં સાવ જુદો. લંબાઈ 12 સેમી. નર અને માદા કદમાં જુદાં પડે. નરનું માથું અને ડોક કાળાં હોય છે. ગળા ઉપર ખભા પાસે પહોળો સફેદ કાંઠલો હોય છે. તેની પીઠ-પાંખો બદામી જેવા રંગમાં ઘાટી કાળી રેખાઓ ધરાવે છે. પૂંછડી પણ એવી જ હોય છે. છાતી પર ઘેરો ચળકતો રંગ શોભે છે, જે પેટ પર આછો થઈ જાય છે.

માદાનાં માથું અને ડોક કાળાં હોતાં નથી, પણ ત્યાં પીઠની જેમ જ વાદળી કાળી રેખાઓવાળો બદામી રંગ હોય છે અને ગાલ ફરતા 3 સફેદ લીટાનો ત્રિકોણ રચાય છે. ચાંચથી ભમરનો સફેદ લીટો ખભા પરના કાંઠલાને જઈ મળે છે અને દાઢીની કિનારનો સફેદ લીટો પણ કાંઠલાને બીજે છેડે મળે છે; પરિણામે સ્પષ્ટ ત્રિકોણ રચાયેલો જોવા મળે છે. છાતી બહુ જ આછી નારંગી, લગભગ બદામી જેવી લાગે છે અને પેટ તરફ જતાં સાવ સફેદ બની જાય છે. ચાંચ અને પગ–બંને કાળાં હોય છે.

પિદ્દો વાડીના મોલમાં છોડ પર બેસી જમીન પર જીવાત પકડવા નીચે ઊતરે છે. તે પાંખો ને પૂંછડી વારંવાર ફરકાવ્યા કરે છે.

ભારતમાં તે હિમાલય અને ગંગાના મેદાનમાં વસે છે. શિયાળામાં ભાદરવાથી ફાગણ માસ સુધી દક્ષિણ ભારતમાં દૂર દૂર સુધી જોવા મળે છે.

માળાની ઋતુ ફાગણથી અષાઢની હોય છે. છતાં ઘણાખરા માળા ચૈત્ર-વૈશાખમાં બાંધવામાં આવે છે. હિમાલય અને તેની નજીકનાં મેદાનોમાં ઘાસ, તણખલાં, મૂળિયાં, રેસા વગરેનો વાટકી જેવો માળો બાંધી એમાં સૂકાં પાંદડાં ને થોડાં પીંછાં મૂકીને પહાડની બખોલમાં કે પથ્થરનાં બેલાં નીચે કે ઘાસ, છોડની ઓથે માળો તૈયાર કરે છે. તેમાં 4થી 5 લીલાં કે લીલાશપડતાં સફેદ ને છાંટણાંવાળાં ઈંડાં મૂકે છે. આ બહુ જ રૂપાળું ને મીઠું બોલનારું નાનકડું પંખી છે.

બળદેવભાઈ કનીજિયા