મેંદી રંગ લાગ્યો : ગુજરાતી ભાષાનું લોકપ્રિય ચલચિત્ર. ગુજરાતી ચલચિત્રના ઇતિહાસમાં નિર્માણ-નિયામક ચાંપશીભાઈ નાગડા અને નિર્માતા-છબીકાર બિપિન ગજ્જરનું ‘મેંદી રંગ લાગ્યો’ (1960) ચલચિત્ર એક સીમાચિહનરૂપ છે.

માળવાના યુવાન અનિલ અને ગુજરાતી યુવતી અલકાના પ્રણય-પરિણય અને તેમાંથી જન્મતા સંઘર્ષની કથા તેમાં આલેખાયેલી છે. અનિલ-અલકાના દાંપત્યજીવનમાં નાનકડું સ્વર્ગ ઊતરે છે, પરંતુ દુર્ભાગ્યે, અનિલ શરાબની લતે ચડે છે અને જેલમાં ધકેલાય છે. બદનામીથી બચાવવા બાળકોને લઈ અલકા દૂર-સુદૂર કૉલકાતા ચાલી જાય છે. પશ્ચાત્તાપના પાવક અગ્નિમાં પવિત્ર થયેલો અને સુધરેલો અનિલ જેલમાંથી છૂટે છે અને અકસ્માતે કૉલકાતા આવી ત્યાં નિવાસ કરે છે. અલકા તથા બાળકો નજર સામે છતાં તેમને બદનામીથી બચાવવા તે દૂરનો દૂર રહે છે. યુવાન થયેલી અલકાને એક વાર અત્યાચારમાંથી બચાવવા જતાં અનિલ જખ્મી બને છે અને મૃત્યુના મુખે ધકેલાય છે. છેવટે પરિવારના મિલન સાથે ફિલ્મનો સુખાંત આવે છે.

કથા-પટકથા-સંવાદની ત્રિવિધ જવાબદારી ચત્રભુજ દોશીએ ઉપાડી હતી. ફિલ્મનું દિગ્દર્શન મનહર રસકપૂરનું હતું. કલાનિર્દેશન કનુ દેસાઈ અને સંગીત અવિનાશ વ્યાસનું હતું. હિંદી ફિલ્મજગતનાં મશહૂર કલાકાર રાજેન્દ્રકુમાર અને ઉષાકિરણની બેલડીને કારણે અભિનયની ર્દષ્ટિએ ફિલ્મ ઊંચી કોટિની હતી. ચંદ્રવદન ભટ્ટ, સતીશ વ્યાસ, તોરલ, ક્રીના લાલ, નિહારિકા દિવેટિયા, નારાયણ રાજગોર, ચંદ્રકાન્ત સાંગાણી, ઉપેન્દ્ર ત્રિવેદી, હની છાયા, મદન સાયગલ જેવાં તખ્તાનાં અને ગુજરાતી ચલચિત્રજગતનાં ખ્યાતનામ કલાકારોનો તેમાં અભિનય છે. એક ગીત ‘ઘૂંઘટે ઢાંક્યું રે…’ ચત્રભુજ દોશીએ લખ્યું હતું. અન્ય ગીતો અવિનાશ વ્યાસે લખ્યાં હતાં. ‘નયન ચકચૂર છે’, ‘મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે…’, ‘હું હરતીફરતી રસ્તે રઝળતી વાર્તા…’, ‘દર્દ એક જ છે કે હું બેદર્દ થાતો જાઉ છું’ અને ‘પાંદડું લીલું ને રંગ રાતો…’ જેવાં ગીતોએ ધૂમ મચાવી હતી. આજે પણ ફિલ્મી ગીતોમાં આ ગીતોની લોકપ્રિયતા અકબંધ છે. હિન્દી ફિલ્મનાં સુપ્રસિદ્ધ પાર્શ્વગાયકો લતા મંગેશકર, મહંમદ રફી, મહેન્દ્ર કપૂર, મન્ના ડે વગેરેએ આ ગીતોમાં કંઠ આપ્યો હતો. આ ફિલ્મનાં ગીતોમાં લોકગીત, લોકગરબા, ગઝલ અને ભજન જેવા કાવ્યપ્રકારોનું વૈવિધ્ય જોવા મળે છે. નૃત્ય અને ગરબાનું નિર્દેશન શ્યામ સત્યવાનનું હતું. ફિલ્મનું નિર્માણ મોહન સ્ટુડિયો–અંધેરી ખાતે થયું હતું. અને એચ. એમ. વી. કંપનીએ ફિલ્મનાં ગીતોની રેકર્ડ તૈયાર કરી હતી. ગીત-સંગીત, અભિનય અને દિગ્દર્શનની ર્દષ્ટિએ ગુજરાતી ફિલ્મોમાં અલગ ભાત પાડતું આ ચલચિત્ર ઓગણીસ સો સાઠના વર્ષનાં ઉત્તમ ચલચિત્રોમાં સ્થાન પામી શક્યું હતું.

હરીશ રઘુવંશી