મેસૉનિક લૉજ (ફ્રીમેસનરી વિચારધારા) : ફ્રીમેસનરી વિચારધારાની પ્રવૃત્તિઓ કરતું સ્થાન. મધ્યયુગમાં યુરોપમાં અનેક ચર્ચોનું નિર્માણ થયું, જેમાં કડિયાકામ કરનારાઓ(મેસન્સ)નું યોગદાન હતું. તેઓ મુખ્યત્વે મકાન અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેમજ વિવિધ વિસ્તારોમાં મુક્ત રીતે ફરીને કામ કરતા હતા તેથી ફ્રીમેસન તરીકે ઓળખાયા. આવા મહાજનના પૂર્ણ સમયના સભાસદો ફ્રીમેસન કહેવાતા. તેઓ ઈશ્વરમાં માને છે. ઈશ્વરને તેઓ ‘વિશ્વના મહાન સ્થપતિ’ (વિશ્વકર્મા) તરીકે ઓળખાવે છે. આ ફ્રીમેસન્સના વ્યાપારી સંઘો રચાયા અને તેમણે કામગીરી માટેની પદ્ધતિઓ અને સ્થાન નિશ્ચિત કર્યાં, જે સ્થાનો વિશ્વભરમાં મેસૉનિક લૉજ નામથી જાણીતાં બનેલાં હતાં. મેસૉનિક પ્રવૃત્તિની છાપ વિશિષ્ટ સંપ્રદાય તરીકેની છે; પરંતુ તે કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. તેની પ્રવૃત્તિઓ અત્યંત ખાનગી રાખવામાં આવતી હોવાથી આવી છાપ ઘડાઈ છે. આ પ્રવૃત્તિઓ અતિખાનગી રાખવામાં આવતી હોવાથી ભારતમાં ઘણે સ્થળે મેસૉનિક લૉજનાં સ્થાનોને ‘ભૂતબંગલા’ તરીકે ઓળખવામાં આવે છે.
એક માન્યતા એવી છે કે મૂળ મેસૉનિક પ્રથાનો પ્રારંભ પૅલેસ્ટાઇનમાં થયો હશે; કારણ તેમાં રાજા સૉલોમનની વિચારધારા ઘણું મહત્ત્વ ધરાવે છે. એ સમયે રોમનોના ત્રાસથી યહૂદીઓ દેશ છોડી વિશ્વભરમાં સ્થળાંતર કરી ગયા અને ભારતમાં છેક કોચીન સુધી ફેલાયા. એ સાથે મેસૉનિક વિચારધારા પણ પ્રસરી. તેમનો એક ફાંટો ઍલેક્ઝાન્ડ્રિયાથી યુરોપ થઈ સ્કૉટલૅન્ડ સુધી વિસ્તર્યો. આ વિસ્તારોમાં પ્રસારની કામગીરી કરનાર કેટલાક યોદ્ધાઓ હતા, જેઓ ‘નાઇટ ટેમ્પલર્સ’ તરીકે ઓળખાતા. તેમણે મેસૉનિક લૉજોની સ્થાપના વિવિધ સ્થળોએ કરી. હાલની મેસૉનિક પ્રવૃત્તિ મુખ્યત્વે ઇંગ્લૅન્ડ–સ્કૉટલૅન્ડમાં શરૂ થઈ હતી; એથી તેણે તે સમયની સામાજિક વ્યવસ્થા સ્વીકારી, જેમાં મહિલાઓને કોઈ સ્વતંત્રતા નહોતી. પરિણામે આજે પણ આ મેસૉનિક સંસ્થાઓમાં મહિલાપ્રવેશ પર પ્રતિબંધ છે. બ્રિટનમાં પ્રારંભ પામેલી આ સંસ્થાઓના સભ્યો મળતાવડાપણું દર્શાવી શકતા નહિ; પરિણામે તેની પ્રવૃત્તિઓ સંખ્યા અને વ્યાપની ષ્ટિએ સીમિત રહી.
લંડનના રચનાકાળ દરમિયાન મેસૉનિક લૉજનો પહેલવહેલો ઉદભવ થયો. પ્રારંભે તેને ઇંગ્લિશ ગ્રાંડ લૉજ તરીકે ઓળખાવવામાં આવી હતી. ત્યારબાદ ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ અને આયર્લૅન્ડમાં આવી લૉજો સ્થપાઈ. 1717થી આરંભીને સમગ્ર 18મી સદી દરમિયાન યુરોપખંડના વિવિધ દેશોમાં તેમજ અમેરિકામાં તેનો પ્રસાર થયો. વૉલ્તેર, મેઝિની, ગૅરિબાલ્ડી, ફ્રક જોસેફ, હેડન, ગેટે, જોનાથન સ્કીલર ઉપરાંત રશિયાના 1825ના બળવાના કેટલાક નેતાઓ પણ મેસૉનિક હતા.
અમેરિકામાં પહેલી મેસૉનિક લૉજ 1730માં ફિલાડેલ્ફિયામાં શરૂ થઈ હતી અને બેન્જામિન ફ્રૅન્કલિન તેના સભ્ય હતા. બૉસ્ટન ખાતે પણ સેંટ એન્ડ્રુની મેસૉનિક લોજ હતી અને અમેરિકાની ક્રાંતિના જૉન હૅન્કૉફ અને પૉલ રેવરે જેવા કેટલાક નેતાઓ તેના સભ્યો હતા. 1752માં પ્રથમ અમેરિકન પ્રમુખ જ્યૉર્જ વૉશિંગ્ટન પણ મેસન બન્યા હતા. અમેરિકાની ક્રાંતિના સમયે ઘણી મેસૉનિક લૉજો સ્કૉટિશ અને અંગ્રેજ લૉજોથી અલગ પડી. અમેરિકન રાજકારણમાં મેસૉનિકોએ મહત્ત્વનું સ્થાન હાંસલ કર્યું હતું. 13 અમેરિકન પ્રમુખો તેમજ કૉંગ્રેસના ઘણા સભ્યો મેસૉનિક હતા.
મેસૉનિક પ્રવૃત્તિનો પાયો ભ્રાતૃભાવ છે. દરેક ધર્મ પ્રત્યે તે સદભાવ ધરાવે છે. સમાજસેવા તેનો પ્રથમ સિદ્ધાંત છે. મેસૉનિકોનો કાળો પહેરવેશ, તેમના ગળામાંનો દોરો અથવા સાંકળી (ચેઇન) અને મેડલ, તેમનાં પ્રતીકરૂપ તલવાર અને અન્ય સાધનો એક રહસ્યમય અને ગુપ્ત સંપ્રદાયની છાપ ઊભી કરે છે. મેસૉનિકો પરંપરાના આગ્રહી હોય છે. પોતાની પ્રવૃત્તિના પ્રસાર માટે પ્રત્યેક દેશ અને શહેરમાં તેઓ મેસૉનિક લૉજ – મકાન – ઊભું કરે છે. આ મકાનોમાં એમના સભાકક્ષ હોય છે, જે ‘ટેમ્પલ’ તરીકે ઓળખાય છે. મેસૉનિક પરંપરા અનુસાર તેમના નિશ્ચિત, વિસ્તૃત, જટિલ અને ગૂઢ કર્મકાંડ હોય છે. તેમાં ઓળંબો, કાટખૂણિયો, સપાટીદર્શક યંત્ર, દિશાદર્શક યંત્ર અને કડિયાકામનાં અન્ય સાધનોનો પ્રતીકાત્મક ઉપયોગ કરવામાં આવે છે. આ ક્રિયાકાંડ તેમના સંગઠનના સભ્યો વચ્ચે જ થતો હોવાથી ગુપ્ત હોય છે, જે ગુપ્તતા સામાન્ય સમાજની નજરે ટીકાપાત્ર ઠરે છે. 1967ના વર્ષ સુધીમાં તમામ દેશોમાં મેસૉનિકોની કુલ સભ્યસંખ્યા 60 લાખની અંદાજવામાં આવેલી. બહુ પ્રચાર કે ફંડ-ફાળા વિના, તેમની સમાજસેવાની પ્રવૃત્તિઓ કર્તવ્યભાવનાથી સતત ચાલતી રહે છે. ખાસ કરીને વયોવૃદ્ધો માટે ઘરડા-ઘર ઉપરાંત કિશોરો અને કિશોરીઓ માટેની નિવાસ-વ્યવસ્થાનું સંચાલન કરવાનું કામ તેમાં અગ્રિમતા ધરાવે છે.
મેસૉનિક લૉજ ત્રણ વિવિધ સ્તરોથી રચાય છે અને પ્રત્યેક સ્તર વિવિધ શાખા-પ્રશાખાઓમાં વહેંચાયેલું હોય છે.
19મી સદીના બુઝર્વા ઉદારમતવાદ સાથેની ઘનિષ્ઠતાને કારણે વિવિધ દેશોમાં મેસૉનિક પ્રવૃત્તિનો ઘણો વિરોધ થયો હતો. આવાં કારણોસર અમેરિકામાં હિંસક ‘ઍન્ટી-મેસનરી પાર્ટી’ પણ સ્થપાયેલી. રોમન કૅથલિક ચર્ચ પણ ફ્રીમેસનરી વલણોની સખત વિરુદ્ધ હતું. હાલમાં પણ આ ચર્ચ દ્વારા મેસૉનિક સભ્યપદની મનાઈ ફરમાવવામાં આવેલી છે. સર્વસત્તાવાદી રાજ્યો મેસૉનિક પ્રવૃત્તિઓને કચડી નાંખવાનો મત ધરાવતા હતા. ફાસીવાદ અને નાઝીવાદ હેઠળ ઇટાલી, ઑસ્ટ્રિયા અને જર્મનીએ આ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. હંગેરી, પોલૅન્ડ, સોવિયેત યુનિયન, સ્પેન, પોર્ટુગલ અને સામ્યવાદી ચીનમાં એક પણ મેસૉનિક લૉજ નથી.
રક્ષા મ. વ્યાસ