મેસ : એક પ્રકારનો ટિયર ગૅસ. હાથમાં પકડેલા કૅનમાંથી તે છોડી શકાય છે. તોફાની કે અશાંત પરિસ્થિતિમાં ટોળાનો નજીકથી સામનો કરવાનો હોય ત્યારે પોલીસ અને લશ્કર ટોળાને શાંત પાડી નિયંત્રણમાં રાખવા તેનો ઉપયોગ કરે છે. તેનાથી તત્પૂરતો અંધાપો આવી જાય છે. 1.8 મી. કરતાં ઓછા અંતરેથી તે મોઢા પર છાંટવામાં આવે તો સંબંધિત વ્યક્તિને કાયમી હાનિ પહોંચી શકે. પોલીસના પ્રણાલિકાગત દંડા જેવા સાધનના અસરકારક વિકલ્પ તરીકે અમેરિકાનાં પોલીસદળોએ 1960ના દાયકામાં તેનો ઉપયોગ શરૂ કર્યો. આ સ્પ્રે ગૅસનો ઉપયોગ મુખ્યત્વે તોફાનોના નિયંત્રણ પ્રસંગે થાય છે. કેટલાંક રાજ્યોમાં તે બિનઘાતક હથિયાર લેખાયું છે તથા તેનો ઉપયોગ કેટલાંક કડક નિયંત્રણોને અધીન છે.
મહેશ ચોકસી