મેશ્વો (નદી) : ગુજરાત રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા જિલ્લામાં વહેતી નદી. તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળે છે. તે ખારી નદીને સમાંતર આશરે 203 કિમી. અંતર સુધી વહીને સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના ભિલોડા, મોડાસા અને પ્રાંતિજ તાલુકાઓમાં થઈને અમદાવાદ જિલ્લા તથા ખેડા જિલ્લામાં પ્રવેશી ખેડા પાસે વાત્રક નદીને મળે છે. તેના પટ-વિસ્તારમાં કેટલાક ભાગમાં ટ્રૅપ પ્રકારના ખડકો આવેલા છે. ભિલોડા તાલુકાનાં આઠ, મોડાસા તાલુકાનાં સત્તર તથા અમદાવાદ અને ખેડા જિલ્લાનાં બાર ગામો તેના કાંઠા પર આવેલાં છે. મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામ પાસે છલકાતો બંધ (પિક અપ વિયર) આવેલો છે. ખેડા જિલ્લામાં તેની લંબાઈ 22 કિમી. જેટલી છે. રાસ્કા નજીક નહેરમાંથી અમદાવાદને પાઇપલાઇન મારફતે પીવાનું પાણી પૂરું પાડવાની યોજના 2000માં અમલમાં મૂકવામાં આવી છે.

1926માં મેશ્વો પર બંધ બાંધવા મુંબઈ રાજ્યે વિચારેલું, પરંતુ ઈડરના દેશી રાજ્યના વિરોધને કારણે તે યોજના પડતી મૂકવામાં આવી હતી. 1945માં આ યોજના ફરી વિચારાઈ હતી. 1947માં તે માટે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. 1950માં તેને બાંધવાની મંજૂરી આપવામાં આવી હતી. તેનું સ્રાવક્ષેત્ર 1,715 ચોકિમી. છે. અહીં જમણા કાંઠાની નહેર 14.4 કિમી. લાંબી છે, જ્યારે શાખા નહેર 22 કિમી. લાંબી છે. તેનું સિંચાઈક્ષેત્ર 4,000 એકર જેટલું છે. 1950માં તે કામ પૂર્ણ થયેલું. આ મેશ્વો નદી પર શામળાજી નજીક 1957–58માં બંધનો પ્રારંભ થયો હતો, 1968–69માં આ બંધનું કામ આશરે 315 લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલું. આ બંધ પાછળનું જળાશય આશરે 17.21 હજાર હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. શામળાજી નજીક આ નદીમાં નાગધરો નામનો ઊંડા પાણીનો એક ધરો આવેલો છે. આ નદી પર શામળાજી ખાતે કાર્તિકી એકાદશીથી ત્રણ અઠવાડિયાં સુધી મેળો ભરાય છે. આશરે દોઢ લાખ જેટલા યાત્રીઓ તેમાં ભાગ લે છે, આ મેળા દરમિયાન અહીં આજુબાજુ વસતા આદિવાસીઓ ગાંધર્વ લગ્ન કરે છે.

શિવપ્રસાદ રાજગોર