મેદિનીપુર (મિદનાપુર) : પશ્ચિમ બંગાળના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. જૂનું નામ મિદનાપુર. ભૌગોલિક સ્થાન : તે 22° 16´ ઉ. અ. અને 87° 20´ પૂ. રે.ની આજુબાજુનો 14,081 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં અનુક્રમે પુરુલિયા, બાંકુરા અને હુગલી જિલ્લાઓ, પૂર્વમાં હુગલી અને તેની સહાયક રૂપનારાયણ નદીઓ દ્વારા અલગ પડી જતા હુગલી, હાવરા અને ચોવીસ પરગણાના જિલ્લાઓ, દક્ષિણે બંગાળનો ઉપસાગર તથા પશ્ચિમે ઓરિસા અને ઝારખંડ રાજ્યની સરહદો આવેલાં છે. જિલ્લામથક મેદિનીપુર જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : રાજ્યમાં ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ આ જિલ્લાનું સ્થાન વિશિષ્ટ છે. જિલ્લાની જમીનો સંપૂર્ણપણે કાંપથી બનેલી છે. આખોય વિસ્તાર લગભગ સમતળ–સપાટ છે. જિલ્લાનો ઉત્તર અને વાયવ્ય ભાગ સખત લૅટરાઇટ ખડકોથી બનેલો છે. હુગલી અને તેની સહાયક નદીઓના ભાગો કાંપથી બનેલા છે. દક્ષિણ અને નૈર્ઋત્યમાં દરિયાઈ સ્થિતિસંજોગો પ્રવર્તે છે અને ભરતી-મોજાંની અસર રહે છે. જિલ્લાની ઉપયોગી ભૂમિ પૈકીની આશરે 1,72,000 હેક્ટર ભૂમિમાં જંગલો આવેલાં છે, તેમાં અનામત, રક્ષિત અને બિનવર્ગીકૃત જંગલોનો સમાવેશ થાય છે. જંગલોમાં સાલ, મહુડા, આમલી અને પલાશનાં વૃક્ષો વધુ જોવા મળે છે.

જિલ્લાની અગ્નિકોણી સરહદે બંગાળનો ઉપસાગર આવેલો છે. પૂર્વ સરહદે હુગલી નદી વહે છે. 72 કિમી. લંબાઈની ઈશાન સરહદ રચતી રૂપનારાયણ તેની સહાયક નદી છે. જિલ્લાના મધ્યભાગમાંથી પસાર થતી કાંગ્સાવતી નદી કમાનાકાર વળાંકો રચે છે. સુવર્ણરેખા નદી નૈર્ઋત્ય ભાગમાં થઈને કમાનાકારે પસાર થાય છે.

ખેતીપશુપાલન : આ જિલ્લો મુખ્યત્વે કૃષિપ્રધાન હોઈ મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં રોકાયેલા છે. ડાંગર, ઘઉં, કઠોળ, તેલીબિયાં, શેરડી, શણ, બટાટા અને મરચાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. કાંગ્સાવતી નદી પર બંધ બાંધેલો છે. ખેતી નહેરો, કૂવા, તળાવો અને ટ્યૂબવેલની સિંચાઈથી થાય છે. ભેંસો, ઘેટાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પશુઓ છે. પશુઓની સ્વાસ્થ્ય-સંભાળ માટે જિલ્લામાં 161 જેટલાં પશુ-દવાખાનાં આવેલાં છે. હુગલી, રૂપનારાયણ અને સુવર્ણરેખા જેવી નદીઓમાં, નદીનાળ અને ભરતી-મોજાંના વિસ્તારોમાં દરિયાકિનારે મચ્છીમારીનો વ્યવસાય ચાલે છે. માછીમાર લોકો ઑક્ટોબરથી માર્ચ સુધી માછલીઓ પકડવાનું કામ કરે છે.

ઉદ્યોગવેપાર : દરિયાકિનારા નજીક પથરાયેલી ક્ષારપોપડીવાળી જમીનોમાંથી મીઠું મેળવવાનો કરવામાં આવતો વ્યવસાય આ જિલ્લાનો મુખ્ય ખનિજ-ઉદ્યોગ ગણાય છે. અહીં લૅટરાઇટનું ખનન કરતી સપાટીખાણો આવેલી છે. લૅટરાઇટના ઉપયોગભેદે બે પ્રકારો મળે છે : માર્ગ-બાંધકામ માટે કપચી તૈયાર કરી શકાય એવો સખત પ્રકાર અને ઇમારતી બાંધકામ–ચણતરકામ કરી શકાય એવો માટીયુક્ત મૃદુ પ્રકાર. કેટલાક ભાગોમાંથી ચૂનાખડક પણ મળી રહે છે. જિલ્લામાં વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતા 88 જેટલા અધિકૃત એકમો પણ છે. ક્રાફ્ટ માટેના કાગળ, લખવાના, છાપકામના, ઔદ્યોગિક વપરાશ માટેના તથા પૅકેજિંગના કાગળો બનાવતી યુનિવર્સલ પેપર મિલ અહીંના ઝારગ્રામ ખાતે આવેલી છે.

ડાંગરનો વેપાર અહીંનો મુખ્ય વેપાર ગણાય છે. તેની જિલ્લા બહાર નિકાસ પણ થાય છે. એ જ રીતે નાગરવેલનાં પાનની પણ દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. અન્ય નિકાસી વસ્તુઓમાં બટાટા, લીલાં શાકભાજી અને તાજી-સૂકી માછલીઓનો તેમજ પિત્તળનાં વાસણો, છીપલાં-શંખ અને તેની કલાત્મક વસ્તુઓ, સાદડીઓ, લૅટરાઇટ, લાકડાં અને જંગલપેદાશો વગેરેનો સમાવેશ થાય છે. મેદિનીપુર, ઘાટાલ, તામલુક, કુકાહાટી, પાંસકુરા, ચંદ્રકોના, બાલીઘાટી, કેશિયારી, ગાર્બેટા અને નોવાદા અહીંનાં મુખ્ય વેપારી મથકો છે. અહીં કાપડ અને કપડાં, કોલસો, દવાઓ, કેરોસીન, ડીઝલ, સિમેન્ટ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લો રેલ, સડક અને હવાઈ માર્ગે રાજ્યનાં જુદાં જુદાં મથકો સાથે જોડાયેલો છે. અહીંનાં મેદિનીપુર, ખડગપુર, હલ્દિયા, દીઘ અને કોંતાઈ જુદા જુદા માર્ગો દ્વારા કૉલકાતા સાથે સંકળાયેલાં છે. મેદિનીપુરથી દક્ષિણે માત્ર 13 કિમી. અંતરે આવેલું ખડગપુર અહીંનું મોટું રેલજંક્શન છે. મેદિનીપુર–બાંકુરા ધોરી માર્ગ એક તરફ રાણીગંજને તો બીજી તરફ પુરુલિયાને જોડે છે. મેદિનીપુરથી ઝારગ્રામ થઈને ઘાટશિલા જતો માર્ગ, ખડગપુર અને બેલ્દા થઈને જતો મેદિનીપુર–દંતાન માર્ગ તથા મેદિનીપુર–પુરીનો માર્ગ અહીંના વ્યસ્ત માર્ગો ગણાય છે. ક્લાઈ–કુંડાનું જોડકું હવાઈ મથક માત્ર લશ્કરની રક્ષણહરોળ-સેવાઓ માટે વિશિષ્ટપણે ઉપયોગમાં લેવાય છે. આ જિલ્લામાં વિવિધ સ્થળોએ સંખ્યાબંધ  મંદિરો, મસ્જિદો, પ્રાચીન સ્મારકો અને વિશિષ્ટ સ્થાપત્યશૈલી ધરાવતાં ઐતિહાસિક સ્થાનો આવેલાં છે. અહીં મોટાભાગનાં જોવાલાયક સ્થળો લૅટરાઇટ ખડકમાંથી બનાવેલાં છે. બંગાળના કંઠાર વિભાગમાં આવેલું દીઘ પ્રવાસીઓ માટેનું આકર્ષક મથક ગણાય છે. આ ઉપરાંત અહીં વારતહેવારે જાતજાતના ઉત્સવો અને મેળાઓ યોજાય છે.

વસ્તી : જિલ્લાને બે વિભાગોમાં વહેંચેલો છે : (i) પશ્ચિમ મેદિનીપુર, (ii) પૂર્વ મેદિનીપુર. તેમની અનુક્રમે વસ્તી 2011 મુજબ 59,43,300 અને 50,94,238 જેટલી છે. જિલ્લામાં બંગાળી, હિન્દી, ઊડિયા, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે, જ્યારે શીખ, બૌદ્ધ અને જૈનો વગેરેનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 47,54,280 (56 %) જેટલી છે. જિલ્લામાંનાં શહેરો અને ગામડાંઓમાં જુદા જુદા તબક્કાની શિક્ષણસંસ્થાઓની સગવડ છે. અહીં કૉલેજો તથા અન્ય ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. મોટાં નગરોમાં અને ગામડાંઓમાં તબીબી સેવા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 46 પોલીસમથક-વિસ્તારોમાં અને 54 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 22 નગરો અને 11,751 (1280 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

મેદિનીપુર (મિદનાપુર) (પશ્ચિમ બંગાળ)

મેદિનીપુર (શહેર) : મેદિનીપુર જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 22° 26´ ઉ. અ. અને 87° 20´ પૂ. રે. તે હુગલીની શાખા કાસઈ નદીની નજીક ઉત્તર તરફ આવેલું છે. કૉલકાતાથી અમૃતસરના ગ્રાન્ડ ટ્રન્ક માર્ગ પરનું કૃષિપેદાશોના વેપારનું મથક છે. આ શહેર માટે રેલસુવિધા નદીની સામે પાર આવેલા ખડગપુર ખાતેથી મળે છે. અહીં રસાયણો અને રેશમી કાપડના ઉદ્યોગો અને ડાંગર છડવાની મિલો આવેલ છે. 1865માં અહીં મ્યુનિસિપાલિટીની સ્થાપના થયેલી. કૉલકાતા યુનિવર્સિટી સંલગ્ન અહીં અનેક કૉલેજો છે.

ઇતિહાસ : તેરમી સદીમાં કાર વંશના રાજાઓમાંના મેદિની કારે આ નગર વસાવ્યું હતું. તે જાણીતો લેખક હતો અને તેણે સંસ્કૃત ભાષામાં ‘મેદિનીકોશ’ની રચના કરી હતી. પ્રાચીન સમયમાં, આ જિલ્લાની પૂર્વમાં તામ્રલિપ્તિ (આધુનિક તામલુક) નામનું પ્રખ્યાત બંદર આવેલું હતું. તેની આસપાસ માછીમારો અને નાવિકો વસતા હતા. ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં અશોકે કલિંગ પર વિજય મેળવ્યો. તેથી હાલનો મેદિનીપુર જિલ્લો તેના સામ્રાજ્યનો ભાગ બન્યો. ત્યાં મૌર્ય સંસ્કૃતિનો પ્રભાવ પડ્યો હતો. તામ્રલિપ્તિ પ્રાચીન સમયમાં બંગાળના અખાતનું મહત્વનું બંદર હતું. દક્ષિણ એશિયા અને અગ્નિ એશિયા તરફ જવા-આવવા માટે પ્રવાસીઓ આ બંદરનો ખૂબ ઉપયોગ કરતા હતા. ઈ. સ.ની ચોથી અને પાંચમી સદીમાં આ પ્રદેશ ગુપ્તવંશના સમ્રાટોની સત્તા હેઠળ હતો. ચીની પ્રવાસી ફાહિયાને પાંચમી સદીમાં તામ્રલિપ્તિની મુલાકાત લીધી હતી અને ત્યાં બે વર્ષ રહ્યો હતો. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન 29 સપ્ટેમ્બર, 1942ના રોજ 72 વર્ષની વૃદ્ધા શ્રીમતી માતંગિની હઝરાએ હાથમાં ધ્વજ સહિત એક સરઘસનું નેતૃત્વ લીધું હતું ત્યારે પોલીસના ગોળીબારથી તે શહીદ થઈ હતી.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ