મેદિનીરાય (સોળમી સદીનો પૂર્વાર્ધ) : ચૌહાણ જાતિનો પુરબિયો રજપૂત સરદાર, ચંદેરીનો જાગીરદાર અને માળવાના સુલતાન અલાઉદ્દીન મહમૂદ બીજા(1511–1531)નો વજીર. તેની મદદ લઈને સુલતાન અલાઉદ્દીન મહમૂદ બીજાએ પોતાના રાજ્યમાંના બળવાખોર અમીરોને અંકુશમાં લીધા હતા. ત્યારબાદ મેદિનીરાય માળવામાં સૌથી વધારે વર્ચસ્ ધરાવનાર સરદાર ગણાતો હતો. તેણે કેટલાય અમીરોને સજા કરાવી હતી. તેને કારણે રાજ્યના અમીરો તથા મુસ્લિમ લોકો તેના વિરોધી બની ગયા હતા. તેને સત્તા પરથી દૂર કરવા તેઓ સ્થાપિત સત્તા સામે વિદ્રોહ કરતા હતા. પરંતુ મેદિનીરાય તેમની સામે ટકી રહ્યો. તેણે વિદ્રોહી અમીરોને બરતરફ કર્યા અને તેમના હોદ્દા ઉપર રજપૂતો કે અન્ય હિંદુઓ નીમ્યા. પરિણામે સરકારના ઘણાખરા વિભાગોમાં રજપૂતોની મોટી સંખ્યામાં નિમણૂકો થઈ હતી. વળી કેટલાક રજપૂતોએ મુસ્લિમ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. તેથી મુસલમાનોએ સખત વિરોધ દર્શાવ્યો. આ બધાં કાર્યોમાં મેદિનીરાયને શાલિવાહન નામના ઉચ્ચ અધિકારીનું સમર્થન મળતું હતું. ત્યારબાદ સુલતાને મેદિનીરાયને બરતરફ કરવાના પ્રયાસો કર્યા. પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી. મેદિનીરાયનું ખૂન કરાવવાનું કાવતરું પણ સફળ થયું નહિ. છેવટે ઈ. સ. 1517માં સુલતાન શિકાર કરવાના બહાના હેઠળ પોતાની પલટન સાથે માંડુ છોડીને ગુજરાત ગયો. ત્યાંના સુલતાન મુઝફ્ફરશાહ બીજાને તેણે મદદ કરવા વિનંતી કરી. તેથી બંને સુલતાનો (માળવાનો અને ગુજરાતનો) સૈન્ય સાથે માળવાના પાટનગર માંડુ ગયા. તેમણે માંડુ કબજે કર્યું અને ત્યારબાદ ત્યાંના રજપૂતોની નિર્દયતાથી કતલ કરી. સુલતાન અલાઉદ્દીન મહમૂદ બીજાને ગાદીએ બેસાડી ગુજરાતનો સુલતાન મુઝફ્ફરશાહ બીજો ગુજરાતમાં પાછો ફર્યો. આ દરમિયાન મેદિનીરાય ચિતોડના રાણા સાંગા(સંગ્રામસિંહ)ની મદદ લેવા ચિતોડ ગયો હતો. ત્યાંથી રાણા સાંગા અને મેદિનીરાયે લશ્કર સહિત માંડુ તરફ કૂચ કરી; પરંતુ માંડુ જિતાઈ ગયું હોવાથી તેઓ બંને ચિતોડ પાછા ગયા. રાણા સાંગાએ મેદિનીરાયને ચંદેરીનાં કેટલાંક પરગણાં આપ્યાં અને પોતાનો સરદાર નીમ્યો.

જયકુમાર ર. શુક્લ