રામદાસ, સ્વામી (જ. ચૈત્ર સુદ 9, શક સંવત 1530 (ઈ. સ. 1608), જાંબ, મહારાષ્ટ્ર; અ. મહા સુદ 6, શક સંવત 1603 (ઈ. સ. 1682), સજ્જનગડ, જિ. સાતારા) : મહારાષ્ટ્રના મહાન માનવધર્મી સંતપુરુષ તથા રામદાસી સંપ્રદાયના સ્થાપક, વિરક્ત રાજકારણી, શક્તિના ઉપાસક અને છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. સૂર્યોપાસક બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મૂળ નામ નારાયણ. અટક ઠોસર. વતન બેદર, પરંતુ રાજકીય ઊથલપાથલ અને દુકાળને લીધે તેમના પરિવારના મૂળ પુરુષ કૃષ્ણાજી પંતે પરિવાર સાથે શક સંવત 884માં બીડ તાલુકાના હિવરે ગામે સ્થળાંતર કર્યું. તેમના સૌથી નાના પુત્ર દશરથપંત વડગામ ખાતે રહેતા, જેને પાછળથી જાંબ નામ પ્રાપ્ત થયું. પિતાનું નામ સૂર્યાજીપંત. તેમના બે પુત્ર : ગંગાધર પંત અને નારાયણ. પાછળથી નારાયણ સ્વામી રામદાસના નામથી મહારાષ્ટ્રમાં અને અન્યત્ર ખ્યાતિ પામ્યા. માતાનું નામ રાણુબાઈ. બાળપણથી સ્વામી રામદાસને ધર્મ પ્રત્યે આસ્થા અને સંસાર પ્રત્યે વિરક્તિની ભાવના હતી. બાર વર્ષની ઉંમર સુધી તો આ બુદ્ધિમાન બાળકે શબ્દરૂપાવલી, સમાસચક્ર, અમરકોશ, રુદ્ર, પવમાન જેવા ગ્રંથો કંઠસ્થ કરી લીધા હતા. તેઓ આજન્મ બ્રહ્મચારી રહેવા માગતા હતા. પરંતુ માતાના દુરાગ્રહથી બાર વર્ષની વયે આસનગામના ભાનજી બાદનાપુરકરની પુત્રી સાથે વિવાહ નક્કી થયા; પણ લગ્નમંડપમાં પુરોહિતે ‘શુભલગ્ન સાવધાન’ની ઘોષણા કરવાની સાથે જ નારાયણ લગ્નમંડપમાંથી ભાગી છૂટ્યા અને પોતાના વતન જાંબની પાસેના જંગલમાં ત્રણ દિવસ સુધી સંતાઈ રહ્યા આ રીતે સંસારનો ત્યાગ કરી આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાના દૃઢ નિશ્ચયની શરૂઆત થઈ. ત્યારબાદ નાશિક ખાતે ગોદાવરી નદીને કિનારે પંચવટીમાં રહીને બાર વર્ષ સુધી ધર્મ અને ભારતીય જીવનદર્શનનું શિક્ષણ લીધું અને ત્યારબાદ દીક્ષા લીધી. બાળપણથી ભગવાન રામચંદ્ર તેમના આરાધ્ય દેવતા, તેથી હનુમાનના પણ તેઓ પરમભક્ત થયા. તેઓ હનુમાનનો જ અવતાર છે, એવો લોકવિશ્વાસ સમયાંતરે મહારાષ્ટ્રમાં પ્રબળ બન્યો. દીક્ષા લીધા પછી બાર વર્ષ સુધી સમગ્ર ભારતમાં તીર્થાટન કર્યું અને ત્યારબાદ સાતારા જિલ્લાના ચાફળ ગામે પોતાના માટે કુટીર અને પોતાના ઉપાસ્ય દેવ રામ અને હનુમાનનાં મંદિરો બંધાવ્યાં અને અહીં રહીને જ પોતાના ‘રામદાસી’ નામના નવા પંથ કે સંપ્રદાયની સ્થાપના કરી. તેમના ઉમદા ચારિત્ર્ય, પ્રેરક વ્યક્તિત્વ અને વિશુદ્ધ ઉપદેશથી પ્રભાવિત થયેલા અનેક લોકોએ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને આવા શિષ્યોની સહાયથી જ સમગ્ર મહારાષ્ટ્રમાં રામદાસી સંપ્રદાયનો પ્રસાર-પ્રચાર ઝડપથી થવા લાગ્યો. પોતાના શિષ્યો માટે સ્વામી રામદાસે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર મઠ સ્થાપ્યા. દરેક મઠના અંતર્ગત ભાગ તરીકે હનુમાનનાં મંદિરો અને અખાડાઓની સ્થાપના અનિવાર્ય બનાવી; જેથી વર્ણાશ્રમધર્મના અનુકરણની સાથોસાથ શારીરિક સૌષ્ઠવની ઉપાસના પણ થઈ શકે. સ્વામી રામદાસના કાર્યકાળ દરમિયાન ભારતમાં ઇસ્લામ ધર્મના બળપૂર્વક પ્રચારને અટકાવવામાં તથા સનાતન હિંદુધર્મનું રક્ષણ કરવામાં તેમણે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર સ્થાપેલા મઠોનો ફાળો મહત્વનો રહ્યો છે; એટલું જ નહિ, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના હિંદવી સ્વરાજ્યની સ્થાપનાના સ્વપ્નને નક્કર આકાર આપી તેની સ્થાપનાના કામમાં પણ આ મઠોનો ફાળો શકવર્તી રહ્યો છે. ચાફળ ખાતે તેમણે બંધાવેલ મઠને તેમણે ઊભા કરેલા અન્ય મઠોની શૃંખલામાં આદિપીઠ ગણવામાં આવે છે.
પછીનાં લગભગ બાર વર્ષ સુધી તેમણે રાયગડ દુર્ગ પાસે આવેલા શિવથર દાળ મુકામે એકાંતવાસ કર્યો; જ્યાં તેમણે કરેલા મનન-ચિંતનના પરિપાકરૂપે મહારાષ્ટ્રમાં ‘ગ્રંથરાજ’ તરીકે વંદનીય બનેલા વિખ્યાત ગ્રંથ ‘દાસબોધ’ની રચના થઈ અને તે દ્વારા તેમના સંપ્રદાયનો ઉપદેશ લિપિબદ્ધ સ્વરૂપે સુલભ થયો. આ ગ્રંથ બસ્સો સમાસ, વીસ દશકો તથા 7,731 ‘ઓવીઓ’માં નિબદ્ધ છે. ‘દાસબોધ’ ઉપરાંત તેમણે રચેલ ‘મનોબોધ’ ગ્રંથમાં રામદાસી સંપ્રદાયના સિદ્ધાંતો અને આચરણપદ્ધતિની સમજ આપેલી છે. માનવજીવનને સ્પર્શતાં અનેકવિધ પાસાંઓની તેમાં છણાવટ કરવામાં આવી છે; તેમાં માયા અને બ્રહ્મ, પ્રપંચ અને પરમાર્થ, સૃષ્ટિની રચના અને વિનાશ, બંધ અને મોક્ષ, કુવિદ્યા અને સુવિદ્યા, છદ્મવેષી ‘ગુરુ’ અને સદગુરુ, રાષ્ટ્રકારણ અને કુટિલ રાજનીતિ જેવા અનેક વિષયોનું વિવેચન છે. મહારાષ્ટ્રનો વારકરી નામથી ઓળખાતો સંપ્રદાય નિવૃત્તિપ્રેરક છે, જ્યારે સ્વામી રામદાસે પ્રસ્થાપિત કરેલા રામદાસી સંપ્રદાયમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય છે. સ્વામી રામદાસે બ્રહ્મજ્ઞાન, વર્ણાશ્રમ ધર્મ દ્વારા સૂચવેલ ધર્માચરણ અને રામભક્તિ – આ ત્રણેયનો સુગમ અને સુલભ સમન્વય કરી પોતાનો સાધનામાર્ગ પ્રસ્તુત કર્યો છે કે સ્વામી રામદાસની આ વિચારસરણી શ્રીમદભગવદગીતાના કર્મયોગની વિચારસરણી પર ઘણે અંશે આધારિત છે.
તેઓ સમર્થ રામદાસ તરીકે ઓળખાતા. તેમના ધર્મબોધથી છત્રપતિ શિવાજી એટલા બધા પ્રભાવિત થયેલા કે તેઓ પોતે વિરક્તિનો માર્ગ અપનાવી સ્વામી રામદાસનાં ચરણોમાં જ લીન થઈ પોતાનું બાકીનું જીવન વ્યતીત કરવા તત્પર થયા. સ્વામી રામદાસે પોતાના આ શિષ્યને દીક્ષા અને ગુરુમંત્ર તો આપ્યાં, પરંતુ ઐહિક જીવનમાંથી મુક્તિ લેવાને બદલે કર્મવીર ક્ષત્રિય બનીને ભારતની ધર્મભીરુ પ્રજાને ‘મ્લેચ્છો’ના સકંજામાંથી બચાવી દેશનો ઉદ્ધાર કરવા માટે હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરવાની શિખામણ આપી; જે શિવાજી મહારાજે આજ્ઞાના રૂપમાં સ્વીકારી નિષ્ઠાથી કર્મવીર ક્ષત્રિયનું કાર્ય નિભાવ્યું. આ રીતે છત્રપતિ શિવાજીના હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટેના યુગપ્રવર્તક કાર્યમાં પ્રેરક બળ તરીકે સ્વામી રામદાસનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.
સ્વામી રામદાસે રાજ્યધર્મ વિશે રજૂ કરેલા વિચારો પણ નોંધપાત્ર છે. સ્વરાજ્ય અને સુરાજ્યનો સમન્વય થાય ત્યારે જ રામરાજ્યની સ્થાપના સાચા અર્થમાં થાય એવું તેમનું મંતવ્ય હતું. રાજા રાજકારણનો જાણકાર એટલે કે વ્યવહારચતુર હોવો જોઈએ, લોકકલ્યાણ પ્રત્યે તેની નિષ્ઠા સંપૂર્ણ હોવી જોઈએ, તે સંયમી અને સદાચારી હોવો જોઈએ. તે ધર્મ અને પ્રજાનો રક્ષણકર્તા હોવો જોઈએ અને દરેક નાગરિક પ્રત્યે તેના મનમાં ન્યાય અને સમતાની ભાવના હોવી જોઈએ. એ તેમની વિચારણાનો નિષ્કર્ષ હતો.
ઐહિક પુરુષાર્થ પર આધારિત પરોપકારી અને પ્રગતિશીલ સમાજવ્યવસ્થા ઊભી કરવાનું સ્વામી રામદાસનું જીવનધ્યેય હતું. તેમણે તેમના જીવનકાર્યમાં ધર્મકારણ, રાષ્ટ્રકારણ અને સમાજકારણ – આ ત્રણેયનો સુભગ સમન્વય કર્યો હતો. વિશિષ્ટ પરિસ્થિતિમાં રાષ્ટ્રકારણને ધર્મકારણનું અવિભાજ્ય અંગ માનનારા સ્વામી રામદાસ ભારતના કદાચ પ્રથમ અને પ્રાચીન જમાનાના એકમાત્ર સંતપુરુષ ગણી શકાય. રાજા ધર્મ-સંસ્થાપક, પ્રજાનું કલ્યાણ કરનારો, સજ્જનોનું રક્ષણ કરનારો અને દુર્જનોનો સંહાર કરનારો હોવો જોઈએ એવી ‘રામરાજ્ય’ની આદર્શ વિભાવના તેમણે તેમના દાસબોધ ગ્રંથમાં પ્રતિપાદિત કરી છે.
‘મનાચે શ્ર્લોક’ નામથી પ્રચલિત બનેલાં તેમનાં પ્રભાતિયાં આજે પણ મહારાષ્ટ્રના સંસ્કારી પરિવારોમાં ગવાતાં હોય છે. આ સિવાય પણ તેમણે સર્જેલ સાહિત્ય વિપુલ છે; તેમણે રચેલ 1,300 ઓવીઓ ધરાવતા રામાયણમાં બે જ કાંડનો સમાવેશ કરવામાં આવ્યો છે : સુંદરકાંડ અને યુદ્ધકાંડ. કરુણામય સ્તોત્રોનો સંગ્રહ ‘કરુણાષ્ટક’ નામથી ઓળખાય છે.
જીવનનાં છેલ્લાં ચાર વર્ષો તેમણે સાતારાની બાજુમાં આવેલ સજ્જનગડ પર નિવાસ કરીને વિતાવ્યાં હતાં, જ્યાં તેમની સમાધિ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે