રામદાસી સંપ્રદાય : મહારાષ્ટ્રના અગ્રણી સંત સ્વામી રામદાસ (1608-81) દ્વારા સંસ્થાપિત ધાર્મિક સંપ્રદાય. તે શ્રી સંપ્રદાય, દાસ સંપ્રદાય, સમર્થ સંપ્રદાય જેવાં વિવિધ નામથી પણ ઓળખાય છે. સ્વામી રામદાસે તત્કાલીન પરિસ્થિતિને અનુસરીને તેમના આ સંપ્રદાયની રચના કરી હતી. પોતાના જીવનકાળ દરમિયાન તે જે ધર્મકાર્ય અને રાષ્ટ્રકાર્ય કરવા માગતા હતા તે કાર્યો તેમના પછી પણ અબાધિત રીતે ચાલુ રહી શકે તે હેતુથી રામદાસ સ્વામીએ આ સંપ્રદાયની સ્થાપના કરી હતી.

રામદાસી સંપ્રદાયના કેન્દ્રમાં જે કેટલીક બાબતો વિશેષ રૂપે મૂકવામાં આવી હતી તેમાં શ્રીરામની ભક્તિ, શક્તિની ઉપાસના અને સામુદાયિક જીવનશૈલીનું અનુસરણ – આ ત્રણ બાબતો મહત્વની ગણી શકાય. સ્વામી રામદાસ ભગવાન રામના પરમ ભક્ત હતા એ ખરું, પરંતુ તેમના સમયગાળાની દેશની અને સમાજની પરિસ્થિતિના વિશિષ્ટ સંદર્ભમાં રામદાસે ધનુર્ધારી રામને પોતાના ઉપાસ્ય દેવ તરીકે સ્વીકાર્યા અને તેમના અનુયાયીઓને પણ આવા આદર્શ અને શક્તિશાળી ભગવાનની ઉપાસના કરવાની શિખામણ આપી.

સ્વામી રામદાસ શક્તિના ઉપાસક હતા. તેથી તેમણે શરીરસૌષ્ઠવ પર વિશેષ ભાર મૂક્યો હતો. જે સમાજ શક્તિસંપન્ન હોય તે જ સ્વમાનથી જીવી શકે છે એવી તેમની દૃઢ માન્યતા હતી અને તેથી તેમણે પોતાના અનુયાયીઓને સંગઠિત કરવા માટે તથા તેમનામાં સામુદાયિક જીવન જીવવાની શૈલીનો સંચાર થાય તે હેતુથી મહારાષ્ટ્રમાં ઠેર ઠેર મઠોની સ્થાપના કરી, વ્યાયામશાળાઓ ઊભી કરી તથા ધનુર્ધારી રામ અને હનુમાનનાં મંદિરો બંધાવ્યાં. ભારતીય સમાજ શક્તિશાળી, નિ:સ્વાર્થ અને રાષ્ટ્ર માટે ગમે તે ત્યાગ કરવા સતત તત્પર હોવો જોઈએ એ સ્વામી રામદાસનું જીવનધ્યેય હતું. આ ધ્યેયને અનુસરીને તેમણે મઠોનું બંધારણ ઘડ્યું હતું. મઠાધિપતિએ ભિક્ષુકવૃત્તિથી જીવન પસાર કરવું જોઈએ; પોતાના માટે કોઈ પણ પ્રકારની અંગત મિલકત ઊભી કરવી જોઈએ નહિ. માત્ર મઠાધિપતિએ જ નહિ; પરંતુ તેમની સાથે મઠમાં રહેનારા દરેકે નિખાલસ અને શિસ્તબદ્ધ રીતે જીવનવ્યવહાર કરવો જોઈએ એવો રામદાસ સ્વામીનો આગ્રહ રહેતો. રામદાસ સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ 1,100 મઠોની સ્થાપના કરી હતી અને તે દરેકમાં ચારિત્ર્યસંપન્ન યુવાન મહંતોની નિમણૂક કરી હતી. મઠમાં નિવાસ કરનારાઓ વચ્ચે પરસ્પર એકતા અને સહકારની ભાવના હોવી જોઈએ એ પર વિશેષ ભાર મૂકવામાં આવતો હતો. છત્રપતિ શિવાજીની સ્વરાજ્યની સ્થાપના માટેની ઝુંબેશમાં આ મઠોએ અગત્યની ભૂમિકા ભજવી હતી.

સ્વામી રામદાસના મત મુજબ દરેક માનવીએ મોક્ષપ્રાપ્તિની ઝંખના કરવી જોઈએ, પરંતુ તેમ કરતી વેળાએ દરેકે પ્રપંચની અવગણના કરવી જોઈએ એવું તેઓ માનતા નહિ. પોતાના સંપ્રદાયના અનુયાયીઓએ પ્રપંચ અને પરમાર્થ  આ બંને વચ્ચે સમન્વય સાધવાનો સક્ષમ પ્રયાસ કરવો જોઈએ એવી તેમની શિખામણ હતી. માત્ર ભક્તિથી મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહિ. તે માટે દરેક માનવીએ સભાન રીતે પ્રયત્ન કરવા જોઈએ, પોતાનાં કર્તવ્યોનું પરિપાલન કરવું જોઈએ, સમાજ પ્રત્યેના ઋણની અદાયગી કરવી જોઈએ – આવો તેમનો ઉપદેશ હતો.

રામદાસી સંપ્રદાયના અનુયાયીઓ માટે આ સંપ્રદાયના જનકે વીસ જેટલાં લક્ષણો નક્કી કર્યાં હતાં, જેમાં અધ્યયન, વૈરાગ્ય, વિવેકપૂર્ણ તથા વ્યવહારદક્ષતાભર્યું વર્તન, ત્યાગ અને સમર્પણની ભાવના, બધાં સાથે સમાન વ્યવહાર અને રામની નિરપેક્ષ ભક્તિ – આ બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

સ્વામી રામદાસના જીવનકાળ દરમિયાન આ સંપ્રદાયનો મહારાષ્ટ્રમાં ઝડપભેર વિકાસ થયો હતો અને તેમના અનુયાયીઓએ રાષ્ટ્રકારણ અને સમાજકારણ – આ બંનેમાં વિધેયાત્મક ભૂમિકા ભજવી હતી, પરંતુ ત્યારબાદ તેમાં ઓટ આવતી ગઈ અને હવે તેનું માત્ર ઔપચારિક સ્વરૂપ બાકી રહ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે