રામદાસ (ગુરુ) (જ. 1534; અ. 1581) : અમૃતસરનો પાયો નાખનાર શીખોના ચોથા ગુરુ. મૂળ નામ જેઠા. લાહોર પાસે ચુનેમંડી ગામે ખત્રી જાતિના સોધિ કુટુંબમાં જન્મ. પિતા હરિદાસ, માતા દયાકુંવરી. બાર વર્ષની વયે માતાપિતાનું અવસાન થતાં દાદી પાસે ઊછર્યા. નાનપણથી સાધુસંતોનાં દર્શન કરવા અને કથાવાર્તા સાંભળવા જતા. એક વાર શીખોના ગુરુ અમરદાસ પાસે ગયા અને ત્યાં જ રોકાઈ ગયા. ગુરુનિવાસની સાફસફાઈ અને ગુરુની સેવાશુશ્રૂષા એ બંને કામ તેમણે ખૂબ નિષ્ઠા અને ભક્તિપૂર્વક બજાવવા માંડ્યાં. પ્રભાવશાળી દેહ, હસમુખો ચહેરો અને વિનયશીલ વર્તનથી ગુરુ પ્રસન્ન થયા. ગુરુએ તેમને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા અને તેમની વેરે પોતાની પુત્રીનાં લગ્ન કર્યાં. જેઠા હવે ‘રામદાસ’ નામ પામ્યા. રામદાસને મન ગુરુની ભક્તિ અને તેમની આજ્ઞાનું પાલન સર્વોપરિ હતાં. ગુરુના બીજા જમાઈ રામાદાસ હતા. આ રામાદાસ અને રામદાસની પરીક્ષા કરવા ગુરુએ રામાદાસ પાસે એક ચબૂતરો કરાવ્યો અને તે નાપસંદ કરી તોડાવી નાખ્યો. ગુરુએ બીજી વાર પણ એમ જ કર્યું. ત્રીજી વાર એમ કરવાનું કહેતાં રામાદાસે ‘ગુરુ વૃદ્ધ થયા હોઈ તેમની બુદ્ધિ ઠેકાણે નથી’ એમ કહી તેમની અવજ્ઞા કરી. ગુરુએ આ જ કામ રામદાસને કરવા કહ્યું. તેમણે એ મુજબ સાત વાર ચબૂતરો બનાવી સાતેય વાર તોડી નાખ્યો. ગુરુની આજ્ઞાના પાલનમાં સહેજ પણ વિચલિત ન થતા રામદાસથી ગુરુ ભારે પ્રસન્ન થયા અને તેમને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા. વળી આશીર્વાદ આપતાં કહ્યું કે મારી આજ્ઞાથી તેં સાત વાર ચબૂતરો તોડીને ફરીથી બનાવ્યો છે, માટે તારી સાત પેઢીઓ ગુરુની ગાદી પર બેસશે. ગુરુની આ વાણી સાચી ઠરી.

અમરદાસે ફરતાં ગામોની મધ્યમાં આવેલા જંગલમાં એક જળાશય ખોદાવવાનો રામદાસને આદેશ આપ્યો. તે પ્રમાણે તેમણે કામનો પ્રારંભ કરી દીધો, પરંતુ જળાશય પૂરું ખોદાઈ રહે તે પૂર્વે ગુરુ અમરદાસનો દેહાંત થયો (1574). ગુરુ-ગાદીએ આવેલા રામદાસે સરોવરનું કામ પૂરું કરાવી ગુરુના નામ પરથી તેને ‘અમરસર’ નામ આપ્યું. અપાર શ્રદ્ધા અને અથાક પરિશ્રમથી ખોદાયેલ અમરસરની આસપાસ ધીરે ધીરે રામદાસપુર નામે નાનું ગામ વસ્યું. ગુરુ રામદાસ પણ અહીં આવી વસ્યા. ધીમે ધીમે તીર્થધામ તરીકે આ સ્થાનનો વિકાસ થવા લાગ્યો. ગુરુ રામદાસે અહીં જળાશયની મધ્યમાં હરિમંદિર બંધાવવું શરૂ કર્યું, જે સમય જતાં સુવર્ણમંદિર તરીકે વિખ્યાત થયું. સમય જતાં નગર તેમજ જળાશય બંનેને અમૃતસર નામ પ્રાપ્ત થયું.

ગુરુ રામદાસે શીખ ધર્મના પ્રચારાર્થે અનેક યોગ્ય વ્યક્તિઓને નિયુક્ત કરી. આવા પ્રચારકોને તેઓ ‘મસંદ’ કહેતા. શીખ ધર્મને સંગઠિત કરવાના તેમણે પ્રયાસ કર્યા અને શિષ્યો પાસેથી નિયમિત દક્ષિણા લેવા માંડી. દીનદુ:ખીઓ પ્રત્યે તેમને અપાર હમદર્દી હતી અને તેમનાં દુ:ખદર્દો ઘટાડવા અનેક રચનાત્મક ઇલાજો યોજતા. તેમના દેહાંત પછી તેમના તેજસ્વી પુત્ર અર્જુનદેવ શીખોના પંચમ ગુરુ થયા. ગુરુ રામદાસ જે કુટિરમાં રહેતા હતા તે સ્થાન હવે ‘ગુરુ કા મહલ’ નામે ઓળખાય છે.

પ્રવીણચંદ્ર પરીખ