રામતીર્થ, સ્વામી (જ. 22 ઑક્ટોબર 1873, મુરાલીવાલા, જિ. ગુજરાનવાલા, પંજાબ; અ. 17 ઑક્ટોબર 1906, ટિહરી) : આધુનિક કાલના આદર્શ સંન્યાસી અને પ્રસિદ્ધ વેદાંતી વિદ્વાન. મૂળ નામ તીર્થરામ. પિતા હીરાનંદ ગોસ્વામી ગરીબ પુરોહિત હતા. તીર્થરામ નાના હતા ત્યારે માતાનું અવસાન થયું, તેથી મોટાભાઈની દેખરેખ નીચે ઊછર્યા. ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો શાળા અને કૉલેજનો અભ્યાસ થયો.
દસ વર્ષની વયે માધ્યમિક શિક્ષણ માટે તેઓ ગુજરાનવાલા ગયા. ત્યાં તેમના પિતાના મિત્ર ભગત ધન્નારામને ત્યાં રહ્યા. ધન્નારામ બ્રહ્મચારી હતા અને યોગમાર્ગમાં દીક્ષિત થયા હતા. ધન્નારામનો તીર્થરામ પર ભારે પ્રભાવ પડ્યો. ધન્નારામ તેમને સંસ્કાર આપવાનું અને અધ્યાત્મમાર્ગે દોરવાનું કામ કરતા રહ્યા. કૉલેજના ઉચ્ચ શિક્ષણ માટે લાહોર ગયા ત્યારે પણ તેમનો ધન્નારામ સાથેનો આધ્યાત્મિક પત્રવ્યવહાર ચાલુ રહ્યો. વિદ્યાર્થી તરીકે તીર્થરામ કુશાગ્ર બુદ્ધિના હતા. પોતાના વિષયનું વાચન કરવા ઉપરાંત પોતાનો બાકીનો બધો સમય આધ્યાત્મિક પુસ્તકોના વાચન મનનમાં વિતાવતા. તુલસીદાસ, સૂરદાસ, તુકારામ, ગુરુ નાનક, મીરાંબાઈ અને કબીરદાસ તેમજ બીજા અનેક સંતોનાં જીવનચરિત્ર અને તેમના ભક્તિસાહિત્યનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. ગણિત વિષયમાં વિશેષ ગુણવત્તા સાથે એમ.એ.ની પરીક્ષા પાસ કરતાં તેમની લાહોરની ફૉરમૅન ક્રિશ્ચિયન કૉલેજમાં અધ્યાપક તરીકે નિયુક્તિ થઈ (1896). દરમિયાનમાં 1895માં તેમણે સિયાલકોટમાં ‘The problem of India’ નામનું પ્રસિદ્ધ વ્યાખ્યાન આપી બૌદ્ધિકોને આકર્ષ્યા હતા. વિવેકાનંદ લાહોર ગયા ત્યારે પ્રો. તીર્થરામે તેમને પોતાને ત્યાં નિમંત્ર્યા હતા. તીર્થરામ વિવેકાનંદના વ્યક્તિત્વથી ભારે પ્રભાવિત થયા હતા અને વિવેકાનંદ પણ તેમના આધ્યાત્મિક વિચારોથી આકર્ષાયા હતા. 1899માં તીર્થરામ ઑરિયેન્ટલ કૉલેજ, લાહોરમાં રીડર તરીકે જોડાયા, પણ તેમણે અધ્યાત્મમાર્ગ તરફનું ખેંચાણ વધાર્યું હતું. તેઓ આ ગાળામાં સાધારણ ધર્મસભા સાથે પ્રગાઢપણે સંકળાયા હતા. એ સભાએ તેમને 12મી જુલાઈ 1900ના રોજ ‘અર્વાચીન વ્યાસ’ની પદવી આપી જાહેરમાં તેમનું બહુમાન કર્યું હતું. પણ છેવટે તેમણે વિરક્તિના માર્ગે પ્રયાણ કરવા નક્કી કર્યું અને બે દિવસ પછી માત્ર 27 વર્ષની વયે રાજીનામું આપી નિવૃત્ત થયા અને લાહોર છોડી હરદ્વાર હૃષિકેશ ચાલ્યા ગયા.
તીર્થરામનાં નાની વયે લગ્ન થયાં હતાં અને તેમને બે પુત્રો પણ હતા. તેઓ નિવૃત્ત થઈ સાધનાર્થે હિમાલયમાં રોકાયા ત્યારે શરૂઆતમાં તેઓ પરિવાર સાથે ગયા હતા, પણ ત્યાંની હાડમારી તેમનાં પત્ની અને પુત્રો સહન કરી શક્યાં નહિ, તેથી તેઓ પોતે એકલા જ ત્યાં રહેવા લાગ્યા.
તીર્થરામ ચૈતન્યમતના ચુસ્ત અનુયાયી હતા અને શ્રીકૃષ્ણનું નિરંતર ધ્યાન કરતા હતા. તેમના વિરહમાં રુદન પણ કરતા હતા. તેઓ રાતદિવસ ભગવત્સેવામાં રત રહેતા હતા. શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં એમને સમાધિ લાગી જતી હતી. છેવટે તેમણે કોઈ ગુરુ પાસે વિધિવત્ દીક્ષા ન લેતાં પોતાના હાથે પોતાના વાળ કાપી નાંખી સંન્યાસી વેશ અને ‘રામતીર્થ’ નામ ધારણ કર્યાં. તેઓ 1902માં ટોકિયો અને ત્યાંથી અમેરિકા ગયા. બે વર્ષ સુધી તેમણે ‘ભારતના આધ્યાત્મિક દૂત’ તરીકે જગતના દેશોમાં ફરીને વેદાંતદર્શનનાં ગૂઢ રહસ્યોનો ઉપદેશ કર્યો.
સ્વામી રામતીર્થ કહેતા કે જેમ માછલી જળમાં અને પક્ષીઓ હવામાં જીવે છે તેમ મનુષ્ય પ્રકાશના મહાસાગરમાં જીવે છે. અંધકારમાં પણ, વિજ્ઞાન કહે છે તેમ, પ્રકાશ તો છે જ અને ભીતરનો પ્રકાશ તો હંમેશાં છે જ. પ્રગાઢ નિદ્રાની સ્થિતિમાં પણ પ્રકાશ હોય છે. આથી પ્રથમ આ પ્રકાશનો સાક્ષાત્કાર કરવો જોઈએ. જ્યારે ૐનું ઉચ્ચારણ કરો ત્યારે તમે પ્રકાશમાં છો એવો અનુભવ કરો. આના સતત અભ્યાસથી ‘દિવ્ય’ સાથેનું તાદાત્મ્ય સ્થપાતું જશે. વસ્તુત: પ્રકાશિત આત્મા ૐ કે ‘હું છું’ – એ દરેકમાં છે. તે અપરિણામી છે. ‘સોહમ્’ એ પરમ સત્ય છે અને તેને ૐ વડે રજૂ કરવામાં આવે છે. તેથી તેના દ્વારા આત્મસાક્ષાત્કાર પામવો જોઈએ.
ટિહરીમાં તેઓ તેમના રસોઇયા સાથે રહેતા હતા, ત્યારે દિવાળીના દિવસે નદીસ્નાન કરવા જતાં તીવ્ર પ્રવાહની ભ્રમરીમાં ફસાયા. પોતે બહાર નીકળવા ઘણી મથામણ કરી, પણ અંતે જલમાં ગરકાવ થઈ ગયા. આમ 33 વર્ષની વયે તેમના ગૌરવપૂર્ણ જીવનનો અંત આવ્યો.
પ્રવીણચંદ્ર પરીખ
ચીમનલાલ વલ્લભરામ રાવળ