રામદાસ (જ. 1876; અ. 12 જાન્યુઆરી 1960) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક કલાકાર. તેમના પિતા પં. શિવનંદન મિશ્ર એક સારા સંગીતકાર હતા. કહેવાય છે કે પં. શિવનંદનનું સંગીત સાંભળી શ્રી ભાસ્કરાનંદ સ્વામી નામે મહાત્મા ખૂબ પ્રસન્ન થયા હતા અને તેમણે આપેલ આશીર્વાદ બાદ રામદાસજીનો જન્મ થયો હતો.

બાળપણથી જ રામદાસને સંગીત પ્રત્યે ખૂબ લગાવ હતો. સંગીતના સંસ્કાર ખૂબ નાનપણથી તેમને મળ્યા હતા. પિતાના દરેક કાર્યક્રમમાં તેઓ જતા. સંગીતની તાલીમ પણ તેમને તેમના પિતાએ જ આપી હતી. તીવ્ર બુદ્ધિ તથા એકાગ્રતાથી કરેલ સાધનાને કારણે તેઓ એક સારા ગવૈયા બની શક્યા. પોતાની ત્રીસેક વર્ષની ઉંમર થતા સુધી દિવસના અઢાર અઢાર કલાક તેમણે સંગીત-સાધના કરી હતી. પોતાના પિતા ઉપરાંત સસરા પંડિત જયકરણ પાસેથી પણ તેમણે લગભગ પાંચ સો જેવા ધ્રુપદ-ધમાર અને જુદા જુદા તાલોમાં નિબદ્ધ બંદિશોનું જ્ઞાન મેળવ્યું હતું.

ધીમે ધીમે રામદાસજીની કીર્તિ ચોમેર ફેલાવા લાગી. નેપાળ-નરેશના આમંત્રણથી તેઓ નેપાળ ગયા અને ત્યાં રાજગાયક તરીકે બારેક વર્ષ સુધી રહ્યા. પતિયાળા, રામપુર વગેરે રાજ્યોમાં પણ તેમને માનસન્માન મળ્યું. પં. વિષ્ણુ દિગંબર પળુસકરે રામદાસને ‘હિંદુ જ્ઞાતિનો ધ્વજ’ કહીને બિરદાવ્યા હતા.

કલાકાર તરીકેની કારકિર્દીની સાથે સાથે રામદાસે સંગીતવિદ્યાનું વિતરણ પણ સારી પેઠે કર્યું. 80 વર્ષની ઉંમર સુધી તેઓ સવારે 4 કલાક અને સાંજે 6 કલાક શિષ્યોને ગાયન-વાદનની તાલીમ આપતા હતા. તેઓ જુદી જુદી ગાયકીના જાણકાર હતા છતાં તેઓ મુખ્યત્વે ખ્યાલગાયક હતા. તેમણે રંજક તથા પાંડિત્યપૂર્ણ એવી અનેક બંદિશો બાંધી છે અને સાથોસાથ કેટલાંક પદો પણ રચ્યાં છે. તેમનાં પદોમાં ઈશ્વર-ભક્તિ તથા સંગીત-પ્રેમ ભારોભાર ભરેલાં દેખાય છે. પદોને અંતે ‘रामदास के मोहन प्यारे’ અથવા ‘रामदास के गोविंद स्वामी’ એમ તેઓ લખતા.

વિદ્યાર્થીઓને ગાયનવિદ્યા ઉપરાંત સારા સંસ્કાર આપવાના પણ તેઓ આગ્રહી હતા. તેમના શિષ્યોમાં તેમના પુત્ર પંડિત હરિશંકર મિશ્ર, વિદુષી સિદ્ધેશ્વરીદેવી, ગોપાલપ્રસાદ મિશ્ર જેવાં વિખ્યાત સંગીતકારોનો સમાવેશ થાય છે.

તેઓ ‘બડે રામદાસ’ નામે પણ ઓળખાતા હતા.

નીના ઠાકોર