મેકેન, અડા આઇઝૅક (જ. 15 જૂન 1835, ન્યૂ ઑર્લિયન્સ, લૉસ ઍન્જલસ; અ. 10 ઑગસ્ટ 1868, પૅરિસ, ફ્રાન્સ) : અભિનેત્રી. તેમના સાવકા પિતા તથા પ્રથમ પતિના અવસાન પછી, તેમણે નર્તકી તરીકે તથા સર્કસમાં ઘોડેસવાર તરીકે કામ કરીને પોતાનું ભરણપોષણ કરવાનું ચાલુ રાખ્યું. 1857માં તેમણે ફિલ્મજગતમાં અભિનય-ક્ષેત્રે પ્રવેશ કર્યો. 1861 દરમિયાન આખાય અમેરિકામાં તેઓ એકાદ અત્યંત તોફાની અને ઉદ્દંડ ઘોડા સાથે બંધાઈને લગભગ સાવ નગ્ન હાલતમાં સ્ટેજ પર ખેલ કરતાં રહ્યાં; આને પરિણામે તેઓ ખૂબ વિવાદાસ્પદ વ્યક્તિ બની રહ્યાં. લંડનમાં તેમને આ જ પ્રકારની સ્ટેજ-કામગીરી કરવા બદલ પ્રત્યેક શો દીઠ 500 પાઉન્ડ અપાતા હતા. તે વખતે કોઈ પણ અભિનેત્રીને ચૂકવાયેલી આ સૌથી મોટી રકમ ગણાતી હતી. ડિકન્સ, રોઝેટી તથા સ્વિનબર્ન જેવા સાહિત્યિક અગ્રણીઓની પણ તેઓ પ્રેરણામૂર્તિ બની રહ્યાં હતાં અને લગ્નબદ્ધ તથા લગ્નેતર જીવનમાં અનેક શરમજનક અને આઘાતજનક ઘટનાઓ સાથે તેઓ સંકળાયેલાં રહેલાં.
મહેશ ચોકસી