મેકેન્ઝી–1 (નદી – ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્વીન્સલૅન્ડની ફિટ્ઝરૉય નદીની સહાયક મુદતી નદી. ભૌગોલિક સ્થાન : 23° 0´ દ. અ. અને 149° 0´ પૂ. રે.. પૂર્વ તરફના ઉચ્ચપ્રદેશીય વિભાગમાંથી નીકળતી કૉમેટ અને નોગોઆ નદીઓના સંગમ પછીથી બનતી નદી એ મેકેન્ઝી નદી. સંગમ પછી તે એક્સપિડિશન હારમાળાને વીંધીને ઈશાન તરફ 275 કિમી.ના અંતર સુધી વહીને અગ્નિ દિશા તરફ જાય છે, ત્યાંથી તે ડાઉસન નદી સાથે જોડાઈને છેવટે ફિટ્ઝરૉય નદી બની રહે છે. આઇઝેક તેની મુખ્ય સહાયક નદી છે. 1844માં લુડવિગ લિશાર્ટે તેની શોધ કરેલી અને ક્વીન્સલૅન્ડના વસાહતી સર ઇવાન મેકેન્ઝીના માનમાં તેને મેકેન્ઝી નામ અપાયેલું. તેના ખીણપ્રદેશમાં ગોમાંસ (બીફ) માટે ઢોરઉછેર થાય છે અને ત્યાં ડેરીઉદ્યોગનો વિકાસ થયો છે.

મેકેન્ઝી–2 (નદી – કૅનેડા) : ઉત્તર અમેરિકા ખંડના વાયવ્ય ભાગમાં કૅનેડામાં આવેલી નદીરચના (river system). કૅનેડાના આ ભાગમાં તે ઘણું જ મહત્વનું જળપરિવાહથાળું રચે છે. કૅનેડાના વાયવ્ય ભાગમાં આવેલા ગ્રેટ સ્લેવ સરોવરમાંથી તે નીકળે છે, વાયવ્ય કૅનેડામાં વિશાળ ગણાતું તેનું થાળું 18,41,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિશાળતામાં તે આ ખંડની મિસિસિપી-મિસૂરીના નદીથાળાથી બીજા ક્રમે આવે છે. ગ્રેટ સ્લેવ સરોવરથી બ્યૂફૉર્ટ સમુદ્ર સુધીની તેની લંબાઈ 1,705 કિમી. જેટલી છે.  તેને મથાળે આવેલ ફિનલે નદીનો પણ જો તેમાં સમાવેશ કરવામાં આવે તો તેની સંયુક્ત લંબાઈ 4,240 કિમી. જેટલી થાય છે. આ નદીની પહોળાઈ સ્થાનભેદે મોટેભાગે તો 1.6થી 3.2 કિમી. જેટલી છે, પરંતુ ક્યાંક ક્યાંક તે વધીને 4.8થી 6.4 કિમી. જેટલી પણ જોવા મળે છે. આ નદીની શોધ સર ઍલેક્ઝાન્ડર મૅકેન્ઝીએ કરી હતી.

નદીથાળાની જળપરિવાહ રચનાના ઉપરવાસમાં ઘણી નાની નાની નદીઓ તેમાં ભળે છે. તે બધી બ્રિટિશ કોલંબિયા અને ઉત્તર આલ્બર્ટાના જંગલ-પ્રદેશોમાંથી વહે છે. તે પૈકી લિયાર્ડ, પીસ અને આથાબાસ્કા મુખ્ય છે. કૅનેડિયન ભૂકવચની રૉકિઝ ટેકરીઓમાંથી નીકળતી નાની નાની નદીઓ પૂર્વ તરફથી આવીને તેમાં ભળે છે. આ નદીથાળાની જળપરિવાહ રચનામાં ગ્રેટ સ્લેવ સરોવર તેમજ ગ્રેટ બિયર સરોવરનો પણ સમાવેશ થઈ જાય છે.

મેકેન્ઝી નદીરચનાને કિનારે વસ્તીનું પ્રમાણ ઓછું છે. વળી તેની આજુબાજુ કુદરતી સંપત્તિ પણ ઓછી છે. ત્યાં જવાઆવવાનું પણ દુર્લભ બની રહે છે. આ કારણે અહીં વન્ય પ્રાણીજીવન પાંગર્યું છે અને રમણીય કુદરતી શ્યો પણ જોવા મળે છે. અહીંનાં મોટાં સરોવરોમાં મત્સ્યસંપત્તિનું પ્રમાણ પણ સારું છે. દક્ષિણ ભાગોમાં લાકડાં અને કૃષિપેદાશો મર્યાદિત પ્રમાણમાં મળી રહે છે. જ્યાં જ્યાં ખનિજપેદાશો મળે છે ત્યાં વસાહતોનું પ્રમાણ સારું છે. આ વિસ્તારમાં નૉર્મન વેલ્સ(Norman Wells)માં 1921માં સર્વપ્રથમ તેલકૂવાની ખોજ કરવામાં આવેલી, તે પછીથી મેકેન્ઝીના ત્રિકોણપ્રદેશમાં 1970ના દાયકાની શરૂઆતમાં બીજા તેલકૂવાઓની પણ શોધ થઈ. મેકમરેની ઉત્તરમાં આથાબાસ્કા નદીને કિનારે ટાર-રેતી  (tar-sands) થરોમાંથી વિપુલ પ્રમાણમાં તેલ મળે છે. અહીંથી નીકળતું તેલ આલ્તા(Alta)ના એડમન્ટન સુધી પાઇપલાઇન મારફતે દક્ષિણ તરફ લઈ જવાય છે, જ્યાંથી તે દક્ષિણ કૅનેડામાં તેમજ ઉત્તર યુ.એસ.માં આવેલી રિફાઇનરીઓમાં પહોંચાડાય છે.

આ નદીથાળાનાં જળ મોટાં ઔદ્યોગિક અને શહેરી સ્થળો માટે અપાતાં હોવાથી 1960–70ના દાયકા સુધી તો તે જળવિદ્યુત-ઊર્જા મેળવવા ઉપયોગમાં લેવાયેલાં નહિ. ત્યારપછી પીસ નદી પર બંધ બંધાયો અને તે પછી જ તેમનાં જળનો ઉપયોગ થઈ શક્યો. આ ઉપરાંત સ્નેર અને તાલસ્ટન (Talston) નદીઓ પર અન્ય જળ-વિદ્યુત-મથકો પણ વિકસાવાયાં છે.

ગિરીશભાઈ પંડ્યા