મૅકિયાવેલી (જ. 3 મે 1469, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 22 જૂન 1527 ફ્લૉરેન્સ) : નવજાગૃતિના સમયના મહત્વના રાજકીય ચિંતક અને લેખક. ઈ. સ. 1498માં તેમને ફ્લૉરેન્સના પ્રજાસત્તાકના સરકારી તંત્રમાં મંત્રી નીમવામાં આવ્યા. તેમાં તેમનું મુખ્ય કાર્ય રાજકીય પ્રતિનિધિમંડળોના સંચાલનનું અને તેમને માર્ગદર્શન આપવાનું હતું. આ પ્રજાસત્તાક માટે તેમણે લશ્કરી દળ પણ તૈયાર કર્યું હતું. ઈ. સ. 1512માં આ પ્રજાસત્તાક પડી ભાંગ્યું. ફ્લૉરેન્સ પર અગાઉ રાજ્ય કરનાર મેડિસી કુટુંબ સત્તાધીશ બન્યું. મેડિસી પરિવારની સત્તા વિરુદ્ધ કાવતરું કરવાના વહેમથી તેમની ધરપકડ કરી, ત્રાસ ગુજારી જેલમાં પૂરવામાં આવ્યા; પરન્તુ એક વર્ષથી ઓછા સમયમાં તેમને મુક્ત કરવામાં આવ્યા. સરકારી અધિકારી તરીકે તેમણે પ્રાપ્ત કરેલા અનુભવો અને ઇતિહાસના અભ્યાસ પરથી રાજકારણ પ્રત્યે તેઓ અલગ ર્દષ્ટિથી જોવા લાગ્યા. મધ્યયુગના રાજ્યશાસ્ત્રના લેખકો રાજકારણને ધર્મના માળખામાં આદર્શ તરીકે જોતા હતા; પરંતુ મેકિયાવેલી રાજકારણને વાસ્તવિક રીતે સમજાવતા હતા. તેઓ માનતા હતા કે રાજ્ય વ્યવસ્થિત હોવું જોઈએ અને તેના લોકો સુખી, સલામત, શક્તિશાળી તથા ગૌરવશાળી હોવા જોઈએ. તેમણે રાજ્ય વિશેના પોતાના વિચારો ‘ધ પ્રિન્સ’ નામના તેમના જાણીતા ગ્રંથમાં દર્શાવ્યા છે. શક્તિશાળી રાજા દ્વારા સત્તા મેળવવાની અને દેશને મજબૂત રાખવાની પદ્ધતિઓ તેમણે આ ગ્રંથમાં વર્ણવી છે. આ ઉપરાંત તેમણે ‘ડિસ્કૉર્સિઝ અપૉન ધ ફર્સ્ટ ટેન બુક્સ ઑવ્ લિવી’ અને ‘ધી આર્ટ ઑવ્ વૉર’ તથા ‘મેન્દ્રેગોલા’ નામનું નાટક પણ લખેલ છે.

રસેશ જમીનદાર