મેકબ્રાઇડ, સીન (જ. 26 જાન્યુઆરી 1904, પૅરિસ, ફ્રાન્સ; અ. 15 જાન્યુઆરી 1988, ડબ્લિન, આયર્લૅન્ડ) : આયર્લૅન્ડના રાજકારણી નેતા. માનવ-અધિકારની સ્થાપનાના પુરુષાર્થ બદલ તેમને 1974માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર જાપાનના સાટો ઇસાકોની ભાગીદારીમાં અપાયો. તેમનાં માતાનું નામ મૉડ ગૉન હતું તે પણ આયર્લૅન્ડનાં રાષ્ટ્રભક્ત અને અભિનેત્રી હતાં; તેમણે ડબ્લ્યૂ. બી. યેટ્સને પરણવાની ના પાડી હતી અને મેજર જૉન મેકબ્રાઇડ સાથે લગ્ન કર્યાં હતાં. મેજર મેકબ્રાઇડનો 1916માં બ્રિટન-વિરોધી ‘ઇસ્ટર શાઇઝિંગ’માં ભાગ લેવા બદલ વધ કરવામાં આવ્યો હતો.

સીન મેકબ્રાઇડ

પોતાનાં માતા-પિતાની માફક મેકબ્રાઇડ પણ, માત્ર 24 વર્ષની વયે ‘આઇરિશ રિપબ્લિકન આર્મી’ના ‘ચીફ ઑવ્ સ્ટાફ’ નિયુક્ત થયા હતા. પત્રકાર તરીકેની કામગીરી બજાવ્યા પછી તેમણે વકીલાત અપનાવી. છેવટે યુદ્ધખોર વલણની નિરર્થકતા સમજાતાં, તેમણે 1936માં સ્થાપેલ રિપબ્લિકન પાર્ટીના સભ્ય તરીકે તે 1947માં ‘દેલ ઇરેન’માં પ્રવેશ્યા.

1948–51 દરમિયાન તે વિદેશી બાબતોના મંત્રી રહ્યા હતા; 1950માં તે ‘કાઉન્સિલ ઑવ્ યુરોપ’ની વિદેશમંત્રીઓની કાઉન્સિલના પ્રમુખ નિયુક્ત થયા હતા. યુરોપિયન ઇકૉનૉમિક કો-ઑપરેશન સંગઠનના તે ઉપ-પ્રમુખ પણ હતા. ‘ઇન્ટરનેશનલ પ્રિઝનર્સ ઑવ્ કૉન્શ્યન્સ ફંડ’ તથા ‘ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ’ જેવી માનવ-અધિકાર માટેની અનેક સંસ્થાઓમાં તેમણે સક્રિય સેવા આપી. ‘ઇન્ટરનેશનલ કમિશન ઑવ્ જૂરિસ્ટ્સ’ના સેક્રેટરી-જનરલનો કાર્યભાર પણ તેમણે સંભાળ્યો હતો. 1973માં તેમણે ‘યુનાઇટેડ નેશન્સ કમિશનર ફૉર સાઉથ-વેસ્ટ આફ્રિકા’ તરીકે પણ સેવા આપી હતી.

મહેશ ચોકસી