મેકફૅડન, ડૅનિયલ (જ. 27 જુલાઈ 1937, નોર્થ કેરોલિના, યુ.એસ.) : અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના અર્થમિતિશાસ્ત્રના પ્રાધ્યાપક તથા ઈ. સ. 2000ના વર્ષ માટેના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. કોઈ પણ શ્રમિકનો બેકારીનો ગાળો રોજગારી મેળવવાની તેની તક પર કઈ રીતે વિપરીત અસર કરે છે તેના અર્થમિતિશાસ્ત્રીય નમૂનાઓ(મૉડેલ્સ) તેમણે તૈયાર કર્યા છે. આ બાબતમાં તેમણે જે પદ્ધતિઓ વિકસાવી છે તે માત્ર અર્થશાસ્ત્રીઓ માટે જ નહિ, પરંતુ સમાજવિદ્યાના અન્ય સંશોધકોને ઉપયોગી નીવડશે એવી શ્રદ્ધા અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિક-વિજેતાઓની પસંદગી કરનાર સ્વીડિશ અકાદમી ઑવ્ સાયન્સિઝ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

મેકફૅડને આ વિષયના સંશોધનની શરૂઆત વીસમી સદીના સાતમા દશકમાં કરી હતી અને છેક નવમા દશક સુધી આ સંશોધન તેમણે ચાલુ રાખ્યું હતું. સંશોધનની શરૂઆત થઈ ત્યારે તેઓ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં બર્કલી ખાતે અર્થશાસ્ત્રનું અધ્યાપન કરતા હતા. ત્યારબાદ બે દાયકા માટે તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (MIT) સાથે જોડાયેલા હતા. 1990માં તેઓ ફરી કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકપદે પાછા ફર્યા હતા. તેમના મત મુજબ દરેક આર્થિક માનવીના વર્તન પાછળ વ્યક્તિગત લાભનું પ્રેરક પરિબળ કામ કરતું હોય છે, જે માનવજીવનના નાનામોટા બધા જ નિર્ણયો પર અસર કરતું હોય છે; દા.ત., લગ્ન કરવાં કે નહિ અને કરવાં હોય તો ક્યારે, કયા નગરમાં વસવાટ કરવો, કયો વ્યવસાય પસંદ કરવો, કયા પક્ષ કે ઉમેદવારની તરફેણમાં મતદાન કરવું, પોતાના કુટુંબનું કદ કેટલું રાખવું વગેરે. આમ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો દ્વારા માનવીના વ્યક્તિગત વર્તન પર પ્રકાશ પાડવાનો તેમનો મુખ્ય હેતુ હતો. તેમના સંશોધનને કારણે એકમલક્ષી અર્થમિતિશાસ્ત્ર(micro-econometrics)ની કેટલીક મહત્વની ખૂટતી કડીઓ જાણવામાં સફળતા મળી છે અને તેટલે અંશે પ્રયુક્ત અર્થશાસ્ત્ર સમૃદ્ધ બન્યું છે.

ઈ. સ. 2000 વર્ષના નોબેલ પારિતોષિકના સહવિજેતા શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ હેકમનના સંશોધન વિશે મેકફૅડન કબૂલ કરે છે કે તે બંનેના સંશોધનના વિષયો પરસ્પર સંકળાયેલા છે, તેમનાં તારણો પણ લગભગ સમાંતર છે અને તેમના સંશોધનનો સમયગાળો પણ સમાંતર રહ્યો છે.

નોબેલ પારિતોષિકની મળવાની રકમનો ઉપયોગ તેઓ ઉત્તર કૅલિફૉર્નિયા ખાતેના પોતાના ખેતરને વિકસાવવા માટે કરશે એવી જાહેરત મેકફૅડને કરી છે. અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિક માટે તેમની પસંદગી અંગે તેમણે સાશ્ચર્ય આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે