મૅકમર્ડો ઉપસાગર : ઍન્ટાર્ક્ટિકા નજીક આવેલો ઉપસાગર. ભૌગોલિક સ્થાન : 70°થી 80° દ. અ. અને 160°થી 170° પૂ. રે. વચ્ચે તે આવેલો છે. રૉસ ટાપુની પશ્ચિમે અને વિક્ટોરિયા લૅન્ડની પૂર્વ તરફ આવેલી રૉસ હિમછાજલીની ધાર પર આવેલા રૉસ સમુદ્રનું તે વિસ્તરણ છે. આ ઉપસાગરની લંબાઈ 148 કિમી. અને પહોળાઈ 48 કિમી. જેટલી છે. આ ઉપસાગર ઍન્ટાર્ક્ટિકાનાં અભિયાનો માટેનું મુખ્ય મથક બની રહેલો છે. આ ઉપસાગરની શોધ સર્વપ્રથમ સર જેમ્સ ક્લાર્ક રૉસે 1841માં કરેલી. ત્યારથી તે ઍન્ટાર્ક્ટિકા જવા માટેનો માર્ગ બની રહેલો છે. તેના કિનારે આવેલા રૉસ ટાપુને બ્રિટિશ અભિયાનકાર રૉબર્ટ ફૉલ્કન સ્કૉટે પોતાના અભિયાનનું મથક બનાવેલું. તેના પછીનું 1908નું બ્રિટિશ અભિયાન પણ અર્ન્સ્ટ હેન્રી શેકલટન દ્વારા આ ટાપુ પર જ થયેલું. આ ઉપરાંત 1950ના દશકામાં પણ યુ.એસ. અને ન્યૂઝીલૅન્ડ દ્વારા કરવામાં આવેલાં વૈજ્ઞાનિક સંશોધનો માટે રૉસ ટાપુ તથા અન્ય સ્થળો ઉપયોગમાં લેવાયેલાં.

ગિરીશભાઈ પંડ્યા