મુસાફિર ગુરુમુખસિંહ (જ્ઞાની)
February, 2002
મુસાફિર ગુરુમુખસિંહ (જ્ઞાની) (જ. 15 જાન્યુઆરી 1899, અધવાલ જિ. કૅમ્પબેલપુર, હાલ પાકિસ્તાન; અ. જાન્યુઆરી 1976) : કવિ, સ્વાતંત્ર્ય-સેનાની, અકાલ તખ્તના જથેદાર અને પંજાબના મુખ્યપ્રધાન. શાળાના શિક્ષક તરીકેની તાલીમ લઈને 19 વર્ષની વયે શિક્ષક તરીકે જોડાયા. શિક્ષક તરીકેની માત્ર ચાર વર્ષની કારકિર્દીમાં લોકોએ તેમને ‘જ્ઞાની’ તરીકે નવાજ્યા હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડની તેમના મન પર ગંભીર અસર થઈ હતી. બ્રિટિશ અમલદારશાહીની મૂક સંમતિથી નાનકાના સાહિબના મહંત દ્વારા 1922માં બસોથી વધારે શીખ સ્વયંસેવકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ ભયાનક કૃત્યથી સમગ્ર દેશમાં રોષ વ્યાપી ગયો. તેથી ગુરુદ્વારાના વહીવટમાં સુધારો કરવા ઇચ્છતા શીખોએ આંદોલન શરૂ કર્યું. ગુરુમુખસિંહ આ આંદોલનમાં જોડાયા. તેઓ કવિ પણ હતા. તેમણે લોકોનાં દુ:ખો વર્ણવતાં અને તે સામે પ્રવૃત્તિ કરવાની લોકોને પ્રેરણા આપતાં કાવ્યો, પંજાબી ભાષામાં લખ્યાં અને લોકો પાસે ગવરાવ્યાં.
પંજાબની અકાલી ચળવળના કારણે શીખોમાં રાજકીય જાગૃતિનો સંચાર થયો અને દેશના સ્વાતંત્ર્યસંગ્રામની સમાંતર તે ચળવળ ચાલી. પંજાબના કેટલાક નામાંકિત કૉંગ્રેસી નેતાઓ અકાલી ચળવળમાં ભાગ લેવાથી જાણીતા બન્યા હતા. આ સંજોગોમાં ગુરુમુખસિંહે શિક્ષકના વ્યવસાયનો ત્યાગ કર્યો અને ગુરુદ્વારા સુધારણા માટેની ચળવળમાં જોડાયા. આ ચળવળ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી. ત્યારથી 1947માં દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધી તેમણે અનેક વાર જેલયાત્રાઓ કરી હતી. તેમની અપાર શ્રદ્ધા, સમર્પણની ભાવના અને હેતુ પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં લઈને 1930માં તેમને શીખોના સૌથી ઊંચા ધાર્મિક હોદ્દા અકાલ તખ્તના જથેદાર નીમવામાં આવ્યા. પાછળથી તેઓ શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મહામંત્રી બન્યા અને બાબા ખડકસિંહ તથા સરદાર અમરસિંહ જાબાલ જેવા વરિષ્ઠ અનુભવી નેતાઓ સાથે કામ કરવાની તેમને તક મળી હતી.
બ્રિટિશ સરકાર સામેના દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવાથી તેઓ જવાહરલાલ નહેરુના સંપર્કમાં આવ્યા. તેમના આ સંબંધો વિકસીને મૈત્રીમાં પરિણમ્યા. સ્વતંત્રતાનાં આંદોલનોમાં ભાગ લઈને તેઓ કેટલીયે વાર જેલમાં ગયા હતા. ‘હિંદ છોડો’ ચળવળમાં તેઓ જેલમાં હતા ત્યારે તેમના પિતાશ્રી, એક પુત્ર અને પુત્રી અવસાન પામ્યાં. આવા કરુણ પ્રસંગે પણ પેરોલ પર મુક્ત થવાનો તેમણે ઇનકાર કર્યો. તેમણે લખેલી ટૂંકી વાર્તાઓમાંની એકમાં આ સંવેદનશીલ પ્રસંગનું તેમણે હૃદયદ્રાવક વર્ણન કર્યું છે. કવિ તરીકેના પોતાના કૌશલ્યનો ઉપયોગ તેઓ લોકજાગૃતિ અને રાજકીય ચેતના જગાડવા કરતા હતા. છેલ્લાં વરસોમાં તેઓ અધ્યાત્મવિદ્યા તરફ ઢળ્યા અને તેમણે કાવ્યસંગ્રહો પણ પ્રસિદ્ધ કર્યા. તેમની ટૂંકી વાર્તાઓ પોતાના જાહેર જીવનના અનુભવો, જેલજીવનનાં વર્ણનો તથા હાસ્યરસના પ્રસંગોથી ભરપૂર છે.
સ્વાતંત્ર્યોત્તર સમય દરમિયાન તેમણે પંજાબમાં કૉંગ્રેસને પુનર્જીવિત કરવાનું મહત્વનું કાર્ય કર્યું. પંજાબ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અને કૉંગ્રેસની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે 1952ની દેશની સામાન્ય ચૂંટણીઓમાં પંજાબમાં કૉંગ્રેસને વિજય અપાવવામાં તેમનું પ્રદાન મુખ્ય હતું. ભારતની બંધારણસભાના સભ્ય તરીકે, તે પછી લોકસભાના સભ્ય તરીકે અને પંજાબના મુખ્ય પ્રધાન તરીકે તેમણે નોંધપાત્ર સેવાઓ બજાવી હતી.
જયકુમાર ર. શુક્લ