મુસૉર્ગ્સ્કી, મૉડેસ્ટ પેટ્રોવિચ

February, 2002

મુસૉર્ગ્સ્કી, મૉડેસ્ટ પેટ્રોવિચ (જ. 21 માર્ચ 1839, ટોરોપેટ્સ નગર નજીક કારેવો ગામ, રશિયા; અ. 28 માર્ચ 1881, રશિયા) : વિશ્વવિખ્યાત રશિયન સંગીતકાર-સંગીતનિયોજક. લશ્કરી કારકિર્દીનો લાંબો ઇતિહાસ ધરાવતા ધનાઢ્ય કુટુંબમાં જન્મ. બાળપણ પોતાના ગામમાં જ વીત્યું. અહીંની સરોવરસમૃદ્ધ પ્રકૃતિની શ્રીની બાળમાનસ પર ઊંડી છાપ પડી. આ છાપે ભવિષ્યમાં થનારા સંગીતસર્જન પર પણ ઊંડી છાપ પાડી. આ ઉપરાંત દાદીમાએ કહેલી પરીકથાઓ તથા અભણ ખેડૂતો અને ખેડગુલામોની રશિયન ભાષા બોલવાની ઢબછબની પણ ઊંડી છાપ તેમના બાળમાનસ પર પડી. તેનો સીધો ફાળો પુખ્ત ઉંમરે થયેલ સંગીતસર્જનમાં જોઈ શકાય છે. બાળપણથી જ માતાએ ગુરુ બની પિયાનો-વાદનનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. 7 વરસની ઉંમરથી મુસૉર્ગ્સ્કી જાહેરમાં સંગીતકાર્યક્રમ આપતા થયા. દસ વરસની ઉંમરે સંગીતકાર દાર્ગોમિઝ્સ્કી (dargomyzhsky) પાસેથી પિયાનો અંગેનું ઉચ્ચ શિક્ષણ લેવું શરૂ કર્યું. અહીં સહાધ્યાયી સંગીતકાર બાલાકિરેવ (Balakirev) સાથે ઘનિષ્ઠ મિત્રતા થઈ, જે આજીવન ટકી. બાલાકિરેવ પાસેથી મુસૉર્ગ્સ્કીને સંગીત દ્વારા સમગ્ર પ્રજાની જન્મજાત લાગણીને વાચા આપવાની પ્રેરણા મળી અને એ માટે થઈને લોકસંગીત અને લોકબોલીનો ઊંડો અભ્યાસ કરવો શરૂ કર્યો.

તેર વરસની ઉંમરે તેઓ લશ્કરી તાલીમશાળામાં જોડાયા. 1856માં સત્તર વરસની ઉંમરે ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ તરીકે લશ્કરી સેવા આપવી શરૂ કરી. અહીં ચુસ્ત સંગીતપ્રેમી લશ્કરી અફસરો સાથે દોસ્તી બાંધી. એ મંડળીમાંથી સેસાર કુઈ (Cesar Cui), ઍલેક્ઝાન્ડર બૉરોદિન (Alexander Borodin) અને રિમ્સ્કી કૉર્સાકૉવ (Rimsky Korsakov) મહાન સંગીતકારો તરીકે પછી નીવડી આવ્યા. આ મિત્ર સંગીતકારોએ બાલાકિરેવ સાથે ‘માઇટી હૅન્ડ્ફુલ’ નામે સંગીતમંડળ રચ્યું. આ મિત્રોની સલાહ વિરુદ્ધ 1858માં મુસૉર્ગ્સ્કીએ લશ્કરી સેવામાંથી રાજીનામું આપ્યું. થોડા જ સમયમાં રશિયામાંથી ગુલામીપ્રથા (serfdom) નાબૂદ થઈ જતાં મુસૉર્ગ્સ્કીની ખાનદાની જમીનદારીનો નિભાવ પણ મુશ્કેલીમાં આવી પડ્યો. આમ ધનાઢ્ય અને સંપન્ન અવસ્થામાંથી અચાનક રંક અવસ્થામાં તેઓ આવી ગયા. આથી જંગલખાતામાં જુનિયર કારકુનની નોકરી તેમણે શોધવી પડી. આ કારણે તેમજ જીવન દરમિયાન સંગીતક્ષેત્રે સફળતા ન મળવાથી તેમના સ્વભાવમાં કડવાશ ઘૂસી ગઈ અને તેઓ દારૂના રવાડે પણ ચડ્યા. પછીથી તેમને અપસ્માર(epilepsy)નો રોગ પણ લાગુ પડ્યો.

મૉડેસ્ટ પેટ્રોવિચ મુસૉર્ગ્સ્કી

મુસૉર્ગ્સ્કીની શિરટોચ સમી કૃતિ કરુણાંત (tragic) ઑપેરા ‘બૉરિસ ગોદુનૉવ’ 1869માં પરિપૂર્ણ થઈ. આ કૃતિ 1605માં મૃત્યુ પામેલા રશિયન ઝાર બૉરિસના જીવન પરથી રચાયેલા ઍલેક્ઝાન્ડર પુશ્કિનના એક નાટક પરથી તૈયાર કરવામાં આવી છે. સાત ર્દશ્યો ધરાવતા આ ઑપેરાને તત્કાળ લોકો તેમજ અન્ય સંગીતકારો સરળતાથી સમજી-સ્વીકારી શક્યા નહિ. માત્ર રશિયન જ નહિ, પણ સમગ્ર વિશ્વના ઇતિહાસમાં આ ઑપેરા દેશની પ્રજાને એક વ્યક્તિ તરીકે આલેખી દેશના સાચા વ્યક્તિત્વને સ્ફુટ કરતી પ્રથમ ઑપેરા છે. આ ઑપેરાનું સંગીત તત્કાલીન ચીલાચાલુ બીબાઢાળ રશિયન પ્રણાલીથી તદ્દન અલગ છે અને રશિયન ખેડૂતોની અને ગ્રામીણ લોકબોલીઓમાંથી મેળવેલી સૂરાવલીઓનો તેમાં વિનિયોગ થયો છે. 1874માં આ ઑપેરાના મંચન(performance)ને જનતાએ સહૃદયતાથી આવકાર્યું હતું.

1873માં મુસૉર્ગ્સ્કીના ચિત્રકાર મિત્ર વી. એ. ગાર્ટમૅનનું અવસાન થયું અને તેનાં જળરંગી ચિત્રોનું મરણોત્તર પ્રદર્શન થયું. આ ચિત્રોથી પ્રેરિત થઈ મુસૉર્ગ્સ્કીએ ‘પિક્ચર્સ ઍટ્ ઍન એક્ઝિબિશન’ નામે પિયાનો માટે સ્વીટ (suite) લખ્યો. આ કૃતિને પણ મુસૉર્ગ્સ્કીના મૃત્યુ બાદ જબરદસ્ત લોકપ્રિયતા મળી અને આધુનિક રશિયન ઉપરાંત પશ્ચિમ યુરોપિયન સંગીતનિયોજકોએ પણ તેમાંથી પ્રેરણા મેળવી. 1874માં વી. વી. વેરેશ્યૅગિનના નાટક ‘ફગૉર્ટન’ પરથી પ્રેરિત થઈ ‘પિક્ચર્સ ઍટ્ ઍન એક્ઝિબિશન, ભાગ 2’નું સર્જન કર્યું. એ જ વર્ષે સંગીતનાટક ‘ખોવાન્શ્ચિના’નો આરંભ ‘ડૉન ઓવર ધ મૉસ્ક્વા રિવર’ લખ્યો. 1875માં એ. એ. ગોલેનિશ્ચેવ કુરુઝૉવનાં ગીતોને સંગીતમાં બેસાડ્યાં, જે ‘સૉંગ્ઝ ઍન્ડ ડાન્સિઝ ઑવ્ ડેથ’ નામે ઓળખાયાં. તેમાં તીવ્ર દર્દની અનુભૂતિ વણાયેલી છે.

વૈશ્વિક સત્યની ધખનામાં–ખોજમાં મુસૉર્ગ્સ્કીએ છીછરી સુષ્ઠુ સુષ્ઠુ સુંદરતાને હંમેશાં અવગણી. આ માટે તેમના સમકાલીનો ઘણી વાર તેમની આકરી ટીકા પણ કરતા હતા. આ સમયની તેમની મહત્વની કૃતિઓમાં ‘ધ ફીલ્ડ-માર્શલ’, ‘ક્રૅડલ સૉંગ’, ‘ટ્રેપાક’, ‘વિધાઉટ સનશાઇન’ અને ‘ધ હાર્પિસ્ટ’નો સમાવેશ થાય છે.

1876 પછી તેમણે ઑપેરા ‘ખોવાન્શ્ચિના’ પર કામ આગળ વધાર્યું.  ગોગૉલની કૃતિ પર આધારિત ‘ધ ફેર ઍટ સોરોચિન્સ્ટી’ નામની કૉમિક ઑપેરા લખવી શરૂ કરી. આ બંને કૃતિઓ મૃત્યુ લગી અપૂર્ણ જ રહી અને મૃત્યુ બાદ સંગીતકાર મિત્ર રિમ્સ્કી કૉર્સાકૉવે પૂર્ણ કરી. તેમણે વાદ્યવૃંદ માટે ‘સેંટ જૉન્સ નાઇટ ઑન ધ બૅર માઉન્ટન’ રચના લખી.

‘બૉરિસ ગોદુનૉવ’ અને ‘ખોવાન્શ્ચિના’ રશિયન ઇતિહાસને લગતી બૃહત્કથા (saga) છે. આમાં ત્રીજી ઑપેરા ઉમેરી રશિયન ઇતિહાસની trilogy પૂરી કરવાનું મુસૉર્ગ્સ્કીનું સ્વપ્ન અધૂરું જ રહ્યું.

મુસૉર્ગ્સ્કીનું સંગીત વીસમી સદીના આધુનિક ફ્રેન્ચ સંગીતની પ્રભાવવાદી લાક્ષણિકતાઓની આગાહી આપનારું (forerunner) હોવાથી આધુનિક યુગમાં તે આગવું મહત્વ ધરાવે છે. વળી તે અત્યંત લોકપ્રિયતા ધરાવતું હોઈ આજે યુરોપ અને અમેરિકાનાં વાદ્યવૃંદો વારંવાર તેનું મંચન કરે છે.

અમિતાભ મડિયા