ઇસ્ફહાનનો રાજમહેલ – અલી કાપુ (સફવીદ કાલ સત્તરમી સદી પૂર્વાર્ધ) : ટીમુરિદ સમયની પહેલાંનાં મકાનોના પાયા પરથી ફરીથી બંધાયેલો રાજમહેલ. ઈરાનમાં સફવીદ સમય દરમિયાન રાજમહેલોનું આયોજન શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે એક વિશાળ બગીચાના રૂપમાં વિવિધ ઉપયોગ માટે રચાયેલાં અને ઘણુંખરું ઋતુ પ્રમાણે વપરાતાં મકાનોના સમૂહ તરીકે થતું. અલી કાપુ રાજમહેલ વિશાળ રાજમહેલના પ્રવેશ તરીકે તથા મહેમાનોની આગતાસ્વાગતા માટે વપરાતો ભાગ હતો. રાજમહેલનાં આંતરિક ખાનગી મકાનો ઘણુંખરું અલાયદાં રખાતાં. આ વિસ્તાર એક પ્રવેશદ્વાર તરીકે અત્યંત પવિત્ર ગણાતો અને રાજવીઓ પણ દાખલ થતી વખતે પગપાળા પ્રવેશતા. આ ઉપરાંત શાહ અબ્બાસ બીજા(’642-66)ના સમયમાં બાગની અંદરનો મંડપ, ચીહીલ સુતુન, બંધાયેલ. તેની કાષ્ઠરચના અદ્વિતીય છે. આ મંડપ ભીંતચિત્રો તથા આયનાના જડતરથી સુશોભિત છે. તેના 20 મુખ્ય સ્તંભો, તેની પાસે આવેલ હોજના પાણીમાં પ્રતિબિંબિત થતાં બેવડા દેખાતા. આથી તેનું નામ ચીહીલ સુતુન અથવા ‘ચાલીસ સ્તંભોનો મંડપ’ પડેલું.
રવીન્દ્ર વસાવડા