ઇસ્તંબુલ : તુર્કસ્તાનનું મોટામાં મોટું નગર, મુખ્ય બંદર તથા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર. સ્થાપના ઈ. સ. પૂ. આશરે 660. તે 1930 સુધી કૉન્સ્ટૅન્ટિનોપલ નામથી ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન. : 41o 01´ ઉ. અ. અને 28o 58´ પૂ. રે.. તે બાઇઝેન્ટાઇન તથા ઑટોમન સામ્રાજ્યોનું અને તે પછી તુર્કસ્તાન પ્રજાસત્તાકનું પાટનગર હતું. બૉસ્ફરસ સામુદ્રધુનીના બંને કાંઠા પર તે આવેલું છે તેથી કાળા સમુદ્ર અને ભૂમધ્ય સાગરને જોડતો તે એકમાત્ર માર્ગ છે. વસ્તી આશરે 1,38,54,740 (2012). વિસ્તાર : 254 ચોકિમી. બૉસ્ફરસની ઉપનદી ગોલ્ડન હૉર્ન નગરનાં યુરોપિયન તથા એશિયન ક્ષેત્રોને વિભાજિત કરે છે. આ બંને વિભાગો વચ્ચે હોડીઓ ચાલે છે. 1973માં બંને વિભાગોને જોડતો 1075 મીટર લાંબો પુલ બનાવવામાં આવ્યો છે. ટોપકાપી પ્રાસાદ જેવા મોટા ભાગનાં ઐતિહાસિક સ્મારકો યુરોપિયન વિભાગમાં આવેલાં છે. નગરમાં 400 ઉપરાંત મસ્જિદો, આશરે 175 ગિરજાઘરો તથા યહૂદીઓનાં આશરે 40 સાયનેગૉગ છે.

ભૂમધ્ય સાગરની આબોહવા જેવી ત્યાંની આબોહવા છે. તાપમાનમાં વારંવાર અને આકસ્મિક ફેરફાર થાય છે. સરેરાશ વાર્ષિક વરસાદ 740 મિ.મી. છે.

તુર્કસ્તાનનાં 30 % ઔદ્યોગિક સાહસો અહીં છે. કુલ ખાનગી માલિકીનાં સાહસોમાંથી 75 ટકા આ નગરમાં કેન્દ્રિત થયાં છે. ઉદ્યોગોમાં મોટા ભાગના નાના પાયાના હસ્તકળાના ઔદ્યોગિક એકમો છે. દેશનો 80 ટકા આયાત વ્યાપાર તથા 33 ટકા ઉપરાંતનો નિકાસ વ્યાપાર આ નગર મારફત થાય છે. પ્રવાસનનો સારો વિકાસ થયેલો છે.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઑટોમન સામ્રાજ્યનું પતન થતાં ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ તથા ઇટાલીની સેનાઓએ તેના પર કબજો કર્યો હતો. 1922માં ખિલાફતની નાબૂદી સાથે સામ્રાજ્ય તથા ધર્મના પ્રમુખ કેન્દ્ર તરીકે આ નગરનું મહત્વ લુપ્ત થયું હતું. નગરનું સ્થાનિક પ્રશાસન ચૂંટાયેલી નગરસભા દ્વારા થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે