ઇસ્ફહાની, અબુલ ફરજ

January, 2002

ઇસ્ફહાની, અબુલ ફરજ (જ. 897, સીરિયાનું હબલ શહેર; અ. 967) : મહાન અરબી ઇતિહાસકાર. તે છેલ્લા ખલીફા મરવાનનો વંશજ હતો. તેનો ગીતસંગ્રહ ‘કિતાબુલ અગાની’ હોલૅન્ડથી 21 ભાગમાં પ્રસિદ્ધ થયેલ છે. ઇસ્લામી સંસ્કૃતિના અભ્યાસ માટે તે ગ્રંથ એક મહત્વનું સાધન ગણાય છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર ઇબ્ન ખલ્દુન તે ગ્રંથને ‘આરબોનું રજિસ્ટર’ કહે છે. સ્પેનના ખલીફા અલ-હકમે આ ગ્રંથ લખવા માટે ઇસ્ફહાનીને 1,000 સોનામહોર ઇનામમાં આપેલી હોવાનું કહેવાય છે. એમ પણ કહેવાય છે કે બુવૈહ વંશનો વજીર સાહિબ બિન અબ્બાદ (ઈ. સ. 995) જે સાધારણ રીતે મુસાફરીમાં 30 ઊંટ લાદીને પુસ્તકો લઈ જતો, તેણે ‘કિતાબુલ-અગાની’ ગ્રંથ મળતાં બીજાં પુસ્તકો લઈ જવાનું બંધ કર્યું હતું.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી