રાણી ગુફા : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની જૈન ગુફાઓ પૈકીની મુખ્ય ગુફા. ઈ. પૂ. બીજી સદીમાં ઉદયગિરિમાં કંડારાયેલી આ ગુફા ત્યાંની 35 ગુફાઓમાં સહુથી પ્રાચીન હોવા ઉપરાંત તે રચના અને સજાવટની દૃદૃષ્ટિએ ભારતીય ગુફા-સ્થાપત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. આ ગુફા બે મજલાની છે અને તેની મધ્યમાં ચોક છે. તેની ત્રણેય બાજુ ખંડોની હારમાળા કોરેલી છે. ખંડોનાં પ્રવેશદ્વાર અલિન્દ(verandah)માં પડે છે. અહીં અલિન્દ ત્રણ બાજુથી બંધ છે અને ચોથી બાજુએથી તેનો પ્રવેશ છે. અલિન્દોનો પ્રવેશ ખુલ્લા ચોકમાં પડે છે. નીચલા મજલે એક ખંડમાં ભવ્ય સિંહાસન અને ઉપલા મજલે જવાની સીડી કંડારેલાં છે. સાધુઓને રહેવાના ખંડ ઉપરાંત એમાં ભંડારખંડ અને સભાખંડ પણ કોરેલા છે. નીચલા અને ઉપલા મજલે દીવાલોમાં મથાળે અનેકવિધ દૃદૃશ્યો ધરાવતી શિલ્પ-પટ્ટિકાઓ કંડારેલી છે.

અહીંનાં શિલ્પો ઘણાં ઘસાઈ ગયેલાં છે, તેમ છતાં અવશિષ્ટ શિલ્પો ત્યાંની વિશિષ્ટ શૈલીનાં દૃષ્ટાંતરૂપ છે. શિલ્પોમાં વિષયવૈવિધ્ય જોવામાં આવે છે. દૃશ્યો ઘણું કરીને ભારતીય સાહિત્ય અને લોકકથાઓનું નાટ્યાત્મક નિરૂપણ રજૂ કરતાં જણાય છે. આમાં ઉદયન-વાસવદત્તા અને દુષ્યંત-શકુંતલાના કથાપ્રસંગો ખાસ ધ્યાન ખેંચે છે. આ ગુફામાં વૃક્ષની ડાળના આકારમાં કોતરેલા સ્તંભોની શિરાવટીઓ પણ વિશિષ્ટ છે. ઉપલા મજલાની દીવાલ પરની શિલ્પ-પટ્ટિકાઓમાં લોકજીવનને વ્યક્ત કરતાં દૃશ્યો તેમજ પરાક્રમગાથાઓ અંકિત થયેલ છે. આ ગુફાની રચના તેમજ તેમાંની શિલ્પસજાવટ ઉપરથી આ ગુફા ખુલ્લી નાટ્યશાળા (open air theatre) હોવાનું મનાયું છે. ગુફામાં કોતરેલાં દૃશ્યો અહીં પ્રસંગોપાત્ત, ભજવી બતાવાતાં હોવાનું પણ મનાયું છે.

રાણી ગુફા

રાણી ગુફામાં નીચલા મજલાની દીવાલો પર વનમાં જળાશયમાં ક્રીડા કરતા હાથીઓ, વૃક્ષોમાં ફળ ખાતાં કપિયુગલો, મૃગો તેમજ પક્ષીઓનું મનોરમ આલેખન થયું છે. વિજયયાત્રા કરીને પાછા ફરેલા રાજપુરુષના માનમાં યોજાયેલ સમારંભના દૃશ્યમાં રાજપુરુષના મસ્તક પર છત્ર ધરી રહેલ પરિચારક, આગળ શણગારેલ અશ્વ, પૂર્ણકુંભ ધારણ કરી ઊભેલી સ્ત્રીઓ તેમજ સ્ત્રીઓ દ્વારા રાજપુરુષની ઉતારાતી આરતીનું દૃશ્ય જોવા મળે છે. આ દૃશ્ય સંભવત: મગધનો વિજય કરીને આવેલા રાજા ખારવેલને લગતું પણ હોવાનું અનુમાન થયું છે. રાજા અને તેની બે રાણીઓ નૃત્ય નીરખી રહ્યાંનું દૃશ્ય છે, જેમાં મંડપમાં નૃત્ય કરતી નર્તિકાને ચાર સ્ત્રીઓ ધરાવતું સંગીતવૃંદ સાથ આપતું દર્શાવાયું છે. એમાં એક સ્ત્રી મૃદંગ વગાડતી, બીજી હાથથી તાલ આપતી, ત્રીજી ઉપવીણા વગાડતી અને ચોથી વેણુગાન કરતી જોવામાં આવે છે.

ઉપલા મજલાનાં શિલ્પદૃશ્યો પૈકીનાં કેટલાંક ખાસ ધ્યાન ખેંચે છે : (1) સ્ત્રી-વૃંદમાંનો રાજા હાથીના ટોળામાંના એકની સાથે યુદ્ધ કરતો બતાવાયો છે; (2) જંગલમાંની ગુફાઓમાં સિંહ, વાનર, સર્પ, પક્ષી અને વ્યાધ વગેરે બતાવતાં દૃશ્યો; (3) દીક્ષા લેવા તૈયાર થયેલા પુરુષને રોકતી સ્ત્રી; (4) સ્ત્રી અને પુરુષ વચ્ચે ખેંચાખેંચી અને પુરુષ દ્વારા સ્ત્રીનું હરણ; (5) ‘શાકુંતલ’માંનું શિકાર માટે હરણની પાછળ પડેલ રાજાનું મુનિના આશ્રમમાં પહોંચી ગયાનું દૃશ્ય 3; (6) નૃત્યદૃશ્ય નિહાળતી (સંભવત: રાજા ખારવેલની) રાણી; (7) ત્રણ દૃશ્યો પૈકીનાં બેમાં શૃંગારપ્રસાધન કરતાં રાજારાણી અને ત્રીજામાં વિરક્ત થયેલા રાજાને સંસારમાં જકડવા મથતી રાણીનું આલેખન છે.

રાણી ગુફાનું આયોજન મનોહર અને તેમાંનાં શિલ્પોનું આલેખન હૃદયંગમ છે. તત્કાલીન ભારહૂતનાં શિલ્પોની સરખામણીમાં અહીંનાં શિલ્પો ચડિયાતાં જણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ