રાણીગંજ : પશ્ર્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 37´ ઉ. અ. અને 87° 08´ પૂ. રે.. તે વર્ધમાન જિલ્લાના પશ્ર્ચિમ ભાગમાં વર્ધમાનથી વાયવ્યમાં કુલિક નદી પર આવેલું છે. તે તેની આજુબાજુના વિસ્તારો માટે કૃષિપેદાશોના વેપારનું અને શણનિકાસનું અગત્યનું મથક બની રહેલું છે. આ કારણે તે ઇંગ્લિશ બઝાર અને બાંગ્લાદેશ સાથે પણ જોડાયેલું છે. અહીં ડાંગર છડવાની મિલોનો ઉદ્યોગ વિકસેલો છે. 1951માં અહીં મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવેલી છે. આ નગરમાં ઉત્તર બંગાળ યુનિવર્સિટી સંલગ્ન એક કૉલેજ પણ છે. 1991ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી 1,55,644 જેટલી છે.

રાણીગંજ કોલસાની ખાણો માટે જાણીતું છે. અહીં કોલસાનાં આશરે 107 જેટલાં ક્ષેત્રો આવેલાં છે. ઈ. સ. 1800થી અહીં કોલસાનું ખાણકાર્ય ચાલે છે. અહીં કોકિંગ, બિનકોકિંગ તેમજ હલકી કક્ષાના કોલસાના વિશાળ જથ્થા આવેલા છે. આ ઉપરાંત રાણીગંજમાં લોહઅયસ્કને પણ વિશાળ જથ્થો છે. કોલસાની સ્તરપટ્ટીઓની ઉપર અને નીચે સારી જાતની અગ્નિજિત માટીના પાતળા થર મળે છે. અહીં વાસણો બનાવવાની માટી તેમજ રેતીના અખૂટ જથ્થા પણ છે.

ગિરીશભાઈ પંડ્યા