રાણી ચન્નમ્મા (જ. 1778; અ. 21 ફેબ્રુઆરી 1829, બૈલહોંગલ કિલ્લો) : અંગ્રેજો સામે સ્વતંત્રતા વાસ્તે વીરતાથી લડનાર બેલગામ જિલ્લાના કિત્તૂર રાજ્યની રાણી. તેણે ધનુર્વિદ્યા, તલવારબાજી, ઘોડેસવારી તથા રાજવહીવટનું શિક્ષણ મેળવ્યું હતું.

રાણી ચન્નમ્માનું લગ્ન બેલગામ જિલ્લાના એક નાના રાજ્ય કિત્તૂરના રાજા મલ્લસર્જા સાથે થયું હતું. તે એક પતિવ્રતા સ્ત્રી હતી. મલ્લસર્જાને લડાઈ તથા રાજવહીવટ બંનેમાં પોતાની પત્નીની ઘણી મદદ મળી હતી. ઈ. સ. 1816માં મલ્લસર્જા અવસાન પામ્યો અને તેનો પુત્ર શિવલિંગ રુદ્રસર્જા રાજા બન્યો. તે શરીરે અશક્ત અને નામમાત્રનો રાજા હતો. વાસ્તવમાં તેના પતિના મૃત્યુ પછી, રાજ્યનો વહીવટ રાણી ચન્નમ્મા જ સંભાળતી હતી. સપ્ટેમ્બર, 1824માં શિવલિંગ રુદ્રસર્જાનું પણ અવસાન થયું. તેનો દત્તકપુત્ર શિવલિંગપ્પાની વાલી તરીકે રાણી ચન્નમ્મા વહીવટ કરવા લાગી.

રાણી ચન્નમ્મા

અંગ્રેજ અધિકારીઓએ શિવલિંગપ્પાને દત્તક લીધો, તેની કાયદેસરતાને પડકારી અને તેને ગાદી પરથી દૂર કરવાનો આદેશ આપ્યો; પરંતુ રાણી ચન્નમ્માએ અંગ્રેજોનો આ આદેશ માનવાનો ઇનકાર કર્યો. તેથી અંગ્રેજોએ રાજકુટુંબના સભ્યોનાં કાર્યોની દેખરેખ રાખવા માણસો મોકલ્યા અને તેમનું અપમાન કર્યું. તેથી ગુસ્સે થઈને પરદેશીઓના પ્રભુત્વનો વિરોધ કરી રાણી ચન્નમ્મા પોતાના લશ્કર સાથે પોતે લડાઈના મેદાનમાં આવી. ત્યાં એક ભયંકર યુદ્ધ થયું. તેમાં બ્રિટિશ સૈન્ય હાર્યું અને તેનો સેનાપતિ થેકરે 23 ઑક્ટોબર, 1824ના રોજ માર્યો ગયો. ઘણા અંગ્રેજ સૈનિકોને કેદ કરવામાં આવ્યા; પરંતુ રાણી ચન્નમ્માએ તેઓ સાથે ઉદારતા દાખવી.

ત્યાર બાદ દખ્ખણના કમિશનર ચેપ્લીને પુણે, ચેન્નાઈ, મૈસૂર વગેરે સ્થળોમાંથી ઘણું મોટું લશ્કર ભેગું કર્યું અને ડિસેમ્બર, 1824માં કિત્તૂર પર ફરી ચડાઈ કરી. અંગ્રેજોએ ‘ભાગલા કરો અને રાજ્ય કરો’ની નીતિ અપનાવી અને કિત્તૂરની સેનાને હરાવી. રાણી ચન્નમ્માને પકડીને બૈલહોંગલના કિલ્લામાં કેદી તરીકે રાખવામાં આવી. ત્યાં તેનું અવસાન થયું. કેદખાનામાં પણ રાણી ચન્નમ્મા કિત્તૂરની સ્વતંત્રતા ઝંખતી રહી. તેણે નજીકનાં રાજ્યોનાં સૈન્યો ભેગાં કરીને સંઘર્ષ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેની વીરતા, બલિદાન અને અદમ્ય જુસ્સો આપણા રાષ્ટ્રના ઇતિહાસની ગૌરવપ્રદ ગાથા છે.

જયકુમાર ર. શુક્લ