રાજિમતી (ઈ. પૂ. દસમી સદી) : મથુરાના રાજા ઉગ્રસેનની પુત્રી. ઉગ્રસેન ભોજવૃષ્ણિના પુત્ર હતા. મથુરાના યાદવોની સાથે સૌરાષ્ટ્રમાં આવીને વસેલા અન્ધક વૃષ્ણિને દશ પુત્ર હતા. એમાંના સમુદ્રવિજય જ્યેષ્ઠ હતા અને વસુદેવ કનિષ્ઠ હતા. વસુદેવના પુત્ર કૃષ્ણે સમુદ્રવિજયના પુત્ર અરિષ્ટનેમિનો વિવાહ ઉગ્રસેન રાજાની પુત્રી રાજિમતી સાથે કરાવ્યો હતો. અરિષ્ટનેમિની જાન લગ્નમંડપે જઈ રહી હતી ત્યાં માંસના ભોજન માટે બાંધેલાં પશુઓનો આર્તનાદ સાંભળીને તેઓ વૈરાગ્ય પામ્યા અને અધવચ પાછા ફરીને રૈવતક પર જઈને તેમણે દીક્ષા લીધી. ત્યારબાદ ગિરનાર ઉપર ઉગ્ર તપશ્ર્ચર્યા કરી, કેવલજ્ઞાન પામી, તીર્થંકર થઈ, નેમિનાથ તરીકે વિહાર કરતા હતા. રૈવતક પર વાગ્દત્તા રાજિમતી તથા એમના (નેમિનાથના) ભાઈ રથનેમિએ એમની પાસે દીક્ષા લીધી. એક વાર ચોમાસા દરમિયાન રાજિમતી બાવીસમા તીર્થંકર નેમિનાથના દર્શનેથી પાછાં ફરતાં હતાં ત્યારે વરસાદથી કપડાં ભીનાં થયાં. તેથી તેમણે એક ગુફામાં પ્રવેશી કપડાં સૂકવી દીધાં. આ દરમિયાન રથનેમિ પણ ત્યાં આવ્યા હતા અને વીજળીના પ્રકાશમાં રાજિમતીનું દેહલાવણ્ય જોઈને વિકારવશ થયા, પરંતુ રાજિમતીએ એમને સચોટ બોધ આપી સન્માર્ગે વાળ્યા. આ બોધક પ્રસંગ જૈન ધર્મના સાહિત્યમાં જાણીતો છે.

કવિ યશશ્ર્ચન્દ્રે ‘રાજિમતી પ્રબોધ’ નામે એક નાટક લખ્યું છે. તેમાં નેમિનાથ-રાજિમતીનું પ્રખ્યાત કથાનક વર્ણવવામાં આવ્યું છે. કવિ વિનયચન્દ્રે ‘નેમિનાથ-ચતુષ્પદિકા’ નામે કાવ્યની રચના કરી છે. તેમાં કવિએ રાજિમતીને બાર મહિના દરમિયાન થયેલી પતિવિરહની માનસિક વેદના વર્ણવી છે.

જયકુમાર ર. શુક્લ