રાજીવ (જ. 1945, દિલ્હી; અ. 28 ડિસેમ્બર 1993, મુંબઈ) : ગુજરાતી ફિલ્મોના અભિનેતા. રાજીવનું મૂળ નામ જગદીશ ગઢિયા હતું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધા પછી, અભિનય-શિક્ષણ માટે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. માતાપિતાની ઇચ્છાને કારણે સી. એન. ફાઇન આર્ટસ કૉલેજ  અમદાવાદ ખાતે ચિત્રકલાનો અભ્યાસ પણ કર્યો. કારકિર્દીનો આરંભ કેન્દ્ર સરકારના માહિતીખાતાના ‘સાગ ઍન્ડ ડ્રામા’ વિભાગથી કર્યો. ચાર વર્ષના વ્યાવસાયિક અનુભવ બાદ પોતાના પિતાજીના મિત્ર પૂનમચંદ શાહની હિન્દી ફિલ્મ ‘માઇ ફ્રેંડ’(1974)માં પ્રથમ અભિનય કર્યો. આ ફિલ્મનું સંગીત નૌશાદે આપ્યું હતું. ફિલ્મની પ્રધાન નાયિકા પ્રેમા નારાયણ હતી, પરંતુ ફિલ્મ નિષ્ફળ ગઈ.

ગુજરાતી ભાષાની ફિલ્મોનો સુવર્ણયુગ શરૂ થતાં અને સામાજિક ચલચિત્રોનો પ્રવાહ શરૂ થતાં રાજીવ તે તરફ વળ્યા. સંજીવકુમાર જેવા પ્રસિદ્ધ અભિનેતાને મળતો આવતો ચહેરો હોવાને કારણે 1975માં બનેલી ગુજરાતી ફિલ્મ ‘તાના-રીરી’માં સંજીવકુમારના સ્થાને મહેમાન કલાકારની સફળ ભૂમિકા ભજવી. રાજીવની સંપૂર્ણ ભૂમિકા સાથેની પ્રથમ ફિલ્મ ‘મેનાં ગુર્જરી’ હતી; પરંતુ તે પહેલાં તેમની ‘‘રા’માંડલિક’’ ફિલ્મ રજૂ થઈ. 1975 આસપાસ પત્નીનું અકસ્માતમાં અવસાન થયું. આ પછી 1981માં શીખ યુવતી પરમજિત કૌર સાથે તેમણે પુનર્લગ્ન કર્યાં.

સામાજિક કથાનક ધરાવતી ગુજરાતી ફિલ્મોમાં તેઓ અત્યંત સફળ અભિનેતા રહ્યા. દસેક વર્ષના ટૂંકા સમયગાળામાં તેમની 46 જેટલી ફિલ્મો રજૂ થઈ. ગુજરાતી ફિલ્મોના કેટલાક જાણીતા નિર્દેશકો રવીન્દ્ર દવે, દિનેશ રાવળ, કૃષ્ણકાન્ત તેમજ અરુણ ભટ્ટનાં ચિત્રોમાં તેમણે કામ કર્યું. રાજીવની જાણીતી ગુજરાતી ફિલ્મોમાં ‘મેનાં ગુર્જરી’, ‘ડાકુરાણી ગંગા’, ‘લાખો ફુલાણી’, ‘ઘરસંસાર’, ‘મા દીકરી’, ‘મોટા ઘરની વહુ’, ‘વિસામો’, ‘કાશીનો દીકરો’, ‘પારકી થાપણ’, ‘લોહીની સગાઈ’, ‘મણિયારો’, ‘પંખીનો માળો’, ‘પ્રેમલગ્ન’, ‘પૂજાનાં ફૂલ’ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રીઓ સ્નેહલતા, રાગિણી, રીટા ભાદુરી, મલ્લિકા સારાભાઈ સાથે તેમણે કામ કર્યું. 1982માં ‘પ્રેમલગ્ન’ ફિલ્મનું નિર્માણ તેમના ભાઈ જયેશ ગઢિયાએ કર્યું હતું. તેમની ઘણી ફિલ્મોએ રજતજયંતી ઊજવી હતી. શ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ ‘ઘરસંસાર’, ‘ઘર ઘરની વાત’, ‘પૂજાનાં ફૂલ’, ‘મંગલફેરા’ તથા ‘સમયની સંતાકૂકડી’ માટે મળ્યો હતો.

રાજીવે કેટલાંક જાણીતાં ગુજરાતી નાટકો ‘હિમ અંગારા’, ‘રુદિયાની રાણી’, ‘ઊજળા પડછાયા’ તેમજ ‘ચીતરેલા મોરલાનો ટહુકો’માં પણ અભિનય કર્યો. તેમની હિંદી ફિલ્મોમાં ‘તીસરા કિનારા’, ‘કબજા’, ‘જીતે હૈં શાન સે’ વગેરેને ગણાવી શકાય. માત્ર 48 વર્ષની વયે મગજના રક્તસ્રાવને કારણે તેમનું અવસાન થયું.

હરીશ રઘુવંશી