રાજકોટ : સૌરાષ્ટ્રના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 32´થી 23° 10´ ઉ. અ. અને 70° 02´થી 71° 31´ પૂ. રે. વચ્ચેનો 11,203 ચોકિમી. (રાજ્યના કુલ વિસ્તારના 5.52 %) જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની દૃષ્ટિએ તે રાજ્યમાં ચોથા ક્રમે આવે છે. તેની ઉત્તરે કચ્છનું નાનું રણ અને કચ્છના અખાતનો આંશિક ભાગ, ઈશાન અને પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લો, અગ્નિકોણમાં ભાવનગર અને અમરેલી જિલ્લા, દક્ષિણ અને નૈર્ઋત્યમાં જૂનાગઢ જિલ્લો તથા પશ્ચિમે જામનગર જિલ્લો આવેલા છે.

રાજકોટ જિલ્લો અને શહેર

ભૂપૃષ્ઠ પ્રાકૃતિક વિભાગો-જળ-પરિવાહ-આબોહવા : જિલ્લાનું ભૂપૃષ્ઠ સ્થાનભેદે પહાડી, મેદાની તેમજ કળણભૂમિવાળું છે. કહેવાય છે કે પ્રાચીન કાળમાં આ પ્રદેશ જ્વાળામુખીજન્ય ટાપુઓનો સમૂહ હતો. તે ત્રણ પ્રાકૃતિક વિભાગોમાં વહેંચાયેલો છે : (i) જેતપુર, રાજકોટ અને વાંકાનેરના સીમાડા પરનો પૂર્વનો પહાડી પ્રદેશ : આ વિભાગ સૌરાષ્ટ્રની પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર તરફ વહેતી લગભગ બધી જ નદીઓનો જળવિભાજક બની રહેલો છે. મંદાર અને થંગા – એ આ જિલ્લાની મુખ્ય ડુંગરમાળાઓ છે. થંગા ડુંગરમાળા સમુદ્રસપાટીથી 303.33 મીટરની ઊંચાઈ ધરાવતા વિસ્તૃત ઉચ્ચપ્રદેશના ફાંટા રૂપે વિસ્તરેલી છે. મંદાર ડુંગરમાળા તેની જ જમણી પાંખ છે. તે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશે છે. દક્ષિણ તરફ થોડીક છૂટીછવાઈ ટેકરીઓ સિવાય બાકીનો આખો જિલ્લો વત્તેઓછે અંશે સમતળ સપાટ છે. અહીંની કોઈ પણ ટેકરીની ઊંચાઈ 600 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી નથી. (ii) પશ્ચિમ અને નૈર્ઋત્યનો કાંપના મેદાનથી બનેલો ભાદરનો ખીણપ્રદેશ : અહીં ભાદર અને તેની શાખા- નદીઓએ ખેતી માટેનો મહત્વનો ફળદ્રૂપ વિસ્તાર રચ્યો છે. (iii) ઉત્તરનાં મેદાનો, કચ્છનું નાનું રણ અને કંઠારનો કળણવાળો વિભાગ : ગોંડલ અને જેતપુર નજીક ઉત્તર અને વાયવ્યની ટેકરીઓ ઉત્તર કાંઠાના વિસ્તારથી અહીંના મેદાનને અલગ પાડે છે. ઉત્તરના મેદાનમાં જિલ્લાને 32 કિમી. જેટલો લાંબો દરિયાકિનારો મળેલો છે. ખરાબા અને પંક સહિતની ચેર (mangrove) આચ્છાદિત કળણભૂમિ તેમજ નાના ટાપુઓથી બનેલો કચ્છનો અખાત અહીંથી શરૂ થાય છે. અહીંના જ ઉત્તર ભાગમાં આવેલો રણપ્રદેશ વાવણિયાથી વાણસર સુધી 20 કિમી. જેટલી લંબાઈમાં વિસ્તરેલો છે. ખરાબાથી બનેલો આ સમતળ વિસ્તાર ચોમાસામાં જળભરાવો થવાથી છીછરા સરોવર જેવો બની રહે છે. આ જ વિસ્તારમાં થઈને રાજકોટ જિલ્લાના માળિયાથી કચ્છ જિલ્લાના વાંઢેર સુધીનો 37 કિમી. લાંબો માર્ગ પસાર થાય છે. તે બે જિલ્લાઓ વચ્ચેનો ટૂંકામાં ટૂંકો માર્ગ છે.

મોરબી અને માળિયા તાલુકાઓના કેટલાક ભાગોની જમીનોમાં ખારાશની અસર છે. વાંકાનેર તાલુકાની જમીનો અસમતળ હોવાથી લાંબા સમય સુધી વરસાદનું પાણી સંગ્રહી શકતી નથી; તેથી કૃષિપાકોના પોષણ માટે અહીંની જમીનોને વરસાદની જરૂર પડે છે. પાંચાલ વિસ્તારમાં થોડા ઊંડાણવાળી કેટલીક ખડકાળ જમીનો પણ આવેલી છે. જિલ્લામાં જુદી જુદી જગાએ રેતાળ, કાળી ફળદ્રૂપ, આછી બદામી અને કાંકરીવાળી જમીનો જોવા મળે છે.

જિલ્લામાં ભાદર, મચ્છુ અને આજી નદીઓ આવેલી છે. તેમની લંબાઈ અનુક્રમે 128 કિમી., 112 કિમી. અને 96 કિમી. જેટલી છે.  ભાદર સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ગણાય છે. રાજકોટથી આશરે આઠથી નવ કિમી.ને અંતરે આજી નદી પર બંધ (આજી બંધ) બાંધેલો છે. ભાદરને બાદ કરતાં અહીંની નદીઓ બારમાસી નથી અને તેમાં પૂર આવતાં નથી. આ જિલ્લામાં કોઈ કુદરતી સરોવરો નથી; પરંતુ મોટા હોજ જેવાં રાજકોટ નજીકનાં લાલપરી અને રડેન્દ્રા તથા શિવસાગર, આલમસાગર, મિટાનો, ગોંડલી, મોજપાનેલી અને વેરી તળાવો આવેલાં છે.

ચોમાસાની ઋતુ સિવાય આ જિલ્લાની આબોહવા મહદ્ અંશે સૂકી રહે છે. માર્ચથી જૂન સુધીનો ઉનાળો સખત ગરમ, જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું ચોમાસું ભેજવાળું અને ખુશનુમા, ઑક્ટોબરથી નવેમ્બરની પાનખર ઋતુ તથા ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો શિયાળો ઠંડો રહે છે. મે માસનું મહત્તમ તાપમાન 43° સે. અને જાન્યુઆરીનું લઘુતમ તાપમાન 10° સે. જેટલું રહે છે. જિલ્લામાં વરસાદનું પ્રમાણ બધે એકસરખું રહેતું નથી. દક્ષિણના ભાગોમાં વર્ષાપ્રમાણ સારું, જ્યારે રણ નજીકના ઉત્તર તરફના ભાગોમાં ઓછું રહે છે. વરસાદ પવનના સુસવાટા સાથે પડે છે. અહીંનો સરેરાશ વરસાદ 595 મિમી. જેટલો ગણાય છે. 1979માં અહીં 1,291 મિમી. જેટલો, જ્યારે 1987માં માત્ર 180 મિમી. જેટલો વરસાદ નોંધાયેલો છે. ઓછા વરસાદ વખતે અહીં અછત અને દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહે છે.

જંગલો : ગુજરાત રાજ્યના કુલ જંગલવિસ્તારની સરખામણીએ અહીં ફક્ત 1.85 % (359.24 ચોકિમી.) જેટલો જંગલવિસ્તાર આવેલો છે. આ પૈકી 183.74 ચોકિમી.માં અનામત જંગલો અને 175.50 ચોકિમી.માં અવર્ગીકૃત જંગલો છે. જિલ્લાના કુલ ભૂમિભાગના પ્રમાણમાં અહીં માત્ર 3.21 % ભાગ જ જંગલોવાળો છે. મોટાભાગનો જંગલવિસ્તાર ઘાસિયા પ્રદેશથી બનેલો છે. જિલ્લાના બધા જ તાલુકાઓ ઓછેવત્તે અંશે જંગલો ધરાવે છે. અહીંની મુખ્ય જંગલ-પેદાશોમાં ઇમારતી લાકડું અને ઇંધન માટેનું લાકડું છે; જ્યારે ગૌણ પેદાશોમાં ઘાસ, ગુંદર, આમળાં, અરીઠાં, ટીમરુપાન અને મહુડાનાં ફૂલ છે.

પશુઓ : ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ગધેડાં અને ઊંટ અહીંનું મુખ્ય પશુધન છે. મરઘાં-બતકાંઉછેર પણ થાય છે. જિલ્લામાં 32 પશુ-દવાખાનાં અને 15 કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો; રાજકોટ, મોરબી અને જેતપુર ખાતે ત્રણ મરઘાં-બતકાં-ઉછેરકેન્દ્રો; ગોંડલ, જસદણ અને વાંકાનેર ખાતે દૂધકેન્દ્રો તથા જિલ્લાભરમાં 95 જેટલી સહકારી દૂધ-મંડળીઓ છે.

ખેતી-સિંચાઈ : જિલ્લાની કૃષિપેદાશોમાં મગફળી (મુખ્ય), કપાસ, ઘઉં, જુવાર, બાજરી, ડાંગર અને શેરડીનો સમાવેશ થાય છે. 26 મોટી, 11 મધ્યમ અને 14 નાની કક્ષાની સિંચાઈ-યોજનાઓ દ્વારા આશરે 1,04,000 હેક્ટર જમીનોને સિંચાઈ મળી રહે છે. કુલ વાવણીલાયક જમીનો પૈકી સ્થાનભેદે આશરે 11થી 18 % જમીનોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થાય છે. અન્યત્ર કૂવાઓ દ્વારા પણ સિંચાઈ થાય છે.

ખનિજસંપત્તિ : જિલ્લામાં અગ્નિજિત માટી અને ખડી(chalk)નું પ્રમાણ વિશેષ છે. અન્ય ખનિજોમાં મુખ્યત્વે પર્લાઇટ, બીબાંઢાળ રેતી, સિલિકા રેતી, સામાન્ય રેતી, મુરમ, ઈંટ-માટી, લાલ માટી, સામાન્ય માટી અને ગ્રૅવલનો તથા ખડકોમાં રેતીખડક, ચૂનાખડક અને ટ્રૅપનો સમાવેશ થાય છે.

ઉદ્યોગો : જિલ્લામાં 1,100થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે. 1990ના દશકામાં અહીં કારખાનાંઓની સંખ્યા વધતી ગયેલી છે. તેમાં ખાદ્ય-પ્રક્રમણના, કૃષિ-સાધનસામગ્રી તેમજ તેના છૂટા ભાગો તેમજ સુતરાઉ કાપડ અને સિંગતેલ-ઉત્પાદનના તથા દ્રાવણ-નિષ્કર્ષણના એકમોનો સમાવેશ થાય છે. રાજકોટ શહેર દેશભરમાં જાણીતું બનેલું નાના પાયા પરનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે. રાજકોટ ખાતે ઑઇલ-એંજિનોનું અને રાચરચીલાનું મોટા પાયા પર ઉત્પાદન થાય છે. ધોરાજી ખાતે ખાંડ અને સિંગતેલ-ઉત્પાદનના એકમો આવેલા છે. જેતપુર સાડીઓના છાપકામ માટે; મોરબી ભીંત-ઘડિયાળો, નળિયાં અને અગ્નિરોધક પદાર્થો તેમજ માટીનાં પાત્રો અને સાધનો માટે ગુજરાત રાજ્યમાં જાણીતાં છે. મોરબી ખાતે આવેલો પરશુરામ પૉટરી વર્કસ કંપની લિ.નો ઉદ્યોગ પણ ગુજરાતમાં જાણીતો છે. આજી, ભક્તિનગર, ગોંડલ, જસદણ, કોટડા સાંગાણી, મોરબી, વાંકાનેર અને જેતપુર ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા આઠ ઔદ્યોગિક વસાહતો ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત ગોંડલ, માળિયા અને કુવાડવા ખાતે બીજી ત્રણ ઔદ્યોગિક વસાહતોનું નિર્માણ કરવાની યોજના ચાલુ છે.

રાષ્ટ્રપિતા ગાંધીજીએ જ્યાં શિક્ષણ લીધું હતું તે મહાત્મા ગાંધી વિદ્યાલય, રાજકોટ

વેપાર : રાજકોટ, મોરબી, જેતપુર, ધોરાજી, ઉપલેટા વગેરે જેવાં શહેરો ઔદ્યોગિક અને વેપારી કેન્દ્રો તરીકે વિકસ્યાં છે. બાંધણી, આભલાકામ, મણકાકામ, રેશમી ભરતકામ – એ બધા રાજકોટ ખાતે પરંપરાગત રીતે ચાલતા હુન્નરો છે. જિલ્લાનાં જુદાં જુદાં નગરોમાં ઉત્પન્ન થતી સામગ્રી સિંગતેલ, મલમલ, છાપેલી સાડીઓ, અગ્નિરોધક ઈંટો, ફર્શના ટાઇલ્સ, નળિયાં, ડીઝલ-ઑઇલ-એંજિનો, કૃષિસાધનો અને તેના છૂટા ભાગો, રૂની ગાંસડીઓ, સ્ટીલનું રાચરચીલું, ભીંત-ઘડિયાળો, ચાંદીનાં ઘરેણાં, ખાંડ, ગોળ, મીઠું, ટાઇલ્સમાં જડવાના આરસપહાણના ટુકડા, પશુઓ વગેરેનો વેપાર તેમજ નિકાસ થાય છે. સિંગદાણા, હાર્ડવેર, કૃત્રિમ ખાતરો, સૂતર, અનાજ વગેરેની આયાત કરવામાં આવે છે. વેપારની સુવિધા માટે જિલ્લાનાં લગભગ બધાં જ નગરોમાં વાણિજ્ય તેમજ સહકારી બકો આવેલી છે. પડધરી સિવાય બધે જ કૃષિ શાખ મંડળીઓની સગવડ પણ છે. વેપાર તેમજ આયાત-નિકાસ માટે તથા ખાતરો અને કોલસાની આયાત માટે નવલખી બંદરનો ઉપયોગ કરવામાં આવે છે.

વાહનવ્યવહાર : જિલ્લામાં આશરે 300 કિમી. લંબાઈના મોટા તેમજ મધ્યમ માપના રેલમાર્ગો છે. તેના પર આશરે 60 જેટલાં રેલમથકો છે. જિલ્લાનાં લગભગ બધાં જ શહેરો રેલમાર્ગથી જોડાયેલાં છે. 254 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો અને 420 કિમી.ના રાજ્ય ધોરી માર્ગો સહિત જિલ્લામાં કુલ 2,825 કિમી.ના માર્ગો આવેલા છે. અહીંનાં મોટાભાગનાં ગામડાં રાજ્ય-પરિવહનની બસોથી સંકળાયેલાં છે. 841 વસ્તીવાળાં ગામડાં પૈકી 819 ગામડાંમાં બસમથકોની સુવિધા છે. નવલખી અહીંનું એકમાત્ર બંદર છે. જિલ્લામથક રાજકોટ ખાતે હવાઈ મથકની સુવિધા પણ છે. તે અમદાવાદ, ભાવનગર, ભુજ, વડોદરા તથા મુંબઈ સાથે હવાઈ માર્ગોથી સંકળાયેલું છે. દરિયાકિનારા નજીકનાં ત્રણ ગામોમાં વહાણવટા-યોગ્ય જળમાર્ગો પણ છે.

પ્રવાસન : જિલ્લામથક રાજકોટ ઉપરાંત અહીંનાં જોવાલાયક સ્થળો આ પ્રમાણે છે : કસ્તૂરબાધામ : આ સ્થળ અગાઉ ત્રાંબા નામથી ઓળખાતું હતું. 1939માં કસ્તૂરબાને ગાંધીજી સાથે અહીં અટકાયતમાં રાખવામાં આવેલાં. ગોંડલ : જૂનું દેશી રાજ્ય. ચારેય બાજુ કોટથી આરક્ષિત આ નગર ભાદરની શાખાનદી ગોંડલી પર વસેલું છે. તેમાં સ્વામિનારાયણનું વિશાળ મંદિર આવેલું છે.

વૉટસન સંગ્રહાલય અને લગ લાઇબ્રેરી, રાજકોટ

અહીં નજીકમાં લિલખા ગામ નજીક ભાદર નદી પર બંધ આવેલો છે. તેમાંથી આજુબાજુના વિસ્તારને સિંચાઈની સગવડ પૂરી પાડવામાં આવે છે. જેતપુર : તે સ્વામિનારાયણ મંદિર માટે જેતપુર જાણીતું છે. મંદિરના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીને અહીં ગાદીનશીન કરવામાં આવેલા. અહીં ભીડભંજન મહાદેવનું મંદિર આવેલું હોવાથી તે ધાર્મિક તથા પર્યટન-સ્થળ તરીકે જાણીતું છે. ટંકારા : આર્યસમાજના આદ્યસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ. નવલખી : બધી જ ઋતુઓમાં વ્યસ્ત રહેતું મધ્યમ કક્ષાનું બંદર. આ નવલખી અને કંડલા વચ્ચે ફેરી સેવા ચાલે છે. અહીંથી સૌરાષ્ટ્રના દરિયામાર્ગે અરબી સમુદ્રમાં જઈ શકાય છે. પાટણવાવ : ઓસમ ટેકરીઓની તળેટીમાં આવેલ પાટણવાવ ખાતે સૌરાષ્ટ્રના નાગરો અને ક્ષત્રિયોની અધિષ્ઠાત્રી દેવી ઓસમમાત્રીનું મંદિર છે. ટેકરીઓ પર ભીમનાથ મહાદેવનું મંદિર પણ છે. મોરબી : 1948 અગાઉનું જૂનું દેશી રાજ્ય. પુરાતત્વ ખાતા તરફથી રક્ષિત સ્થળો તરીકે જાહેર કરવામાં આવેલાં ચૌદમી સદીની કુબેરવાવ તથા જૂનો દરબારગઢ અહીંનાં જોવાલાયક સ્થળો ગણાય છે. દરબારગઢમાં કેટલાંક તામ્રપત્રો રાખવામાં આવેલાં છે. વીરપુર : યાત્રાધામ. જલારામ બાપાના મંદિર તથા ત્યાં ચાલતા સદાવ્રત અને મીનળવાવ માટે તે ખૂબ જ જાણીતું છે. આ બંને સ્થળો મચ્છુ નદી પર આવેલાં છે. વવાણિયા : પ્રસિદ્ધ જૈન સંત અને દાર્શનિક શ્રીમદ્ રાજચંદ્રમુનિનું જન્મસ્થળ. મહાત્મા ગાંધી પર તેમના વિચારોની ખૂબ અસર પડેલી. હડમતિયા : તે ઐતિહાસિક સ્થળ હોવા ઉપરાંત ત્યાં આવેલાં ખોડિયાર માતાજીના મંદિર તથા ઘુડિયા મહાદેવ માટે જાણીતું છે. આ ઉપરાંત જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ ઘેલા સોમનાથ, રફાળેશ્વર, જાડેશ્વર, રામનાથ મહાદેવ, શીતળા માતા, હડમતિયા, પાટણવાવ-ઓસમમાત્રીના મેળા પણ ભરાય છે.

વસ્તી : 2001 મુજબ રાજકોટ જિલ્લાની વસ્તી 31,57,676 જેટલી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ સમાન છે તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 55 % અને 45 % જેટલું છે. ધર્મવિતરણ મુજબ જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને જૈનોનું પ્રમાણ વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને ઇતર ધર્મના લોકોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 58 % જેટલું છે. જિલ્લાનાં બધાં જ નગરોમાં તેમજ લગભગ બધાં જ ગામોમાં શિક્ષણની વ્યવસ્થા છે. જિલ્લાનાં નગરોમાં ઉચ્ચશિક્ષણની સારી સુવિધાઓ છે. મોરબી ખાતે ઇજનેરી કૉલેજ અને રાજકોટ ખાતે પૉલિટૅક્નિક આવેલી છે. ધોરાજી અને ગોંડલ સિવાય બધાં જ નગરોમાં પ્રૌઢો માટે શિક્ષણકેન્દ્રો પણ છે. જિલ્લાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં હૉસ્પિટલો, ડિસ્પેન્સરીઓ, કુટુંબનિયોજન-કેન્દ્રો, બાળકલ્યાણ-કેન્દ્રો અને પ્રસૂતિગૃહો તેમજ સ્વાસ્થ્ય-કેન્દ્રોની સગવડ છે. જેતપુર અને વાંકાનેરમાં ક્ષયચિકિત્સા-કેન્દ્ર આવેલું છે. જિલ્લામાંથી ‘સંદેશ’, ‘ગુજરાત સમાચાર’, ‘જનસત્તા’, ‘ફૂલછાબ’, ‘નૂતન સૌરાષ્ટ્ર’ જેવાં દૈનિકપત્રો તથા ‘ફૂલવાડી’, ‘અમૃતા’ જેવાં સામયિકો બહાર પડે છે. રાજકોટ ખાતે આકાશવાણીનું મથક આવેલું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 13 તાલુકાઓમાં, 13 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 13 નગરો અને 843 (2 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

રાજકોટ (શહેર) : સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 22° 18´ ઉ. અ. અને 70° 48´ પૂ. રે. તે પ્રાચીન નગર છે. તે સૌરાષ્ટ્રના મધ્યસ્થાને આવેલું હોવાથી તેનું ઉદ્યોગ-વેપાર તેમજ વહીવટી દૃષ્ટિએ ઘણું મહત્વ છે. રાજકોટ શહેર સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અને દેશભરમાં જાણીતું બનેલું નાના પાયા પરનું મહત્વનું ઔદ્યોગિક મથક છે. સૌરાષ્ટ્રના મુખ્ય વેપારીકેન્દ્ર તરીકે તે વિકસ્યું છે. આ શહેરમાં બાંધણીઓ, આભલાકામ, મણકાકામ, રેશમી ભરતકામના પરંપરાગત હુન્નર ચાલે છે. જિલ્લામાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓનો મોટાભાગનો વેપાર રાજકોટ ખાતેથી થાય છે. વેપાર-વાણિજ્ય માટે બૅંકોની અહીં સારી સુવિધા છે. રાજકોટ જિલ્લાનાં તેમજ રાજ્યનાં બધાં શહેરો સાથે રેલ અને સડકમાર્ગે સંકળાયેલું છે. આ શહેરમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણની સારી સગવડો છે. વળી તે પ્રવાસનનું પણ મુખ્ય મથક છે.

1948 પહેલાં તે સૌરાષ્ટ્ર વિસ્તારનું પાટનગર હતું, ત્યારે તે ગવર્નર જનરલના એજન્ટનું મુખ્ય મથક હતું. 1939માં મહાત્મા ગાંધીએ અહીં સત્યાગ્રહની ચળવળ શરૂ કરેલી તથા રાજકોટ દેશી રાજ્યની સામે જવાબદાર સરકાર રચવા માટે ઉપવાસ આદરેલા. 1948થી 1956 સુધી રાજકોટ સૌરાષ્ટ્રની સરકારના વહીવટનું કેન્દ્ર રહેલું. 1956માં સૌરાષ્ટ્ર વિસ્તારને દ્વિભાષી મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવાયેલો. આજે રાજકોટ એક અગત્યનું ઔદ્યોગિક મથક બની રહેલું છે. આ શહેર પશ્ચિમ રેલવિભાગ પરનું સૌરાષ્ટ્રના વિસ્તાર માટેનું મહત્વનું જંક્શન ગણાય છે. અહીંથી મુખ્ય ધોરી માર્ગો પસાર થાય છે. અહીં હવાઈ મથક પણ છે. 1870માં સ્થપાયેલી રાજકુમાર કૉલેજ ઉપરાંત તેર જેટલી અન્ય કૉલેજો પણ આવેલી છે. 2001 મુજબ રાજકોટની વસ્તી 9,66,642 જેટલી છે.

ઇતિહાસ : રાજકોટ સૌરાષ્ટ્રમાં આવેલું જાડેજા વંશનું દેશી રાજ્ય છે. જામ સતોજીના જ્યેષ્ઠ પુત્ર અજોજીનું 1591માં ભૂચર મોરીના યુદ્ધમાં અવસાન થયું. અજોજીના નાના પુત્ર વિભોજીએ રાજકોટના જાડેજા કુળની સ્થાપના કરી હતી. આ વિભોજીને જામનગર જિલ્લાનું કાલાવડ જિવાઈમાં મળ્યું હતું. તે રાજકોટ તાલુકાના સરધારના વાઘેલા ઠાકોરની દીકરીને પરણ્યો હતો અને દાયજામાં તેને ચીભડા ગામ મળ્યું હતું. આ વાઘેલાઓને મુઘલો સાથે અણબનાવ હોવાથી મુઘલો તેમને અંકુશમાં લેવા ઉત્સુક હતા. અમદાવાદમાં શાહજાદો ખુર્રમ (શાહજહાં) સૂબેદાર થયો ત્યારે વિભોજીએ મુઘલ લશ્કરની મદદથી વાઘેલા ઠાકોર કાનોજીનો વધ કરી સરધાર જીતી લીધું. ત્યાં શાહી થાણું સ્થાપવામાં આવ્યું. વિભોજીની મદદથી સરધાર રાજ્યના પૂર્વના પ્રદેશો મુઘલોએ કબજે કર્યા અને વિભોજીને તેણે કરેલી સહાયના બદલામાં અરદોઈ, રીબ, રીબડા, કાળીપાટ વગેરે ગામ આપવામાં આવ્યાં. વિભોજીનું 1635માં અવસાન થયું. તેથી તેનો કુંવર મહેરામણજી વારસદાર બન્યો. મહેરામણજી 1640માં મુઘલ સૂબેદાર આઝમખાન સાથે ત્યાંના કાઠીઓને અંકુશમાં લેવા જોડાયો. તેની સેવાની કદર કરીને તેને સરધાર આપવામાં આવ્યું. તેને મુઘલોનો આશ્રિત માનવામાં આવતો હતો. મહેરામણજીના અવસાન બાદ તેના પાટવી કુંવર સાહેબજીને સત્તા મળી. તેના નાના ભાઈ કુંભોજી સાથે સાહેબજીને અણબનાવ હોવાથી સૌરાષ્ટ્રના ફોજદાર કુત્બુદ્દીને કુંભોજીને અરદોઈ અને રીબ ગામો અપાવીને સમાધાન કરી આપ્યું. સાહેબજીનું ઈ. સ. 1675માં અવસાન થવાથી તેનો કુંવર બામણિયોજી અનુગામી બન્યો. તેણે મુઘલો સાથે ઘનિષ્ઠ સંબંધો જાળવ્યા હતા. તેના બદલામાં તેને કેટલાંક ગામ આપવામાં આવ્યાં હતાં. 1694માં મિયાણાઓએ હુમલો કર્યો ત્યારે તેમની સામેના ધિંગાણામાં તે માર્યો ગયો. તેનો પુત્ર મહેરામણ બીજો તેનો અનુગામી બન્યો.

ઔરંગઝેબના અવસાન (ઈ. સ. 1707) બાદ સૌરાષ્ટ્ર ઉપર મુઘલોની પકડ ઘટી, વળી દક્ષિણ ગુજરાતમાં મરાઠાઓના હુમલા થવાથી મુઘલ લશ્કરને ત્યાં લઈ જવું પડ્યું. તે પરિસ્થિતિનો લાભ લઈને મહેરામણજીએ રાજકોટ સહિત આજુબાજુનો પ્રદેશ કબજે કર્યો; પરંતુ જૂનાગઢનો નાયબ ફોજદાર માસૂમખાન 1720માં મહેરામણ પર ચડી આવ્યો. લડાઈમાં મહેરામણ માર્યો ગયો અને રાજકોટ માસૂમખાને જીતી લીધું. ઈ. સ. 1732માં મહેરામણના પાટવી કુંવર રણમલજીએ રાજકોટ પુન: જીતી લીધું તથા પોતાના છ ભાઈઓને એક-એક ગામ ગરાસમાં આપીને અંકુશ મજબૂત કર્યો. કાઠી લોકોએ જીતી લીધેલું સરધાર પણ તેણે પાછું મેળવ્યું. ઈ. સ. 1746માં રણમલજીનું અવસાન થવાથી તેનો જ્યેષ્ઠ પુત્ર લાખોજી તેનો વારસદાર બન્યો. શાસન કરવામાં તે અયોગ્ય હોવાથી તેણે પોતાની હયાતીમાં જ પાટવી કુંવર મહેરામણજીનો રાજ્યાભિષેક કર્યો. તે વ્રજ ભાષા(જૂની હિંદી)નો સારો કવિ હતો અને તેણે ‘પ્રવીણસાગર’ નામના કાવ્યના ઉત્તમ ગ્રંથની રચના કરી હતી. ઈ. સ. 1794માં પિતાની હયાતીમાં જ તે મરણ પામ્યો. તેથી લાખોજીએ વહીવટ સંભાળી લીધો, પરંતુ મહેરામણના પુત્ર રણમલજીએ તેને – દાદા લાખોજીને – દોઢ વર્ષમાં કાઢી મૂક્યો. ઈ. સ. 1796માં લાખોજી મરણ પામ્યો.

લાખાજીરાજ

રણમલજીએ રાજકોટના ઠાકોર તરીકે સ્વતંત્ર સત્તા સંભાળી. ઈ. સ. 1807માં થયેલ ‘વૉકર સેટલમેન્ટ’ મુજબ કંપનીનું આધિપત્ય સ્થપાયું. 1813માં કૅપ્ટન બૅલેન્ટાઇને સરધાર રણમલજીને અપાવ્યું. 1820માં બ્રિટિશ કંપનીએ રાજકોટમાં ‘એજન્સી’ સ્થાપી. તે માટે ઠાકોરે વાર્ષિક રૂ. 2,800ના ભાડાથી કંપનીને જમીન આપી હતી. ઈ. સ. 1825માં રણમલજીનું અવસાન થતાં તેમના કુંવર ઠાકોર સુરાજી ગાદીએ બેઠા. તેમના સમયમાં રાજકુટુંબમાં દીકરીને દૂધ પીતી (બાળકીની હત્યા) કરવાનો બનાવ બનવાથી કંપની સરકારે રાજ્યને રૂ. 12,000નો દંડ વસૂલ કરી, ફરી વાર આવો પ્રસંગ નહિ બને એવી ખાતરી મેળવી. તેમણે 1844 સુધી રાજ કર્યું. તેમના પછી તેમના પાટવી કુંવર મહેરામણજી ચોથા ગાદીએ બેઠા. દીકરીને દૂધ પીતી કરવાના રિવાજને દૂર કરવા તેમણે દાખવેલ ઉદ્યમશીલતા બદલ બ્રિટિશ સરકારે તેમનું સન્માન કર્યું હતું. ઈ. સ. 1862માં તેમનું અવસાન થવાથી એમના પુત્ર બાવાજીરાજ તેમની ગાદીએ બેઠા. તે સગીર હોવાથી કૅપ્ટન લૉઇડની રિજન્સીનો વહીવટ 1876 સુધી ચાલ્યો. ઈ. સ. 1870માં રાજકોટમાં રાજકુમાર કૉલેજ સ્થાપવામાં આવી. 1876માં ઠાકોરસાહેબ બાવાજીને શાસન સોંપવામાં આવ્યું. તેમણે જાણીતા સમાજસુધારક કરસનદાસ મૂળજીને તેમના કારભારી તરીકે નીમ્યા અને મહાત્મા ગાંધીના પિતાશ્રી કરમચંદ ઉત્તમચંદ ગાંધી 1881 સુધી રાજકોટ રાજ્યના દીવાન રહ્યા. બાવાજીએ રાજકોટમાં નગરપાલિકા સ્થાપી અને પુસ્તકાલયો શરૂ કર્યાં. માત્ર 34 વર્ષની યુવાન વયે 1889માં તેમનું અવસાન થવાથી તેમના પુત્ર લાખાજીરાજ સગીર વયે ગાદીએ બેઠા. તેથી કારભારી મોતીચંદ તુલસી પોલિટિકલ એજન્ટની દેખરેખ હેઠળ રાજ્યનું શાસન સંભાળતા હતા. લાખાજીરાજને 1907માં સ્વતંત્ર વહીવટી સત્તા સોંપવામાં આવી.

સર લાખાજીરાજ એક પ્રગતિશીલ અને દૂરંદેશી રાજવી હતા. તેમણે 1918-19 તથા 1924-25 દરમિયાન થયેલા ગંભીર રોગચાળા (પ્લેગ અને ઇન્ફ્લુએન્ઝા) દરમિયાન જાતે રસ લઈને રાહતકામો કરાવ્યાં હતાં. તેમણે હસ્તકલા અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું તથા રાજ્યમાં ઘણી શાળાઓ શરૂ કરીને શિક્ષણનો વિકાસ કર્યો. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારને નાણાકીય તથા સૈન્યની સહાય પણ કરી હતી. કાઠિયાવાડ નરેન્દ્ર મંડળ સ્થાપવાના પ્રયાસો તથા સિવિલ સ્ટેશનની બાબતમાં રાજકોટના પોલિટિકલ એજન્ટ સાથે તેમને મતભેદો થયા હતા. તેમણે કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપનાને પ્રોત્સાહન આપી તેનું પ્રથમ અધિવેશન રાજકોટ ખાતે ભરવાની પરવાનગી આપી હતી. જાન્યુઆરી, 1925માં ભાવનગર મુકામે તેનું ત્રીજું અધિવેશન મળ્યું. તેમાં તેમણે હાજરી આપી હતી. મહાત્મા ગાંધી તે અધિવેશનમાં પ્રમુખ હતા. આ પ્રસંગે લાખાજીરાજના હસ્તે ગાંધીજીને માનપત્ર આપવામાં આવ્યું હતું. કાઠિયાવાડના લોકોની લાખાજીરાજે કરેલ સેવાની પ્રશંસા કરવા રાજકીય પરિષદ દ્વારા ગાંધીજીના પ્રમુખપદે એક વિશાળ સભા યોજવામાં આવી હતી. તે પછી ગાંધીજીએ રાજકોટની મુલાકાત લીધી ત્યારે ઠાકોરસાહેબે તેમને પોતાની સાથે જમણી બાજુએ બેસાડીને સન્માન કર્યું હતું અને રાષ્ટ્રીય શાળા શરૂ કરી હતી. તેમણે 29 સપ્ટેમ્બર, 1929ના રોજ પુખ્તવય મતાધિકારના ધોરણે ચૂંટાયેલી રાજકોટ પ્રજા-પ્રતિનિધિ સભાનું વિધિસર મંગલાચરણ કર્યું. ઠાકોરસાહેબના આવા રાષ્ટ્રવાદી વલણને કારણે સૌરાષ્ટ્રમાં રાજકોટ પ્રગતિશીલ રાજ્ય ગણાયું. 10 ફેબ્રુઆરી, 1926ના રોજ તેમણે કામદારોની પરિષદનું અને તેના બીજા મહિને અખિલ ધર્મસભાની બેઠકનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ખેડૂત સભા, વેપારી મંડળ જેવી ઘણી પ્રજાકીય સંસ્થાઓ સ્થાપી હતી. રવીન્દ્રનાથ ઠાકુર (ટાગોર) રાજકોટ ગયા ત્યારે અને 1929માં જવાહરલાલ નહેરુએ યુવક પરિષદનું પ્રમુખપદ સંભાળવા રાજકોટની મુલાકાત લીધી ત્યારે સર લાખાજીરાજે તેમનું સ્વાગત કર્યું હતું. 2 ફેબ્રુઆરી, 1930ના રોજ તેમનું અવસાન થવાથી તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ ગાદીએ બેઠા. તેમના વહીવટ દરમિયાન રાજકોટ પ્રજામંડળે રાજ્યનાં જુલમી પગલાં તથા ભારે કરવેરા વિરુદ્ધ 1938-39માં સત્યાગ્રહ કર્યો હતો અને ગાંધીજીએ ઉપવાસ કરવા પડ્યા હતા. ધર્મેન્દ્રસિંહજીના અવસાન બાદ તેમના નાના ભાઈ પ્રદ્યુમ્નસિંહજી 1940માં ગાદીએ બેઠા. 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને જાન્યુઆરી, 1948માં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોનું સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલિનીકરણ કરવામાં આવ્યું.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ