રાજ, કે. એન. (જ. 1924, ત્રિચુર, કેરળ) : ભારતના એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી. મદ્રાસ યુનિવર્સિટીની ક્રિશ્ચિયન કૉલેજમાંથી તેઓ સ્નાતક થયા. 1944માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા અને ત્રેવીસ વર્ષની ઉંમરે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી, ભારત આવીને તેઓ આયોજનના મદદનીશ મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે જોડાયા. આયોજન પર આધારિત ભારતના આર્થિક વિકાસ અંગેની નીતિઓના ઘડતરમાં તેમણે પોતાનો ફાળો આપ્યો છે.

1953માં તેઓ દિલ્હી સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા, ત્યારથી શિક્ષક તરીકેની તેમની કારકિર્દી શરૂ થઈ. દિલ્હી યુનિવર્સિટીને દેશની પ્રથમ કક્ષાની શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે તેઓ પ્રયત્નશીલ રહ્યા. 1969થી ’70ના અંત સુધી તેઓ દિલ્હી યુનિવર્સિટીના કુલપતિપદે રહ્યા. 1971માં તિરુવનંતપુરમમાં તેમણે સેન્ટર ફૉર ડેવલપમેન્ટ સ્ટડીઝની સ્થાપના કરી.

તેમનું લેખન મુખ્યત્વે આર્થિક વિકાસના પ્રશ્નોના સંદર્ભમાં થયેલું છે. 1957માં ઇજિપ્તની મધ્યસ્થ બૅંકનાં પચાસ વર્ષની ઉજવણી પ્રસંગે તેમણે વિકાસશીલ રાષ્ટ્રોના આયોજનમાં રોજગારી અંગે જે ભાષણ આપ્યું હતું તે રોજગારીની સમસ્યાના વિશ્ર્લેષણમાં તેમનું મહત્વપૂર્ણ પ્રદાન છે. દેશની કૃષિ-સમસ્યાઓ અંગે તેમણે જે લેખો પ્રગટ કર્યા હતા તે ‘ઑર્ગેનાઇઝેશનલ ઇશ્યૂઝ ઇન ઇન્ડિયન ઍગ્રિકલ્ચર’ નામે ગ્રંથસ્થ થયા છે.

તેમણે ભારત સરકારની વિવિધ સમિતિઓના અધ્યક્ષ કે સભ્ય તરીકે કામ કર્યું છે. તેઓ યુનાઇટેડ નેશન્સની ‘આયોજન દ્વારા વિકાસ’ અંગેની સમિતિના સભ્ય રહ્યા હતા. આ ઉપરાંત તેઓ અન્ન અને કૃષિ સંગઠન (FAO) અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન (ILO) જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમને કેટલાંક આંતરરાષ્ટ્રીય સન્માનો સાંપડ્યાં હતાં : 1972માં તેઓ બ્રિટિશ એકૅડેમીના ફેલો નિમાયા હતા. 1976માં અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશનના માનાર્હ ફેલો બન્યા હતા. 1982માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિટિકલ સાયન્સના માનાર્હ ફેલો તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. તેમને કેટલાંક રાષ્ટ્રીય સન્માનો પણ મળ્યાં હતાં; તેમાં યુજીસીની નૅશનલ પ્રોફેસરશિપ, નૅશનલ કાઉન્સિલ ફૉર સોદૃશ્યલ સાયન્સ રિસર્ચની રાષ્ટ્રીય પ્રોફેસરશિપ વગેરેનો સમાવેશ થાય છે.

પરાશર વોરા