રાજકોટ સત્યાગ્રહ (1938-39)

January, 2003

રાજકોટ સત્યાગ્રહ (1938-39) : રાજકોટ રાજ્યમાં લોકો ઉપર અત્યાચારો થવાથી જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે થયેલ સત્યાગ્રહ. રાજકોટના ઠાકોર લાખાજીરાજ (1907-1930) પ્રજાપ્રેમી અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. તેમણે વહીવટમાં સલાહ આપવા માટે પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી. રાજકોટમાં રાષ્ટ્રીય શાળા સ્થાપવા માટે તેમણે જમીન આપી હતી તથા ગાંધીજીનાં રચનાત્મક કાર્યો પ્રત્યે તેઓ સહાનુભૂતિ ધરાવતા હતા. લાખાજીરાજના અવસાન બાદ તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ (1930-40) ગાદીએ બેઠા. તેમના રાજ્યનો કારભાર દીવાન દરબાર વીરાવાળા ચલાવતા હતા. વીરાવાળાએ લોકો ઉપર અનેક કરવેરા લાદ્યા. તેમણે દીવાસળી, ખાંડ, બરફ વગેરેના ઇજારા આપ્યા. રમતગમતની કાર્નિવલ કંપનીને જુગારનો પરવાનો આપ્યો. ખેડૂતો ઉપર જાતજાતના કરવેરા તથા વેઠવારા લાદ્યા. તેથી રાજકોટની જાગ્રત પ્રજાએ આવા અત્યાચારો સામે માથું ઊંચક્યું.

રાજકોટમાં રાજ્યની માલિકીની મિલમાં મજૂરો પાસે 10થી 12 કલાક કામ કરાવવામાં આવતું. તેથી મિલ-કામદારોએ એક યુનિયન સ્થાપ્યું. ફેબ્રુઆરી 1937માં મિલ-કામદારોના યુનિયનને ગેરકાયદેસર ઠરાવી તેના કાર્યવાહક મંડળના 14 આગેવાનોને પકડીને સરકારે હદપાર કર્યા. સ્થાનિક આગેવાનોમાં ઉછરંગરાય ઢેબર (1905-1977) કામદારોની લડતને માર્ગદર્શન આપતા હતા. મિલ-કામદારોનાં સરઘસો કાઢવામાં આવતાં તથા સભાઓ પણ ભરવામાં આવતી. ધીમે ધીમે લડતને લોકોનો ટેકો મળવા લાગ્યો. વીસેક દિવસ લડત ચાલવાથી, લોકોની શાંત તાકાતનો રાજ્ય સરકારને ખ્યાલ આવવાથી, સમાધાન કરી મજૂર આગેવાનોને કામ પરથી દૂર કરવાના તથા હદપારીના હુકમો રદ કરવામાં આવ્યા. રાજ્ય સરકાર અને કામદાર સંઘ વચ્ચે થયેલી મંત્રણાના ફળસ્વરૂપે મજૂરોએ નવ કલાક કામ કરવાનું ઠરાવવામાં આવ્યું. આ લડતથી મજૂરોમાં તથા લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા થયો. લોકોને ખાતરી થઈ કે પ્રજા સંગઠિત થઈને રાજ્યના જુલમો સામે સત્યનો આગ્રહ રાખે તો કોઈ પણ જુલમી સત્તાને ઝૂકવું પડે છે.

ત્યારબાદ રાજકોટ પ્રજાપ્રતિનિધિ સભાની ખુલ્લી બેઠકમાં, રાજ્યમાં લેવાતા કરવેરાની તપાસનો હેવાલ રજૂ થયો. રાજકોટના અગ્રણી બેચરભાઈ વાલજી વાઢેરે દીવાન વીરાવાળાના સાત વર્ષના વહીવટની વિગતો લોકો સમક્ષ રજૂ કરી અને એ અન્યાય દૂર કરવા વાસ્તે લોકોને જવાબદાર રાજ્યતંત્રની માગણી કરી. આ દરમિયાન કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી ઢેબરભાઈએ મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી દૈનિક ‘જન્મભૂમિ’માં દેશી રાજ્યોમાં ચાલતા અંધેર વહીવટની કડક શબ્દોમાં ટીકા કરી. આ લેખમાળા વાંચીને લોકોમાં જાગૃતિનો સંચાર થયો. બ્રિટિશ ભારતમાં ચાલેલાં રાજકીય આંદોલનોમાં ભાગ લઈને આવેલા સૌરાષ્ટ્ર(કાઠિયાવાડ)ના કસાયેલા સત્યાગ્રહીઓ દેશી રાજ્યોની ગુલામીમાં દુ:ખી થતા લોકોને ઉગારવા તત્પર થયા.

સૌરાષ્ટ્રના સત્યાગ્રહી સેનાપતિ ફૂલચંદભાઈએ કાઠિયાવાડ સત્યાગ્રહ દળ સ્થાપ્યું હતું. તે સમયે રાજકોટમાં ઇજારાશાહી, વેરાશાહી (કરવેરા) તથા જુગારખાનું આવ્યું. તેની સામે લોકોનો રોષ જણાયો. જન્માષ્ટમીના મેળા દરમિયાન જુગાર રમાતા, તેના વિરોધમાં, રાજ્યની હદમાં ઑગસ્ટ 1938માં ભરાયેલી જાહેર સભાને રાજ્યના મૅજિસ્ટ્રેટે ગેરકાયદે જાહેર કરી. રાજ્યની પોલીસ સભામાં બેઠેલા લોકો ઉપર તૂટી પડી. ઢેબરભાઈ સહિત અનેક આગેવાનોની, તેમના પર નિર્દય લાઠીમાર કરી, ધરપકડો કરવામાં આવી. તેના વિરોધમાં સખત હડતાળ પડી. એ જ ચોકમાં દરરોજ સભા ભરવામાં આવતી અને તેમાંથી વક્તાઓની ધરપકડ થતી; તેમ છતાં લોકોનો જુસ્સો વધ્યો.

રાજ્યમાં થતા જુલમોનો વિરોધ કરવા મુંબઈમાં મળેલી જાહેર સભામાં સરદાર વલ્લભભાઈ પટેલે (18751950) એવી ખાતરી આપી કે આખું ભારત રાજકોટના લોકોની પડખે  છે. તેમણે દેશી રાજ્યોની પ્રજાને જાગ્રત થવા, જુલમ સહેવા તથા કેદખાનાં ભરી દેવા હાકલ કરી. પ્રજાને પોતાનું ખમીર બતાવી આપવા પડકાર કર્યો. દરબાર વીરાવાળાએ પરિસ્થિતિ સમજીને આગેવાનોને જેલમાંથી છોડી મૂક્યા.

રાજકોટમાં 5 સપ્ટેમ્બર, 1938ના રોજ પ્રજા પરિષદનું અધિવેશન ઢેબરભાઈના પ્રમુખપદે મળ્યું. તેમાં વલ્લભભાઈ પટેલ તથા હજારો લોકો હાજર રહ્યા. સરદારના ભાષણથી લોકોમાં નૂતન જાગૃતિ આવી. અધિવેશનમાં જવાબદાર રાજ્યતંત્રની માગણી કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. વીરાવાળાએ સરદાર પટેલ સાથે સુધારા અંગે વાતચીત કરી. વીરાવાળાના સૂચવ્યા મુજબ સરદારે લેખિત સૂચનો મોકલ્યાં. તે પછી નાદુરસ્ત તબિયતના બહાના હેઠળ વીરાવાળા રજા ઉપર ઊતરી ગયા. તેમણે પૅટ્રિક કૅડલને દીવાન નીમ્યા.

રાજ્યની ઇજારાશાહી તોડવાની લડતની શરૂઆત ઢેબરભાઈએ દીવાસળીની પેટીના જાહેર લિલામથી કરી. આઝાદ મેદાનમાં મળેલી જાહેર સભા સમક્ષ તેમણે કાયદાનો સવિનય ભંગ કર્યો અને તે રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી. તેના વિરોધમાં લોકોએ બીજે દિવસે શહેરમાં હડતાળ પાડી. તે સાંજે સત્યાગ્રહ-સંગ્રામના બીજા સરમુખત્યાર વજુભાઈ શુક્લ પણ કાનૂનભંગ કરી પકડાયા. ત્રીજે દિવસે લોકોએ દીવાસળીના કાયદાનો સામુદાયિક ભંગ કરવાથી કેટલાકની ધરપકડ થઈ. તેથી ગામડાંઓમાં કાનૂનભંગની લડત શરૂ થઈ. આ દરમિયાન એક નિર્દોષ ખેડૂતનું ખૂન થયું. લોકોએ તેને શહીદ થયેલો ગણીને, રાજકોટથી તેના ગામ સુધી સરઘસ કાઢ્યું. તેનાથી લડતમાં વેગ આવ્યો અને રાજ્યના મહાલોમાં ખેડૂત-સંમેલનો થયાં.

ઢેબરભાઈ પંદર દિવસની સજા ભોગવીને છૂટ્યા બાદ, દીવાન કૅડલે તેમની સાથે સમાધાનના પ્રયાસો કર્યા; પરંતુ તેમાં નિષ્ફળતા મળ્યા બાદ 9મી નવેમ્બરે તેમની ફરીથી ધરપકડ થઈ. તેના વિરોધમાં શહેરમાં સખત હડતાળ પાડી, પ્રચંડ સરઘસ કાઢવામાં આવ્યું. સરકારે સરઘસ ઉપર મનાઈહુકમ ફરમાવી નારણદાસ પાંઉ, ચીમનભાઈ શાહ, બૅરિસ્ટર પોપટલાલ ચૂડગર વગેરે આગેવાનોની ધરપકડ કરી અને લાઠીમાર કરીને સરઘસને વિખેરી નાખ્યું. તેનો વિરોધ કરવા રાત્રે ભરાયેલી વિશાળ સભાને લાઠીમાર કરીને વિખેરી નાખવામાં આવી. બીજે દિવસે પણ હડતાળ, સભા તથા ધરપકડનો ક્રમ ચાલુ રહ્યો. રાજકોટમાં ત્રણ દિવસના જુલમથી સમગ્ર કાઠિયાવાડ હલી ઊઠ્યું.

આ દમનના વિરોધમાં મુંબઈમાં કાઠિયાવાડ પ્રજામંડળના આશ્રયે 11મી નવેમ્બરના રોજ મળેલી વિશાળ સભાને વલ્લભભાઈ પટેલે સંબોધી. અમદાવાદમાં 21મી નવેમ્બરે અત્યાચારનો વિરોધ કરવા મળેલી સભાને સંબોધતાં સરદાર પટેલે જણાવ્યું, ‘રાજાએ પ્રજા માગે તેવું રાજ્યતંત્ર આપવું જ પડશે…….. રાજ કેમ કરવું એ માટે તો રાજકોટની પ્રજાને પૂછવું પડશે, જે પ્રજાના પ્રતિનિધિઓ આજે જેલમાં છે, તેમને પૂછવું પડશે.’

લડતને વેગ આપવા માટે મુંબઈમાં સંગ્રામ સમિતિ સ્થાપવામાં આવી. નાણાં એકઠાં કરવાની પ્રવૃત્તિ સાથે સ્વયંસેવકોની ભરતી શરૂ થઈ. મુંબઈ, અમદાવાદ તથા કાઠિયાવાડનાં નગરોમાંથી સત્યાગ્રહીઓની ટુકડીઓ રાજકોટમાં આવવા લાગી. સરદાર પટેલનાં પુત્રી મણિબહેન પટેલ અને મૃદુલાબહેન સારાભાઈ રાજકોટને મોરચે આવ્યાં. કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ દરબાર ગોપાળદાસ દેસાઈ (1889-1951) અને ભક્તિબા પણ રાજકોટ આવ્યાં ત્યારે સ્ટેશન ઉપર ભવ્ય સ્વાગત કરી, સરઘસ-આકારે શહેરમાં લોકો લઈ ગયા.

લડતને કચડી નાખવા માટે પોલીસે આગેવાનોની ધરપકડ કરી. કાનૂનભંગ કરતા લોકો ઉપર પોલીસો લાઠીમાર કરી, લોકોને ખટારામાં ભરી, દૂર દૂરના ગામડે મૂકી આવતા તથા ત્યાં સખત મારપીટ કરતા. કિશોરો સૂત્રો પોકારીને શેરીઓ ગજવતા, પત્રિકાઓ વહેંચતા અને પ્રતિબંધિત વર્તમાનપત્રો ઉત્સાહપૂર્વક વહેંચતા હતા. લડતનું જોર વધતું જોઈને દીવાન વીરાવાળાએ સમાધાન કરવાના હેતુથી ગાંધીજી તથા સરદાર પટેલ સાથે પત્રવ્યવહાર કર્યો. ઠાકોરસાહેબનો સંદેશો મળતાં વલ્લભભાઈ 25 ડિસેમ્બર, 1938ના રોજ રાજકોટ આવ્યા. તેમણે દીવાન પૅટ્રિક કૅડલ, કાઉન્સિલના સભ્યો વગેરે સાથે આઠ કલાક સુધી ચર્ચા કર્યા બાદ સમાધાન કર્યું. તેની જાહેરાત રાજ્યના ગેઝેટમાં કરવામાં આવી. સત્યાગ્રહી કેદીઓને છોડી મૂક્યા એટલે વિજય સરઘસ કાઢ્યું. તે સભામાં ફેરવાયું. તેમાં ભાષણ કરતાં સરદારે રાજા તથા પ્રજા બંનેને અભિનંદન પાઠવ્યાં.

સમાધાન મુજબ સરદાર પટેલે સ્થાનિક આગેવાનો સાથે મંત્રણા કર્યા બાદ, તેમણે સૂચવવાનાં હતાં તે સાત નામ ઠાકોરસાહેબને મોકલી આપ્યાં. તેમાંનાં ત્રણ નામ તેમણે ન સ્વીકાર્યાં. પોલિટિકલ એજન્ટ ગિબ્સન તથા વીરાવાળાની સલાહ મુજબ ઠાકોરસાહેબે સમાધાનનો ભંગ કર્યો. એટલે સરદારે કેવા સંજોગોમાં સંધિભંગ થયો તે જણાવતું નિવેદન પ્રગટ કરી, પ્રજાના સ્વમાન ખાતર ફરીથી લડત ઉપાડવાની લોકોને હાકલ કરી. તે મુજબ પ્રજા લડત માટે તત્પર બની અને સરકાર લડતને કચડી નાખવા તૈયાર થઈ. વટહુકમો જાહેર કરવામાં આવ્યા. વર્તમાનપત્રો રાજ્યમાં મંગાવવાની મનાઈ ફરમાવવામાં આવી. ઢેબરભાઈ, વજુભાઈ શુક્લ વગેરે આગેવાનોની ધરપકડ કરવામાં આવી. શહેરમાં ઘોડેસવાર તથા હથિયારબંધ પોલીસો ગોઠવી દેવામાં આવ્યા. આગેવાનોની ધરપકડના વિરોધમાં લોકોએ શહેરમાં સખત હડતાળ પાડી.

સભાબંધી હોવા છતાં રાજકોટના આઝાદ ચોકમાં સાંજે સભા ભરાતી હતી, તેમાંથી વક્તાઓની ધરપકડ કરવામાં આવતી અને લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવતો. મુંબઈ, અમદાવાદ તથા સૌરાષ્ટ્રનાં નગરોમાંથી સત્યાગ્રહી ટુકડીઓ આવતી અને આગેવાનોને જેલમાં પૂરીને ત્યાં તેમના ઉપર જુલમ ગુજારવામાં આવતો. ગામડાંઓમાં સત્યાગ્રહીઓની છાવણીઓ શરૂ થઈ. સ્વયંસેવકોને પકડીને ખટારામાં ભરી, રાજ્યની સરહદ બહાર, સખત મારપીટ કરીને, છોડી દેવામાં આવતા. તેમાં શંભુભાઈ ત્રિવેદી તથા ગુણવંતભાઈ પુરોહિતને મરણતોલ માર પડ્યો. સ્વયંસેવકોને દૂરના અજાણ્યા સ્થળે લઈ જઈ, એકેને અલગ ઉતારી, તેના ઉપર ચાર-પાંચ પોલીસો ગડદાપાટુનો મૂઢમાર મારી, કાંટા-ઝાંખરાંમાં ફેંકી દેતા. કેટલીક વાર તેમને ઘસડવામાં આવતા. આમ રાજ્યના અમલદારોએ બેસુમાર જુલમ ગુજાર્યો; પરંતુ તેની સામે લોકોએ અડગ રહીને લડતનો જુસ્સો ટકાવી રાખ્યો.

કસ્તૂરબા ગાંધી, મણિબહેન પટેલ તથા મૃદુલાબહેન સારાભાઈની ધરપકડ કરીને તેમને નજરકેદ રાખવામાં આવ્યાં. રાજકોટથી 28 કિમી.ના અંતરે સરધારમાં એક અવાવરું મકાનમાં જેલ બનાવી, તેમાં પૂરેલા સત્યાગ્રહીઓ ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો. ત્યાં સત્યાગ્રહીઓએ ઉપવાસ શરૂ કર્યાનું જાણીને રાજકોટની જેલના સત્યાગ્રહીઓ પણ ઉપવાસ પર ઊતર્યા. આ અંગે ગાંધીજી સમક્ષ ફરિયાદ થવાથી સાચી હકીકત જાતે જોવા તેઓ રાજકોટ ગયા. આ દરમિયાન સત્યાગ્રહ મુલતવી રાખવામાં આવ્યો.

રાજકોટમાં ગાંધીજીએ વીરાવાળા તથા ઢેબરભાઈ સાથે વાતચીત કર્યા બાદ સરધારની જેલમાં કેદીઓની મુલાકાત લીધી અને પછી ઠાકોરસાહેબને મળ્યા. બીજે દિવસે ગ્રામવિસ્તારના 150 ખેડૂતોએ ગાંધીજીને રાજ્યના જુલમની કથની કહી સંભળાવી. રેસિડન્ટ ગિબ્સનને મળીને ગાંધીજીએ પોતે નજરે જોયેલી હકીકતો તેમને જણાવી. ત્યારબાદ તેમણે ઠાકોરસાહેબને પત્ર લખીને સરદાર પટેલ સાથે કરેલા સમાધાનની શરતોને પાયામાં રાખીને પ્રજાને ન્યાય આપવાની માગણી કરી. તેનો સ્વીકાર ન થાય તો ઉપવાસ કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. તે મુજબ 3 માર્ચ, 1939થી ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા. આ સમાચાર સમગ્ર દેશમાં વાયુવેગે પ્રસરી ગયા. રાજકોટનો પ્રશ્ર્ન અખિલ ભારતીય બની ગયો. દેશભરમાં ચિંતાની લાગણી ફેલાઈ. વાઇસરૉય લૉર્ડ લિનલિથગોએ રાજા-પ્રજા વચ્ચેના કરારનો અર્થ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ મૉરિસ ગ્વાયર પાસે કરાવવાનું સૂચવ્યું. ગાંધીજીએ આ દરખાસ્ત સ્વીકારી, ઉપવાસ છોડ્યા અને પારણું કર્યું. જેલમાંથી સત્યાગ્રહીઓને છોડવામાં આવ્યા. મુખ્ય ન્યાયમૂર્તિએ બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો. તેમાં તેમણે વલ્લભભાઈના અર્થઘટનને સ્વીકાર્યું. સરદારે સૂચવેલાં નામોની યાદીમાં રાજ્યને ફેરફાર કરવાનો અધિકાર નથી એવું ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું; પરંતુ સર્વસંમત સભ્યોનાં નામો અંગે મતભેદ ચાલુ રહ્યો. આખરે ગાંધીજીએ પ્રજા પરિષદને કમિટી નીમવાનો જે હક્ક મળ્યો હતો તે સ્વેચ્છાએ જતો કર્યો. ગાંધીજીએ મલિન સામંતશાહી તત્ત્વો સામે પોતાનો પરાજય સ્વીકાર્યો અને રાજકોટની સમસ્યાનો ઉકેલ ન આવ્યો.

જયકુમાર ર. શુક્લ