મુખરજી, રાધાકુમુદ (જ. 1880, બરહામપુર, જિ. મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ; અ. 9 સપ્ટેમ્બર 1963, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : પ્રસિદ્ધ ભારતીય ઇતિહાસકાર અને રાજનીતિજ્ઞ. માધ્યમિક શિક્ષણ બરહામપુરમાં લીધા બાદ તેઓ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી 1901માં બી. એ. થયા. તે પછી ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા અને એ જ વરસે અર્થશાસ્ત્રમાં કૉબ્ડન મેડલ મેળવ્યો. બીજે વરસે તેઓ અંગ્રેજી વિષય સાથે ફરી વાર એમ.એ. થયા અને મોવાત સુવર્ણચંદ્રક સહિત પ્રેમચંદ રાયચંદ શિષ્યવૃત્તિ મેળવી. કલકત્તા યુનિવર્સિટીમાંથી 1915માં તેઓ પીએચ.ડી. થયા.

પોતાની કારકિર્દીની શરૂઆત તેમણે રિપન કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કરી અને તે પછી કૉલકાતાની બિશપ કૉલેજમાં જોડાયા. 1906માં નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનમાં હેમચન્દ્ર બસુ મલિક પ્રોફેસર તરીકે અને પછી 1916માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રોફેસર તરીકે તેમની નિમણૂક થઈ. તે પછી મૈસૂર યુનિવર્સિટી અને લખનૌ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અને વિભાગીય અધ્યક્ષ તરીકે તથા ત્યારબાદ ત્યાં જ ઇમેરિટસ પ્રોફેસર તરીકે તેમણે ઉત્કૃષ્ટ સેવાઓ બજાવી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા દેશ-વિદેશના વિદ્વાનો તેમના માટે માન અને સદભાવ ધરાવતા હતા. 1942માં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના હૈદરાબાદમાં મળેલા અધિવેશન સમયે તેમના મિત્રોએ એક સમિતિ નીમી. આ સમિતિએ ‘ભારતકૌમુદી’ નામનો ગ્રંથ તેમના સન્માનાર્થે પ્રસિદ્ધ કર્યો અને લખનૌ યુનિવર્સિટીમાં પ્રતિવર્ષ પદવીદાન સમારંભમાં રાધાકુમુદ મુખરજી શિષ્યવૃત્તિ તથા રાધાકુમુદ સુવર્ણચંદ્રક આપવાની વ્યવસ્થા કરી. ત્યારબાદ આ યુનિવર્સિટીમાં પ્રતિવર્ષ રાધાકુમુદ મુખરજી વ્યાખ્યાનમાળા યોજવાની વ્યવસ્થા કરવામાં આવી. તેમની ઉત્કૃષ્ટ સેવાઓની કદર કરીને લખનૌ યુનિવર્સિટીએ 1949માં તેમને ‘ડૉક્ટર ઑવ્ લિટરેચર’ની ડિગ્રી એનાયત કરી.

ડૉ. મુખરજી વિદ્વાન હોવા સાથે સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે 1937થી 1943 સુધી તેઓ બંગાળની ધારાસમિતિના ચૂંટાયેલા સભ્ય હતા. કેટલોક સમય તેઓ તેમાં વિરોધપક્ષના નેતા પણ હતા. બેંગૉલ લૅન્ડ રેવન્યૂ કમિશન (1939–40) તથા વૉશિંગ્ટનમાં ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચરલ ઑર્ગેનિઝેશનના ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય (1946–47) તરીકે અને રાજ્યસભામાં ભારતના પ્રમુખ દ્વારા નિમાયેલા સભ્ય (1952–58) તરીકે તેમણે સેવાઓ આપી હતી.

તેઓ હિંદુ મહાસભાના ક્રિયાશીલ સભ્ય હતા. તેમણે અખિલ ભારત હિંદુ મહાસભાના ઉપપ્રમુખ તરીકે ઘણાં વરસ સેવા આપી હતી. તેઓ ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સની મૈસૂરમાં મળેલી બેઠકના વિભાગીય અધ્યક્ષ, ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસની 1940માં લાહોરમાં મળેલી બેઠકના ‘અર્લી ઇન્ડિયા’ વિભાગના પ્રમુખ અને 1952માં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસની ગ્વાલિયર બેઠકના સામાન્ય પ્રમુખ (General President) હતા. વડોદરા રાજ્ય દ્વારા તેમને ‘ઇતિહાસશિરોમણિ’નો ખિતાબ અને રૂપિયા સાત હજારનું સયાજીરાવ ગાયકવાડ પારિતોષિક આપવામાં આવ્યું હતું.

ડૉ. મુખરજી નામાંકિત વિદ્વાન હોવા ઉપરાંત પ્રભાવક વક્તા પણ હતા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટી, પંજાબ યુનિવર્સિટી, કલકત્તા યુનિવર્સિટી અને મદ્રાસ યુનિવર્સિટીમાં વ્યાખ્યાનમાળાઓ આપી હતી.

તેમના લખેલા અભ્યાસપૂર્ણ ગ્રંથોમાં ‘મૅન ઍન્ડ થૉટ ઑવ્ એન્શિયન્ટ ઇન્ડિયા’, ‘હિંદુ સિવિલાઇઝેશન’, ‘ધ ગુપ્ત એમ્પાયર’, ‘લોકલ સેલ્ફ-ગવર્નમૅન્ટ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’, ‘ધ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયન શિપિંગ ઍન્ડ મેરિટાઇમ ઍક્ટિવિટી ફ્રૉમ ધી અર્લિએસ્ટ ટાઇમ્સ’, ‘એન્શિયન્ટ ઇન્ડિયન એજ્યુકેશન’ અને ‘નૅશનાલિઝમ ઇન હિંદુ કલ્ચર’ વગેરેનો સમાવેશ થાય છે.

જયકુમાર ર. શુક્લ