મુખરજી, રામકૃષ્ણ (જ. 1919) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય સમાજશાસ્ત્રી. વર્તમાન સમાજશાસ્ત્રના વિકાસમાં તેમનું અનેકવિધ પ્રદાન છે. કૉલકાતા યુનિવર્સિટીમાંથી 1941માં એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરવા ગયા અને ત્યાં 1948માં પીએચ.ડીની પદવી મેળવી. કૉલકાતાની ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સમાજવૈજ્ઞાનિક રીતે વર્ષો સુધી સંશોધન અને લેખન કર્યું. માત્ર ભારતમાં જ નહિ, પરંતુ વિશ્વના અનેક દેશોમાં સમાજશાસ્ત્રીય ચિંતન અને સંશોધનક્ષેત્રે તેઓ સક્રિય રહ્યા છે. 1953–57 દરમિયાન બર્લિનની હમ્બોલ્ટ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાઓ(Indian studies)ના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1948 –49 દરમિયાન લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં સલાહકાર (consultant) તરીકે સેવા આપી.

1949માં તુર્કી સરકારના સલાહકાર રહ્યા. 1972–74 દરમિયાન ઇન્ડિયન સોશ્યોલૉજિકલ સોસાયટીના પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી કરી અને ભારતના સમાજશાસ્ત્રને સક્રિય નેતૃત્વ પૂરું પાડ્યું. બાંગ્લાદેશ, ફ્રાન્સ, સ્વીડન, ચેકોસ્લોવૅકિયા અને યુગાન્ડામાં સમાજશાસ્ત્રના અનેક વિષયોમાં સંશોધનકાર્ય કર્યું. તેઓનાં મહત્વનાં સમાજશાસ્ત્રીય સંશોધનોમાં સંશોધન-પદ્ધતિઓમાં, ગ્રામ-સ્તરરચના, કુટુંબ તેમજ બ્રિટિશ સમયની સામાજિક આર્થિક પરિસ્થિતિના અભ્યાસનો સમાવેશ થાય છે. ‘ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑવ્ ઈસ્ટ ઇન્ડિયા કંપની’ (1979), ‘સિક્સ વિલેજિસ ઑવ્ બૅંગોલ’, ‘ધ સોશ્યોલૉજિસ્ટ ઍન્ડ સોશ્યલ ચેન્જ’ (1965) અને ‘સોશ્યૉલૉજી ઑવ્ ઇન્ડિયન સોશ્યૉલૉજી’ (1979) તેમનાં ઉત્તમ પુસ્તકો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં તેમના સોથી વધુ અભ્યાસલેખો પ્રકાશિત થયા છે. સમાજશાસ્ત્રમાં સંશોધન-પદ્ધતિઓના ઉપયોગ અને પરિણામો અંગેનાં તેમનાં લખાણોએ સામાજિક સંશોધનોને એક નવી દિશા આપી છે. 1979માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ‘વૉટ વિલ ઇટ બી એક્સપ્લોરેશન ઇન ઇન્ડક્ટિવ સોશ્યૉલૉજી’એ સમાજશાસ્ત્રની સંશોધનક્ષેત્રની ભૂમિકા અંગે નવા પ્રશ્નો ઉપસ્થિત કરીને સામાજિક વાસ્તવિકતાને અર્થપૂર્ણ રીતે કેમ સમજાવી શકાય તે માટેનાં દિશાસૂચનો પૂરાં પાડ્યાં છે. સામાજિક વાસ્તવિકતા શા માટે છે અને તે કેવી હોવી જોઈએ તેવા પ્રશ્નો ઉપસ્થિત કરી સમાજશાસ્ત્રએ સંશોધન કરવું જોઈએ તેવું ડૉ. મુખરજીનું માનવું છે. ભારતના સમાજશાસ્ત્રના વિકાસમાં અનેક પરિબળો અને પ્રક્રિયાઓએ ભજવેલી ભૂમિકા અને તેમના મહત્વ અંગે તેમણે ઊંડું ચિંતન કર્યું છે.

ગૌરાંગ જાની