ઇલાયચી : એકદળી વર્ગમાં આવેલા સીટેમિનેસી કુળના ઉપકુળ ઝિન્જિબરેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Elettaria cardamomum Maton. (સં. એલા; મ. વેલદોડે; હિં. ઇલાયચી, છોટી એલચી; ગુ. ઇલાયચી, એલચી; બં. છોટી એલચી, એલાયચ; ક., તા. યાલાકકી; તે. એલાકી; મળ. એલ, એલાતરી, યેલામ; અં. કાર્ડેમન) છે. તેના સહસભ્યોમાં સોનેટકા, કપૂરકાચલી, આદું, હળદર, આંબાહળદર, કુલિંજન અને પન્નગચંપાનો સમાવેશ થાય છે. તે ઊંચી શાકીય અને બહુવર્ષાયુ વનસ્પતિ છે. તેનો ભૂમિગત પ્રવૃંત (rootstock) શાખિત હોય છે, જેના ઉપરથી અનેક સીધા પર્ણીય પ્રરોહ (shoots) ઉદભવે છે. આ પ્રરોહ 1.5 મી.થી 9.0 મી. ઊંચા હોય છે. તેનું પ્રકાંડ જાંબલી રંગનું હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક દ્વિપંક્તિક, ઉપવલયી (elliptical) કે ભાલાકાર (lanceolate), મોટાં, 0.30 મી.થી 0.90મી. લાંબાં, નીચેની સપાટીએથી આછાં રોમિલ અને લાંબા પર્ણદંડવાળાં હોય છે. મુખ્ય શિરા સાથે ઉપશિરાઓ ત્રાંસી જોડાયેલી હોય છે. પુષ્પો 0.6 મી.થી 1.2 મી. લાંબાં લઘુપુષ્પગુચ્છ-(panicle)સ્વરૂપે વાનસ્પતિક પ્રરોહના તલભાગેથી ઉદભવે છે. આ લઘુપુષ્પગુચ્છ સમગ્ર લંબાઈએ ટટ્ટાર કે શરૂઆતમાં ટટ્ટાર અને અંતે નિલંબી (pendant) કે ભૂપ્રસારી (prostrate) હોય છે. પુષ્પો મોટાં, સફેદ કે આછાં લીલાં અને લગભગ 3.75 સેમી. લાંબાં હોય છે અને જાંબલી રંગની રેખાઓવાળો મધ્ય ઓષ્ઠ ધરાવે છે. તેઓ અક્ષ ઉપર ગાઢ શ્રેણીમાં ઉત્પન્ન થાય છે. તે દ્વિલિંગી છતાં સ્વવંધ્ય (self-sterile), ઉપરિજાય (epigynous) અને નિપત્રી (bracteate) હોય છે. નિપત્રો દીર્ઘસ્થાયી હોય છે. પરિદલપુંજ (perianth) 6 પરિદલપત્રો(tepals)નો બનેલો હોય છે, તેનું બહારનું પરિદલચક્ર વજ્રસર્દશ (sepaloid) અને અંદરનું દલપુંજસર્દશ (petaloid) હોય છે. એક જ પુંકેસર ફળાઉ (fertile), પાર્શ્વ પુંકેસર દંતુર અને વંધ્ય અને પશ્ચ પુંકેસર જાંબુડિયા રંગની છાંટવાળું ઓષ્ઠક (labellum) રચે છે. ત્રિયુક્તસ્ત્રીકેસરી અધ:સ્થ બીજાશય ત્રિકોટરીય અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ (placentation) ધરાવે છે. ફળ આછા લીલાથી માંડીને પીળા રંગનાં અને ત્રાકાકારથી માંડીને અંડાકાર હોય છે. તેનો પ્રકાર અધ:સ્થ પ્રાવર (diplotegia) છે અને તેનું સ્ફોટન વિવરીય (loculicidal) રીતે થાય છે. પ્રત્યેક ફળમાં 15થી 20 જેટલાં બદામી કાળાં, કોણીય અને વલિત (rugose) બીજ હોય છે. આ બીજ પાતળાં શ્લેષ્મી પટલ વડે આવરિત હોય છે.
ઇલાયચી દક્ષિણ ભારતનાં ભેજવાળાં સદાહરિત જંગલોની મૂલનિવાસી છે. પશ્ચિમ ઘાટમાં 750 મી.થી 1,500 મી.ની ઊંચાઈ સુધી વન્ય અવસ્થામાં થાય છે. નૈસર્ગિક કારણોસર કે માનવીય પ્રવૃત્તિને કારણે જ્યાં છત્ર-વિરલન (crown-thinning) થયું હોય ત્યાં તે જોવા મળે છે અને સદાહરિત જંગલની પૂર્વચરમ (preclimax) અવસ્થાનું એક ઘટક બનાવે છે. ઝરણાકિનારે ઓછા ગાઢ છાંયડાવાળી જગાઓમાં પણ તે થાય છે. તે શ્રીલંકાના મુખ્યત્વે રત્નાપુરા અને લુનુગાલા જિલ્લાઓમાં વન્ય સ્થિતિમાં થાય છે. મ્યાનમાર, કોચીન-ચાઇના અને મલાયા-દ્વીપસમૂહોમાં પણ તે જોવા મળે છે. ભારતમાં તેનું વાવેતર કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાં થાય છે. તેને ગુજરાતમાં ઉગાડવાના પ્રયાસોમાં નિષ્ફળતા સાંપડી છે. ઇલાયચીની જંગલી જાતિ પહાડી પ્રદેશોમાં થાય છે. તેને નરઇલાયચી કહે છે. તેની કળી લસણ જેવડી મોટી હોય છે.
ઇલાયચી બહુસૂત્રતા (polyploidy) દર્શાવે છે (X = 12, 2n = 48, 52). 1800 સુધી દક્ષિણ ભારતના પશ્ચિમઘાટ અને શ્રીલંકાનાં જંગલોમાં કુદરતી રીતે ઊગતા ઇલાયચીના છોડમાંથી ઇલાયચી એકત્રિત કરીને વેચાણ માટે તૈયાર કરવામાં આવતી હતી. ત્યારબાદ આવાં જંગલોની આજુબાજુની જમીનોમાં ધીરે ધીરે વાવેતર શરૂ થયું. હાલમાં લગભગ 93,947 હેક્ટર જમીનમાં તેનું વાવેતર થાય છે.
વાવેતર હેઠળની ઇલાયચી ઘણી વિભિન્નતાઓ દર્શાવે છે અને ઉત્પાદનના સ્થળને આધારે આપવામાં આવતા વ્યાપારિક પ્રકારોનાં નામકરણથી તેની જાત(variety)ની ઓળખ બાબતે અસ્પષ્ટતા રહે છે. ફળના કદને આધારે ઇલાયચીની બે જાત આપવામાં આવી છે : (1) E. cardamomum var. major Thw. શ્રીલંકાની વન્ય સ્થાનિક જાત છે અને તેને લાંબી ઇલાયચી કે ગ્રેટર ઑબલૉંગ કાર્ડેમમ કહે છે. (2) E. cardamomum var. minor Watt syn. E. cardamomum var. minuscula Burkillમાં ‘મલબાર’ અને ‘મૈસૂર’ જેવી. વિકસાવેલી ઉપજાતો(races)નો સમાવેશ થાય છે. var. majom વધારે આદ્ય જાત છે, જેમાંથી var. minorની ઉત્પત્તિ થઈ છે. ભારતમાં var. minorનું વાવેતર થાય છે. છોડના કદ, પર્ણની સપાટીની પ્રકૃતિ, લઘુપુષ્પગુચ્છ અને ફળનાં લક્ષણો ઉપરથી આ જાતની ઘણી ઉપજાતો નોંધાઈ છે. બધી જ જાતો અને ઉપજાતો આંતરફળાઉ (interfertile) છે અને નૈસર્ગિક સંકરણ દ્વારા તેઓમાં વિભિન્નતાઓ જોવા મળે છે. ભારતમાં વવાતી ઇલાયચીની ત્રણ ઉપજાતો સારણી 1માં આપેલ છે :
સારણી 1 : ઇલાયચીની ઉપજાતો
ક્રમ | ઉપજાતનો પ્રકાર | છોડની ઊંચાઈ | ફળનું લક્ષણ | ઉત્પાદન કિગ્રા. પ્રતિ હેક્ટર | વાવેતરનું સ્થળ |
1. | મલબાર | 2 મી.થી 3 મી. | ગોળથી લંબગોળ | 80 થી 90 | કર્ણાટક |
2. | મૈસૂર | 3 મી.થી 4 મી. | મોટાં
લાંબાં |
100 થી 110 | કેરળ |
3. | વાઝુકા | મોટા | મોટાં, ગોળ | – | કેરળ, તમિળનાડુ |
વાઝુકા મલબાર અને મૈસૂરની કુદરતી સંકર ઉપજાત છે. ઇલાયચીના કુલ વાવેતરના 60 % કેરળ, 30 % કર્ણાટક અને 10 % તમિળનાડુમાં થાય છે.
ઇલાયચીની બે મુખ્ય જાતો ઉપરાંત હાલમાં બે નવી જાતો ઓળખવામાં આવી છે. એક પ્રકાર ઊંચી પ્રબળતા (vigour), વાંકો-ચૂકો (flexous) લઘુપુષ્પગુચ્છ અને મોટાં અંડાકાર ત્રિકોણીય ફળો ધરાવે છે. તેને var. mysorensis કહે છે. બીજા પ્રકારની જાતમાં અરોમિલ પર્ણો, લાંબો અને ઉચ્ચાગ્રભૂશાયી (decumbent) લઘુપુષ્પગુચ્છ અને લાંબાં કે લંબચોરસ ત્રાકાકાર ફળો થાય છે. તેને var. laxiflora કહે છે.
ઇલાયચીના વાવેતર માટે 150 સેમી.થી 575 સેમી. વાર્ષિક વરસાદ, 600 મી.થી 1,500 મી.ની ઊંચાઈ અને સેન્દ્રિય તત્વોથી ભરપૂર, નાઇટ્રોજન અને પોટાશવાળી, 5.0થી 5.6 pHવાળી જમીન અને 10o સે.થી 35o સે. તાપમાનવાળી આબોહવા અનુકૂળ ગણાય છે.
તેનું પ્રસર્જન કાં તો ભૂમિગત પ્રવૃંતના ટુકડાઓના રોપણ કે તરુણ રોપના વાવેતર દ્વારા થાય છે. 10-22 માસના રોપના વાવેતર દ્વારા કરવામાં આવતું પ્રસર્જન વધારે સામાન્ય છે. બીજને સાંદ્ર સલ્ફયુરિક ઍસિડનો ઉપચાર કરવાથી ઉગાવો ઝડપી થાય છે. ફોલીને કાઢેલાં બીજ 15 દિવસથી વધારે સમય સુધી વાવ્યા વગર રાખવાં ઉચિત નથી. બીજ વાવીને પરાળ કે પાંદડાંના મિશ્રણનું છાદન (mulching) જરૂરી છે. બીજ ઊગ્યા પછી આ ઘાસપાત-છાદન દૂર કરીને વરસાદ અને તાપથી રક્ષણ આપવા છાંયો જરૂરી છે. એક વર્ષમાં રોપ 15 સેમી.થી 50 સેમી. ઊંચો બને છે. આવા રોપોની અન્ય ક્યારીમાં રોપણી કરવામાં આવે છે. આમ રોપા તૈયાર કરવામાં બે તબક્કે રોપણી-ક્યારી(nursery)નો ઉપયોગ થાય છે. રોગજન ફૂગથી રક્ષણ આપવા બૉર્ડો-મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે. રોપાને બે વર્ષ સુધી ક્યારીમાં રાખવામાં આવે છે. વર્ષાઋતુના પ્રારંભ-પૂર્વે જૂન-જુલાઈમાં આ રોપાની વાવણી કરી શકાય છે.
વાવેતર પછી અપતૃણોનો નાશ, જૂનાં અને સુકાતાં પ્રકાંડોનો નિકાલ, ઘાસપાતછાદન, છાંયડાનું નિયંત્રણ અને ખાતર આપવાની બાબતે કાળજી રાખવામાં આવે છે. ઇલાયચી સોપારીના બગીચાઓમાં ઉછેરવામાં આવે છે. આમળાં(Emblica officinalis Gaertn.)ના પર્ણ-છાદન ઉપરાંત ઢોરોનું ખાતર કે મિશ્ર ખાતર (compost) અપાય છે. સામાન્ય રીતે ખાતરમાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટૅશિયમ 75 : 75 : 150 રાખીને બે હપતે – મે-જૂન અને સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં આપવામાં આવે છે. કૉફીના ભૂસા અને માટીના મિશ્રણથી ઘણાં સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે. તેનાથી પુષ્પનિર્માણ એક વર્ષ વહેલું થાય છે. સામાન્ય રીતે પાણી ભરાઈ ન રહે તે બાબત ધ્યાનમાં રાખીને 15-20 દિવસે પાણી આપવામાં આવે છે.
જો છાંયો વધારે ગાઢ હોય તો વૃક્ષ-છત્ર (tree canopy)નું વિરલન કરવામાં આવે છે અને નવાં છાયા-વૃક્ષો(shade trees)ના વાવેતરનો સમાવેશ થાય છે. ત્રાવણકોર-કોચીન અને ચેન્નાઈમાં Macaranga peltata Muell. Arg. સમૂહોમાં તે સ્વયંભૂ થાય છે, જેનાથી ઇલાયચીના છોડને છાંયડો મળે છે. મૈસૂરમાં ઇલાયચીનું વાવેતર કૉફીની વચ્ચે કરવામાં આવે છે અને Erythrina subumbrans Merrill તેમજ કૉફી દ્વારા છાંયડો પ્રાપ્ત થાય છે.
ઇલાયચીને બે ગંભીર રોગો થાય છે : (1) પાનના સડા Coniothrium sp. દ્વારા રોપાને ભેજવાળી ઋતુમાં લાગુ પડતો રોગ છે અને ઘણી વાર બધા જ રોપાનો નાશ કરે છે, બૉર્ડો-મિશ્રણના છંટકાવથી રોગનું નિયંત્રણ થાય છે. (2) કિર્મીર (mosaic) કે માર્બલ રોગ અથવા કાટ્ટે રોગનું વાહક કીટક Pentalonia nigronervosa Coq. છે. આ રોગમાં તરુણ પર્ણો કાબરચીતરાં (mottled) અને વાંકડિયાં (curling) બને છે, તેમના કદમાં ઘટાડો તેમજ ઝુંડ(clump)નો નાશ થાય છે. આવા રોગિષ્ઠ છોડોનો નિકાલ જ એકમાત્ર નિયંત્રક ઉપાય હોય છે. અન્ય ગૌણ રોગોમાં પાનનાં ટપકાં (રોગજ-Mycosphaerella sp.), ઑરેડિન ગેરુ અને ગાંઠામૂળીના સડા (રોગજન-Pythium sp., Cephalosporium spp. અને Rhizoctomia spp.)નો સમાવેશ થાય છે.
કાષ્ઠ-કીટકો (Tacniothrips Cardamoni Ramak) આવરક પર્ણતલો અને પુષ્પીય નિપત્રોમાં વસવાટ કરે છે. નિપત્રોમાં રહેલો આ કીટક બીજાશયની દીવાલને નુકસાન પહોંચાડી ભીંગડાંવાળું ફળ ઉત્પન્ન કરે છે અને આત્યંતિક કિસ્સામાં પુષ્પનિર્માણ પણ અટકાવે છે. ભૂપ્રસ્તરી પ્રકારની ઇલાયચીની જાતને તેનાથી ઓછું નુકસાન થાય છે. તમાકુના નિષ્કર્ષનો છંટકાવ અને ગૅમેક્સોન ડસ્ટિંગ વનસ્પતિને આ કીટકથી રક્ષણ આપે છે.
અન્ય ગૌણ કીટકોમાં ગાંઠામૂળીવેધક (Dichocrocis punctiferalis Guen.), પ્રકાંડ અને ફળવેધક ભમરા તથા આછી છાંટવાળા માંકડ (Stephanitis typicus Dist.), Eupteromollifera Wlk. (E. canaraica Moore) નામની ઇયળો પર્ણોને ખાઈ જઈને બધાં ઝુંડોનું વિપત્રણ (defoliation) કરે છે. Lampides elpis Godart નામના શલ્કપંખ(lepidopterous)ની ઇયળ પુષ્પો અને તરુણ ફળો ઉપર આક્રમણ કરે છે.
ઘણી વાર ઉંદરો, વાંદરાઓ, શાહુડીઓ, જંગલી સૂવર અને પક્ષીઓ પણ ઇલાયચીને નુકસાન પહોંચાડે છે.
છોડ વાવ્યા પછી ત્રીજા વર્ષથી ઇલાયચી બેસે છે અને ચોથા વર્ષથી સંતોષકારક પાક મળે છે. એપ્રિલ-મેમાં પુષ્પનિર્માણ થાય છે અને ઑગસ્ટ-જાન્યુઆરી (કેટલીક વાર માર્ચ સુધી)માં ફળ ઊતરે છે. 15થી 20 (કોઈ વાર 30) દિવસના અંતરે ફળ ઉતારવામાં આવે છે. મૈસૂર જાત 25થી 40 વર્ષ સુધી અને મલબાર જાત 20થી 25 વર્ષ સુધી ફળ આપે છે. વૃક્ષ ઉપરથી ફળ ઉતાર્યા પછી તે સૂર્યના તાપમાં અથવા 82o સે. તાપમાને ઓરડામાં સૂકવવામાં આવે છે. તાજાં ફળને 2 % સોડાના દ્રાવણમાં 10 મિનિટ રાખવાથી લીલો રંગ જળવાઈ રહે છે. ગંધકના ધુમાડાથી સફેદ ઇલાયચી તૈયાર થાય છે. તેનું કદ અને આકાર પ્રમાણે વર્ગીકરણ થાય છે. તેનું ઉત્પાદન લગભગ 23.0 કિગ્રા./એકર થાય છે.
સારણી 2 : ઇલાયચીનાં ફળ અને બીજનાં લક્ષણો
મલબાર | મૈસૂર | વન્ય મલબાર | ||
1. | ફળની સરેરાશ લંબાઈ (સેમી.) | 1.87 | 2.1 | 1.91 |
2. | બીજનું વજન (%) | 78.9 | 72.3 | 73.3 |
3. | ભૂસાનું વજન (%) | 21.1 | 27.7 | 26.7 |
4. | કચડેલાં બીજમાં બાષ્પશીલ તેલ (%) | 19.0 | 18.3 | 20.0 |
5. | ભસ્મ (%) | 3.9 | 5.05 | 4.3 |
6. | શુષ્ક બીજમાંથી તેલનું ઉત્પાદન (%) | 8.4 | 7.3 | 6.4 |
ફળનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 20 %, પ્રોટીન 10.2 %, ઈથર-નિષ્કર્ષ 2.2 %, ખનિજ-દ્રવ્ય 5.4 %, અશુદ્ધ રેસો 20 %, કાર્બૉદિતો 42.1 %, કૅલ્શિયમ 0.13 % અને ફૉસ્ફરસ 0.16 %, લોહ 5.0 મિગ્રા./100 ગ્રા.
ઇલાયચીની સુગંધી અને ચિકિત્સીય ગુણધર્મો તેના બીજમાં રહેલા બાષ્પશીલ તેલ(2 %થી 8 %)ને આભારી છે. શ્રીલંકાની ઇલાયચી કરતાં ભારતીય પ્રકારોમાં તેલનું ઉત્પાદન થોડું વધારે થાય છે. મૈસૂર અને મલબાર જાતોમાં તેલનું પ્રમાણ સરખું હોય છે. લીલી ઇલાયચીનાં બીજ વધારે તેલ ઉત્પન્ન કરે છે. બીજાવરણવાળાં બીજમાં તેલનો ઘટાડો થતો નથી; જ્યારે બીજાવરણરહિત બીજમાં બાષ્પશીલ તેલમાં 8 માસમાં 30 % જેટલો ઘટાડો થાય છે.
ઇલાયચીનું વ્યાપારિક તેલ ઇલાયચીનાં આખાં ફળોના નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. તે રંગહીન કે આછા પીળા રંગનું પ્રવાહી છે અને કપૂર જેવી વાસ અને અત્યંત તીખો સ્વાદ ધરાવે છે. સંગ્રહ દરમિયાન તે સુગંધી ગુમાવે છે. એલેપ્પી-લીલી જાતમાં 11 % જેટલું તેલ હોય છે.
તેલમાં રહેલાં વિવિધ મુખ્ય ઘટકો આ પ્રમાણે છે : સિનિયોલ, ટર્પિનિયોલ, ટર્નિનિન, લિમોનિન, સેબિનિન અને ટર્પિનિયોલના ફૉર્મેટ અને એસિટેટ એસ્ટર હોય છે. બીજમાં તેલ ઉપરાંત ઓલિયોરેઝિન (10 %થી 15 %) હોય છે.
ઇલાયચીના બાષ્પ-નિસ્યંદિત(steam-distillate)ના પ્રવાહીમય ભાગમાં લગભગ 0.5 % જેટલું બાષ્પશીલ તેલ હોય છે. તેનું વિશિષ્ટ ગુરુત્વ 0.0920 હોય છે અને તે સિનિયોલ દ્રવ્ય 80 % જેટલું ધરાવે છે. મલબાર જાતના પ્રવાહીમય નિસ્યંદિતમાં બૉર્નિયોલની હાજરી હોય છે, જ્યારે મૈસૂર જાતમાં તેનો અભાવ હોય છે.
ઇલાયચી મીઠાઈઓ, દૂધની વાનગીઓ, આઇસક્રીમ, કઢી, બિસ્કિટ અને કેક જેવી ખાદ્ય ચીજોને સુગંધિત કરવા મસાલા તરીકે વપરાય છે. તેનો મુખવાસ તરીકે પણ ઉપયોગ થાય છે. તે ગરમ અને ઠંડાં પીણાં અને મધમાં નાખવામાં આવે છે. ઔષધવિજ્ઞાનમાં તે વાતહર (carminative) ઔષધોના સહાયક ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે. બ્રિટિશ અને અમેરિકાના ઔષધકોશો(pharmacopoeia)માં તે અધિકૃત ઔષધ છે અને સુરભિત (aromatic) ઉત્તેજક, વાતહર અને સુગંધિત પ્રક્રિયક તરીકે ઉપયોગી છે. ઇલાયચીનું ચૂર્ણ આદું, લવિંગ અને અજમા સાથે મિશ્ર કરીને લેતાં તે ક્ષુધાપ્રેરક તરીકે વર્તે છે અને અજીર્ણ(dyspepsia)માં ઉપયોગી થાય છે.
આયુર્વેદ અનુસાર ઇલાયચી કડવી, શીતળ, રસકાળે તીખી, લઘુ, સુગંધી, પિત્તકર, મુખ અને મસ્તકનું શોધન કરનાર, ગર્ભપાતકારક, ત્રિદોષશામક, મૂત્રલ, રુક્ષ અને હૃદ્ય ગણાય છે અને વાયુ, કફ, દમ, ઉધરસ, અર્શ, ક્ષય, વિષદોષ, ઊલટી, ઊબકા, કંઠરોગ, ઊનવા, પથરી, હૃદયરોગ, ર્દષ્ટિદૌર્બલ્ય, મુખરોગ, વ્રણ અને કંડૂ(ખરજ)નો નાશ કરે છે. તેનો શુક્રરોગ અને વીંછી તથા નેપાળાના વિષ ઉપર; આંખોની બળતરા, રક્તપ્રદર, રક્તમૂળવ્યાધિ અને રક્તમેહ ઉપર, ઉદાવર્ત અને સર્વશૂળ ઉપર, જીર્ણ જ્વર સમેત સર્વ જ્વર ઉપર તથા ધાતુપુષ્ટિ માટે ઉપયોગ કરવામાં આવે છે. રાત્રે ઇલાયચી ખાવી હિતાવહ ગણાતી નથી.
કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા
નવીનચંદ્ર બાબરલાલ શાહ
શોભન વસાણી
બળદેવભાઈ પટેલ