ઇલાઇટ (Illite) : મૃણ્મય નિક્ષેપો સ્વરૂપે વિપુલ પ્રમાણમાં મળી આવતાં મૃદ્-ખનિજોનો સમૂહ. આ ખનિજો જલીય અબરખ પ્રકારનાં હોય છે. આ મૃદ્-ખનિજો મસ્કોવાઇટ અને મૉન્ટોમોરિલોનાઇટ વચ્ચેનું બંધારણ ધરાવતાં હોય છે. તે પૈકીનાં ઘણાં અબરખના આંતરપડવાળાં અને મૉન્ટોમોરિલોનાઇટનાં બનેલાં હોય છે. ઇલાઇટ સમૂહમાં ઇલાઇટ, જલીય અબરખ અને કદાચ ગ્લોકોનાઇટનો પણ સમાવેશ થાય છે. તેમનું સામાન્ય સૂત્ર K11.5 Al4 (Si. Al)8 O20 (OH)4 મુકાય છે. ગ્લોકોનાઇટને બહુધા અબરખ તરીકે જ ઘટાવાય છે, જે પોટૅશિયમ ઉપરાંત ધનાયન તરીકે Na+, ca++, Mg++, Fe++ અને Fe+++નો પણ સમાવેશ કરે છે. આથી ‘ઇલાઇટ’ શબ્દ ઇલાઇટ ખનિજસમૂહ તરીકેના વ્યાપક અર્થમાં સામાન્ય રીતે સમજાય છે. આ તમામ મૃણ્મય ખનિજો અલ્કલ સંજોગો હેઠળ અબરખ, આલ્કલી, ફેલ્સ્પાર વગેરેના પરિવર્તનથી થતી પેદાશો છે.

ગિરીશભાઈ પંડ્યા