રંગભેદ : રંગના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ દર્શાવવાની સરકારી નીતિ. દક્ષિણ આફ્રિકાની સરકારે દેશની અંદર વસતી વિવિધ જાતિઓ, વર્ગો અને જૂથોને રંગને આધારે અલગ ગણી તેમની વચ્ચે ભેદભાવભર્યો વ્યવહાર આચર્યો હતો.
1909માં દક્ષિણ આફ્રિકાની સરકારે ઍક્ટ ઑવ્ યુનિયન દ્વારા શ્યામ બહુમતીને રાજકારણથી જોજનો દૂર રાખી સત્તાવિહીન બનાવવાની ચાલનો આરંભ કર્યો. 1910માં યુનિયન ઑવ્ સાઉથ આફ્રિકાની રચના થઈ અને ગોરાઓના શાસનનો તથા શ્યામ બહુમતીના શોષણ અને દમનનો આરંભ થયો. આ જાતિવાદ નિરંકુશ બનતો ગયો અને બિનગોરી પ્રજાઓને હડહડતો અન્યાય કરવાની અને આતંકિત નીતિઓ સ્વીકારવાની ત્યાંની સરકારે શરૂઆત કરી. સરકારે સભાનતા અને સમજદારીપૂર્વક જાતિવાદી ભેદભાવની નીતિ અખત્યાર કરી. 1913માં સરકારે લૅન્ડ ઍક્ટ દ્વારા જાતીય ભેદભાવોને કાયદેસરનું સ્વરૂપ આપી કાયમી બનાવ્યા અને બિનગોરાઓને સસ્તી મજૂરી દ્વારા રોજગારી આપવાની બાંયધરી આપવામાં આવી, જે ઉદ્યોગોને લાભદાયી નીવડે તેમ હતી.
1930ના દસકાનાં છેલ્લાં વર્ષોમાં સાઉથ આફ્રિકન બ્યૂરો ફૉર રેસિયલ અફેર્સ (South African Bureau for Racial Affairs SABRA) દ્વારા વિવિધ જાતિઓ માટે અલગ વિકાસની નીતિની ભલામણ કરવામાં આવી હતી. આ સમયે પ્રથમ વાર ‘રંગભેદ’ શબ્દ તેણે પ્રયોજ્યો.
રંગભેદ એ દક્ષિણ આફ્રિકાની સરકારની સત્તાવાર નીતિ હતી, જેના દ્વારા ગોરાઓ અને બિનગોરાઓ વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવાની શરૂઆત થઈ અને ગોરા તરફી અને બિનગોરા વિરુદ્ધનું વલણ સરકારે અખત્યાર કર્યું. 1948થી 1991 સુધી કાયદેસર રીતે આ નીતિ ચાલુ રહી, બિનગોરી પ્રજા વિવિધ સમયે તેનો ભારે પ્રતિકાર કરતી રહી અને લગભગ 42 વર્ષના સંઘર્ષને અંતે બિનગોરાઓ પ્રત્યેનું દક્ષિણ આફ્રિકાની સરકારનું ઓરમાયું અને હીન વર્તન રદ કરાવવામાં આ પ્રજાઓ સફળ રહી. વિદેશી સરકારો અને આફ્રિકન નૅશનલ કૉંગ્રેસ જેવાં સંગઠનોએ આ નીતિ રદ કરવા દક્ષિણ આફ્રિકાની સરકાર પર ભારે દબાણ કરેલું. 1961માં આ કારણથી દક્ષિણ આફ્રિકાની સરકારને કૉમનવેલ્થ ઑવ્ નેશન્સમાંનું સભ્યપદ પાછું ખેંચવાની ફરજ પડેલી. આ કારણસર 1964 અને 1968માં ઓલિમ્પિક રમતોત્સવમાં દક્ષિણ આફ્રિકાનો બહિષ્કાર થયેલો. 1980માં આ પ્રતિબંધો વ્યાપાર અને નાણાક્ષેત્રે લંબાવવાની ચર્ચા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચાલી. પરિણામે ત્યાંની સરકારે અત્યંત તિરસ્કૃત કાયદા રદ કરવાનું વલણ દર્શાવ્યું. 1985માં આંતરજાતીય લગ્ન પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો. આમ દક્ષિણ આફ્રિકાની સરકાર આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ ઝૂકી.
1948ની ચૂંટણીને અંતે દક્ષિણ આફ્રિકામાં નૅશનાલિસ્ટ પક્ષ સત્તા પર આવ્યો. તેમાં આફ્રિકાનેર વર્ગનું પ્રભુત્વ હતું. આ આફ્રિકાનેરો પૂર્વેના ડચ વસાહતી શાસકોના ગોરા વંશજો હતા. તેઓ મુખ્યત્વે કાલ્વિન સંપ્રદાયના અનુયાયીઓ હતા અને ગોરાઓને શ્રેષ્ઠ તેમજ શ્યામ લોકોને જંગલી તથા હીન માનતા હતા. આ નૅશનાલિસ્ટ પક્ષે કાયદેસર રીતે રંગભેદની નીતિ સ્વીકારી. તેમના મતે રંગભેદ એટલે આફ્રિકનવાસીઓની અલગતા. ગોરાઓ અને બિનગોરાઓ વચ્ચેની અલગતાની નીતિ સ્વીકારવા ઉપરાંત તેણે બિનગોરા જૂથો વચ્ચે પણ અલગતાની નીતિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બિનગોરાઓના મુખ્યત્વે ત્રણ વર્ગો પાડવામાં આવતા, જેમાં સ્થાનિક બાન્ટુઓ, રંગીન (coloured, ગોરા અને કાળા દંપતીનાં સંતાનો) અને મિશ્ર યા ભારતીયો જેવાં જૂથોનો સમાવેશ થતો હતો. 2 કરોડ 30 લાખ બિનગોરાઓને નાગરિકત્વના અધિકાર નહોતા અને માત્ર 45 લાખ ગોરાઓને નાગરિક અધિકારો પ્રાપ્ય હતા. આ બિનગોરાઓ માટે ઓળખપત્રોની યોજના ઘડાઈ હતી. તેઓ ગોરાઓના રહેણાક વિસ્તારમાં પરવાનગી વગર પ્રવેશી શકતા નહિ, ગોરાઓ માટેની અનામત નોકરીમાં તેઓ પ્રવેશી શકતા નહિ. ટાઉનશિપ તરીકે ઓળખાતા રહેણાંક-વિસ્તારો અમુક જાતિ માટે જ અનામત રહેતા. 1950 અને 1968ના ગ્રૂપ એરિયાઝ ઍક્ટને કારણે 5,00,000 બિનગોરાઓને શહેર છોડી ગ્રામીણ વિસ્તારોમાં વસવું પડ્યું. આવી ટાઉનશિપ રચવા સરકાર હજારો બિનગોરાઓને તેમના સ્થાયી નિવાસમાંથી ખસેડતી અને પરેશાન કરતી હતી. રંગભેદને ‘અલગતાવાદી વિકાસ’નું રૂડું નામ આપવામાં આવ્યું હતું !! જાહેર સેવાઓ અને સંસ્થાઓનો ઉપયોગ માત્ર ગોરાઓ જ કરી શકતા હતા. આંતરિક રીતે, રંગભેદનો વિરોધ કરનાર સંગઠનો પર પ્રતિબંધ મુકાતો હતો. વિરોધને દબાવી દેવા બળનો ઉપયોગ થતો હતો. સમાચાર-માધ્યમોમાં માહિતી પહોંચાડવા પર પણ પ્રતિબંધ હતો. 1960 અને 1976માં આવી ભેદભાવભરી નીતિ વિરુદ્ધ જોરદાર પ્રતિભાવ જાગ્યો. 1960માં યુનોએ દક્ષિણ આફ્રિકાનાં પગલાંઓને ‘માનવતા વિરુદ્ધનો ગુનો’ કહી ઓળખાવ્યાં.
દેશ અને દુનિયામાં રમતગમતના ક્ષેત્રે, વ્યાપાર-ક્ષેત્રે દક્ષિણ આફ્રિકા પર પ્રતિબંધો મૂકવા જોઈએ એવો મત કેળવાતાં 1970 અને 1980ના દાયકાઓ દરમિયાન રંગભેદ સર્જતા કાયદા ક્રમશ: રદ થવા લાગ્યા. મનોવિજ્ઞાનની ષ્ટિએ આ સમગ્ર પ્રશ્ર્ન સંકુચિત મનોવૃત્તિ (verkampte) વિરુદ્ધ પ્રબુદ્ધતા(verligates)નો હતો. 1991 સુધીમાં રંગભેદ સર્જતા કાયદા રદ થતાં પરિસ્થિતિ સામાન્ય બની.
રક્ષા મ. વ્યાસ